પ્લાન્ટમાંથી ઉડતી ધૂળ, ડામર અને કેમીકલની રજોટીથી પાકને નુકશાન: તાત્કાલીક પ્લાન્ટ બંધ નહીં થાય તો ખેડુતો આમરણ ઉપવાસ પર બેસવા સહિત આત્મ વિલોપન કરશે
અમદાવાદ બાયપાસ રોડ પર પોપટ ચોકડી અને કોકતા ફાટક વચ્ચે બિલ્ડકોન પ્લાન્ટના કારણે પાકને નુકશાન થતું હોવાથી ખેડુતોએ આમરણ ઉપવાસ પર બેસવાની તથા આત્મવિલોપન સહિતની ચીમકી ઉચ્ચારી હતી. પ્લાન્ટમાંથી ઉડતી ધુળ, ડામર અને કેમીલ્સની રજના કારણે પાકને નુકશાન થાય છે જેથી ખેડુતોએ રોષ ભરાઇને આ આકરો નિર્ણય લીધો છે.
વિરમગામ તાલુકા સેવાસદન ખાતે વિરમગામ મામલતદાર ને આપવામાં આવેલ આવેદનપત્ર માં જણાવવામાં આવ્યું છે કે માંડલ અમદાવાદ બાયપાસ રોડ ઉપર પોપટ ચોકડી અને કોકતા ફાટક ની વચ્ચે આવેલી સરસ્વતી બિલ્ડકોન પ્લાન્ટ ખાતે રોડ રસ્તા માટે ડામર તૈયાર કરવામાં આવે છે આ પ્લાન્ટ ખાતે મેટલ નો ભરડયો પણ તૈયાર કરવામાં આવે છે જેથી હવા માં સતત ધૂળ ડામર અને કેમિકલ્સની રજોટી ઉડતા આજુબાજુના ૧૦૦ વિઘા જેટલી જમીનમાં ખેતી પાક સુકાઈ જવાના અને મુરઝાઇ જવાના કારણે ખેતી પાક નિષ્ફળ જતા સ્થાનિક ખેડૂત પારાવાર મુશ્કેલી સાથે આર્થિક નુકસાન ભોગવી રહ્યા છે
જે બાબતે પ્લાન્ટના માલિકને ખેડૂતો દ્વારા અવાર નવાર રજૂઆત કરવા છતાં અને સત્તાધીશોને પણ આ માટે રજૂઆતો કરાઇ હતી છતાં થતા આજદિન સુધી કોઈ પગલાં ભરવામાં આવતાં નથી ત્યારે મોંઘા ભાવના ખેડ ખાતર અને બીજવારો નો ઉપયોગ કરી સારી ખેતી કરવા છતાં ખેડૂતોના ભાગે નુકસાની વેઠવાનો વારો આવે છે જો આ બાબતે તાત્કાલિક ધોરણે પ્લાન્ટ બંધ કરવા ની કાર્યવાહી નહી કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે ખેડૂતો આમરણ ઉપવાસ પર બેસવા સહિત આત્મવિલોપન પણ કરશે તેવુ ખેડૂતો જણાવી રહ્યા છે જેની સઘળી જવાબદારી જે તે અધિકારી ની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.