ગુજરાતથી લઈને ઓડિશા સુધીના રાજ્ય જે કૃષિ માટે વરસાદ પર નિર્ભર છે, ત્યાં સરેરાશ 106 ટકાથી વધુ સામાન્ય વરસાદ પડી શકે

ભારતમાં આ વર્ષે સામાન્ય કે તેનાથી વધુ વરસાદ પડવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગે મંગળવારે જણાવ્યું કે, આ વખતે બંપર કૃષિ ઉત્પાદન થવાની અને ફુગાવો ઘટવાની આશા છે. ભારતીય હવામાન વિભાગના ડિરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું કે, આ વર્ષે ચોમાસામાં સરેરાશ વરસાદ લાંબા ગાળાની સરેરાશના 103 ટકા રહેવાની શક્યતા છે. એપ્રિલમાં આઈએમડીએ કહ્યું હતું કે, દેશમાં સામાન્ય વરસાદ પડશે.

મહાપાત્રએ કહ્યું કે, ચોમાસુ કોર ઝોન-ગુજરાતથી લઈને ઓડિશા સુધીના રાજ્ય જે કૃષિ માટે વરસાદ પર નિર્ભર છે, ત્યાં લાબા ગાળાની સરેરાશના 106 ટકાથી વધુ સામાન્ય વરસાદ પડી શકે છે. તેમણે કહ્યું કે, મધ્ય ભારત અને દક્ષિણ દ્વીપકલ્પમાં સામાન્યથી વધુ વરસાદ પડવાની, જ્યારે ઉત્તર-પૂર્વ અને ઉત્તર-પશ્ચિમ ક્ષેત્રોમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે. આ સતત ચોથું વર્ષ છે જ્યારે ભારતમાં સમાન્ય વરસાદની શક્યતા છે. આ પહેલા ભારતમાં 2005-08 અને 2010-13માં સામાન્ય વરસાદ નોંધાયો હતો. મહાપાત્રએ કહ્યું કે, નજીકના ભવિષ્યમાં ભારતમાં સામાન્ય વરસાદ જોવા મળી શકે છે, કેમકે સામાન્યથી ઓછા વરસાદનો દાયકો પૂરો થવાનો છે. તેમણે કહ્યું કે, આપણે બધા સામાન્ય વરસાદના યુગ તરફ આગળ વધી રહ્યા છીએ.

કેરળમાં ચોમાસાની શરૂઆતની ઉતાવળે કરાયેલી જાહેરાત માટે આઈએમડીની થઈ રહેલી ટીકાઓ અંગે મહાપાત્રએ કહ્યું કે, હવામાન વિભાગે ચોમાસાની શરૂઆત અને પ્રગતિની જાહેરાત કરવા માટે એક વૈજ્ઞાનિક પ્રક્રિયાનું પાલન કર્યું હતું. તેમણે ભાર આપીને કહ્યું કે, કેરળના 70 ટકા હવામાન કેન્દ્રોએ ઘણા વ્યાપક વરસાદની માહિતી આપી હતી અને ક્ષેત્રમાં ભારે પશ્ચિમી પવનો અને વાદળો બંધાવાથી સંબંધિત અન્ય માપદંડો પૂરા કરાયા હતા. મહાપાત્રએ કહ્યું કે, વિષુવવૃતીય પ્રશાંત ક્ષેત્રને ઠંડો કરનારી હાલની લા નીના સ્થિતિઓ ઓગસ્ટ સુધી રહેવાની શક્યતા છે અને ભારતમાં ચોમાસાના વરસાદ માટે શુભ સંકેત છે. તેમણે કહ્યું કે, જમ્મુ-કાશ્મીર, લદાખ, ઉત્તરાખંડ અને અરુણાચલ પ્રદેશને છોડીને દેશના મોટાભાગના ભાગોમાં જૂનમાં મહત્તમ તાપમાન સામાન્યથી નીચે રહેવાની શક્યતા છે.

આઈસીઆરઆઇના ચીફ ઈકોનોમિસ્ટ અદિતી નાયરે જણાવ્યું કે, ’ચોમાસાના વરસાદની અપગ્રેડેડ આગાહીએ હીટવેવ અને જળાશયોના સ્તરમાં ઋતુગત ઘટાડાની બાબતમાં થોડી રાહત આપી છે. સમયસર શરૂઆત દેશમાં સાનુકૂળ પ્રગતિ અને પછીના મહિનાઓમાં તંદુરસ્ત ડિસ્ટ્રિબ્યુશન ઘણું મહત્વનું રહે છે. જોકે, કેટલાક રાજ્યોમાં મજૂરોની ઉપલબ્ધતા અને ખાતરોને લઈને સમસ્યા રહે છે, જે વાવેતર વિસ્તાર અને ઉપજ પર અસર કરી શકે છે.’

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.