ખેડૂતોની આવક બમણી કરવા કેન્દ્ર અને રાજ્ય સરકારના નિર્ધારને કુદરતનું પણ સમર્થન: સારા વરસાદથી મબલખ પાકની આશાથી ખેડૂતોને લૂંટાતા બચાવવા મગફળીના ટેકાના ભાવ જાહેર કરતી રૂપાણી સરકાર
ચાલુ વર્ષે પ્રારંભમાં લાંબી રાહ જોવડાવ્યા બાદ મેઘરાજા સમગ્ર રાજયમાં મન મૂકીને વરસી રહ્યા છે. જેના કારણે રાજયમાં અત્યાર સુધીમાં ૧૦૩ ટકા જેવો વરસાદ નોંધાઈ ચૂકયો છે. અને આગામી દિવસોમાં હજુ વરસાદની આગાહીઓ કરવામાં આવી છે.સારા વરસાદથી રાજયના મોટાભાગના ડેમો અને જીવાદોરી સમાન નર્મદા ડેમ પાણીની છલોછલ થઈ ગયા છે.
જેથી, ધરતીપુત્ર ગણાતા ખેડુતોએ ગત વર્ષ કરતા આ વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે. જેના કારણે મગફળી, કપાસ, કઠોળ સહિતના ખરીફ પાકોનું બમ્પર ઉત્પાદન થવાની આશા સેવાય રહી છે. તમામ પાકોનું મોટા પ્રમાણમાં ઉત્પાદન થવાથી તેના ભાવો દબાવવાની આશંકા પણ સેવાય રહી છે. જેથી ખેડુતોમાં સારા પાકની આશામાં આનંદ સાથે ભાવો નીચા જવાની ચિંતા પણ ઉભી થવા પામી છે.
જેથી પાણી પહેલા પાળ બાંધીને ખેડુતોની ચિંતા દૂર કરવા રાજયની રૂપાણી સરકારે મગફળીના ટેકાના ભાવોની ગઈકાલે જાહેરાત કરી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે મગફળીના એક મણના રૂા.૧૦૦૦ના ટેકાના ભાવ આપવાની જાહેરાત કરીને ગમે તેટલી મગફળીની ખરીદવાની તૈયારી દર્શાવી હતી. ગત સીઝનમાં પણ રાજય સરકારે એક હજાર રૂા.ના પ્રતિ મણના ટેકાના ભાવથી ખેડુતો પાસેથી મગફળી ખરીદી હતી.
ગાંધીનગરના મહાત્મા મંદિરમાં ખેડુતોને સંબોધતા મુખ્યમંત્રીએ કહ્યું આ વર્ષે બમ્પર પાક થવાનો છે. સરકાર ૧૦૦૦ રૂા.ના દરે મગફળી ખરીદશે તમારે ચિંતા કરવાની જરૂર નથી. તેમણે ઉમેર્યું કે, ખેડુતોને અન્ય તમામ પેદાશો માટે પણ સ્પર્ધાત્મક ભાવ મળશે. આ તકે કૃષિ રાજય મંત્રી જયદ્રથસિંહ પરમારે જણાવ્યું હતુ કે રાજય સરકારે છેલ્લા ત્રણ વર્ષમાં ૯,૬૪૦ કરોડની કૃષિ પેદાશો ખેડુતો પાસેથી ખરીદી કરી છે. અન્ય એક જાહેરાતમાં મુખ્યમંત્રક્ષએ કહ્યું કે રાજય સરકાર ચાલુ વર્ષના અંત સુધીમાં રહેલા વીજ જોડાણો માટેની એક પણ અરજી બાકી રહેવા દેશે નહી તમામ પેન્ડીંગ અરજીઓનો વર્ષના અંત સુધીમાં નિકાલ કરવામાં આવશે.
શુક્રવારે મહાત્મા મંદિર ખાતે નવમી એગ્રી એશિયા પ્રદર્શન અને ડેરી પશુધન અને મરઘા એકસ્પોનું ઉદઘાટન કરતા કેન્દ્રીય કૃષિ મંત્રી નરેન્દ્રસિંહ તોમરે કહ્યું કે તમામ રાજય સરકારોનું ધ્યાન કેન્દ્રીત કરીને ખેડુતોની આવક ૨૦૨૨ સુધીમાં બમણી કરવામાં આવે. હવે ઉત્પાદન કેન્દ્રીત વિચારસરણીથી આવક કેન્દ્રીત વિચારસરણીમાં પરિવર્તન થવું જોઈએ.
આ તકે મુખ્યમંત્રીએ પૂનરોચ્ચાર કર્યો કે સરદાર સરોવર ડેમ આ વર્ષે પૂર્ણ ક્ષમતામાં ભરાશે. ઈતિહાસમાં પ્રથમ વખત, નર્મદા ડેમ આગામી ૧૫ દિવસમાં પૂર્ણ ક્ષમતામાં ભરવામાં આવશે. હાલનું સ્તર ૧૩૬૫.૫એમ છે અને ડેમ ૧૩૮ મીમી ભરાશે પ્રથમ વખત, ડેમમાં પાંચ મીલીયન હેકટર ફીટ પાણીનો સંગ્રહ થશે. આ પાણીનો ઉપયોગથી ખેડુતો વર્ષમાં ત્રણ પાક લઈ શકે તે સુનિશ્ર્ચિત કરવા માટે કરવામાં આવશે તેમ રૂપાણીએ આશાવાદ સેવ્યો હતો.
ગત વર્ષે સમગ્ર રાજયમાં ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં થયેલુ કૌભાંડ ચર્ચાનું કેન્દ્ર બન્યું હતુ જેમાં બહાર આવેલી ચોંકાવનારી હકિકત અનુસાર આ કૌભાંડમાં સરકારે ૨૫૦ કરોડથી વધુની અધધ રકમના માત્ર ધૂળ ઢેફા જ ખરીધા હતા એટલે કે આવડી મોટી રકમ ભ્રષ્ટાચારી તત્વોએ ખેડુતોના નામે પોતાના ગજવામાં સેરવીલીધી છે. જાણકાર સુત્રો તો ત્યાં સુધી કહે છે કે, આઈસબર્ગની માફક આ કૌભાંડ જેટલું બહાર દેખાય છે. તેનાથી અનેક ગણુ વધારે છે. મગફળી ખરીદીના આ કૌભાંડની વાતના મૂળમાં જઈએ તો સામાન્ય રીતે સરકાર દર વર્ષે ટેકાના ભાવે બેથી અઢી લાખ ટન મગફળી ખરીદતી હતી પરંતુ ગત વર્ષે વિધાનસભાની ચૂંટણી હોવાથી સરકારે ૮.૩૦ લાખ ટન મગફળીની ટેકાનાભાવે ખરીદી કરી હતી. ગોંડલ, ગાંધીધામ સહિતના સેન્ટરોમાં મગફળીના ગોડાઉનમાં આગ લાગ્યા બાદ રૂા.૨૩ કરોડની મગફળી બળી જવાની ઘટના બાદ તપાસમાં બહાર આવેલી સ્થિતિનું સરવૈયું કાઢતા સમગ્ર કૌભાંડનું ચિત્ર સામે આવ્યું હતુ સુત્રોના જણાવ્યા અનુસાર કૂલ ખરીદીમાં ૩૦ થી ૩૫ ટકા મગફી ખરાબ હતી. જેમાં ધૂળના ઢેફાની સાથે ગોગડી અને ગુણવત્તા વગરની નબળી મગફળી પણ ધાબડી દેવામાં આવી હતી. ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ તેમજ રાજકોટ અને ગિર સોમનાથ જિલ્લાના કેટલાક સેન્ટરોમાં આ કૌભાંડ વ્યાપક પણે આચરાયું હતુ. આ સંદર્ભે જોતા કુલ ૮.૩૦ લાખ ટન મગફળીની થયેલી ખરીદીમાં ૨૦ ટકાથી વધારે મગફળી ધૂળ અને કાંકરાવાળી હતી. એટલે કે દોઢથી પોણા બે લાખ ટન મગફળીમાં ભેળસેળ હતી.
આ અંગેની તપાસ દરમિયાન બહાર આવેલી હકિકત અનુસાર ૩૫ કિલોની મગફળીની બોરીમાં ૧૦ થી ૧૫ કિલો સુધી કાંકરા અને ધૂળની જ ખરીદી થઈ છે. સરકારે મગફળીના ટેકાના ભાવ પ્રતિકિવન્ટલ ૪૫૦૦ મુજબ ટનના રૂા.૪૫ હજાર ચૂકવ્યા હતા. ધૂળ કાંકરા સાતષ તેનો ગુણાકાર કરતા આશરે ૨૫૦ કરોડ રૂપીયાથી વધારે રકમ સરકારે માત્ર ધૂળ કાંકરા પેટે ચૂકવી છે. ખેડુતોના નામે આ રકમ કૌભાંડીયા તત્વો ચાંઉ કરી ગયા છે અને સરકારને આવડી મોટી રકમનો ચૂનો લગાવી દીધો હતો.
ખેતી પ્રધાન ગણાતા આપણા દેશ ભારતમાં જગતના તાત ગણાતા ખેડુતોની આવક વર્ષ ૨૦૨૨ સુધીમાં બમણી કરવા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યોજના બનાવી છે. જેના ભાગરૂપે રાજયની રૂપાણી સરકારે પણ ખેડુતોનો સર્વાંગી વિકાસ થાય અને ખેડુતોને તેના પાકોનાં પોષણક્ષમ ભાવો મળી રહે તે માટે વિવિધ યોજનાઓ બનાવીને કમર કસી છે.
જેના ભાગ રૂપે જ આ વર્ષે પણ મગફળીને ટેકાના ભાવ રૂા.૧૦૦૦ જાહેર કરીને ખેડુતોને લૂંટતા બચાવવાનો રૂપાણી સરકાર નિર્ણય કર્યો છે. પરંતુ, ગત વર્ષની જેમ આ વર્ષે ટેકાના ભાવે મગફળીની ખરીદીમાં કૌભાંડીયા તત્વો કળા કરીને ખેડુતોને તેના હકકથી વંચિત ન રાખે તે માટે પણ રૂપાણી સરકાર યોગ્ય આયોજન કરવું પડશે.
સામાન્ય રીતે કૃષિ પાકના ટેકાના ભાવ જાહેર કરવામાં આવ્યા ત્યારે એવું લાગતું હોય છે. ખેડૂતોને લાભ થશે અને તેમનાં ઉત્પાદનોના સારા ભાવ મળશે, પરંતુ એ આશા ઠગારી નીવડે છે. એક અહેવાલ મુજબ ટેકાના ભાવ વધારાનો માત્ર છ ટકા ખેડૂતોને જ લાભ થવાનો છે, બાકીના ૯૪ ટકા ખેડૂતોને તો ફૂટી કોડીનોય લાભ તો નથી, એવા ખેડૂતોના ભાગે તો શોષણખોર વેપારીઓ અને વચોટિયાઓના હાથે શોષણ જ થઈ રહ્યું છે. એવા વેપારીઓ જે ભાવે માગે તે ભાવે જ ખેડૂતને ખેતઉત્પાદન આપવા મજબૂર થવું પડે છે. આ ટેકાના ભાવનું કમઠાણ તો બણગાં ફૂંકવામાં જગલો અને કૂટવામાં ભગલો હોય તેવું ખેડૂતોને લાગી છે. કમનસીબી કેવી છે કે, ખેડૂતને પોતાના પાકના ટેકાના ભાવ માગવા પડે છે, તમે જુઓ તો ખરા દેશમાં બીજા કોઈ ધંધાર્થીને કે વેપારીને ક્યારેય ટેકાના ભાવ માગવા પડયા હોય તેવું સાંભળ્યું છે?
૨૦૦૬માં સ્વામિનાથન કમિટીએ ખેડૂતોને ટેકાના ભાવ મુદ્દે સુધારા સૂચવ્યા હતા, જેમાં મિકેનિઝમ આપ્યું હતું કે, ખેડૂતોના ટેકાના ભાવ પ્રથમ શ્રેણી એટુ જાહેર કરાય, મતબલ કે, પાક તૈયાર કરવા જે ખર્ચ કરવો પડે છે તે એટુમાં આવે છે. એટુમાં બીજ, ખાતર, કિટનાશક, સિંચાઈ અને મજૂરીનો ખર્ચ આ શ્રેણીમાં આવે છે. બીજી શ્રેણી એફએલ એટલે કે ખેતી થતી હોય ત્યારે મજૂરો કામ કરતા હોય છે, જેમાં ખેડૂતના પરિવારો પણ કામ કરે છે તેમનું વેતન પણ ગણવામાં આવે. ત્રીજી શ્રેણી સીટુ કે જેમાં જમીનનું ભાડું ગણાય, વારંવાર પાક લેવાથી જમીન બિનઉપજાઉ બની જાય છે તેને ફરી ફળદ્રુપ બનાવવા ખેડૂતોને ખર્ચ કરવો પડે છે, વળી લાખો ખેડૂતો ખેતર ભાડે રાખીને ખેતીકામ કરે છે. તેમને સપોર્ટ પ્રાઇસમાં ભાડું ઉમેરાવું જોઈએ જે અત્યારે ઉમેરાતું નથી અને પરિણામે ખેડૂતો પાયમાલ થઈ રહ્યા છે એ કડવું સત્ય છે.
ખેડૂત અગ્રણીઓનું માનવું છે કે, ટેકાના ભાવ જાહેર કરવાથી ખેડૂતને કોઈ મોટો ફાયદા થવાનો નથી. આજે દેશમાં માત્ર ૩૩ ટકા ખેડૂતો એપીએમસી બાબતે જાગ્રત છે. તેલંગણા સરકારે ખેડૂતો માટે જે પેટર્ન અપનાવી છે તેનું અનુકરણ કેમ કરાતું નથી તે વિચારવા જેવી બાબત છે. તેલંગણામાં સરકાર ટેકાના ભાવ જાહેર કરતી નથી. બીજું કે સરકાર ખેડૂતોને એકરદીઠ ર્વાષિક સબસિડી આપે છે. સરકારને બદલે બજાર ટેકાના ભાવ નક્કી કરે અને બજાર જ ખેડૂતોને માહિતી આપે કે, શું ઉત્પાદિત કરવું અને શું ન કરવું. આ પદ્વતિ ગુજરાતમાં કે આખા દેશમાં લાગુ કરી શકાય તેમ છે.