• સરકારે 4 પાકોને ટેકો આપવાની સહમતી આપી પણ ખેડૂતો તમામ પાક ઉપર ટેકો આપવાની માંગ ઉપર અડગ, કાલે 11 વાગ્યાથી કોઈ પણ પરિસ્થિતિમાં દિલ્હીમાં ઘુસવા ખેડૂતો સજ્જ

ખેડૂત આંદોલન હવે વધુ સક્રિય થવાનું છે.  ખેડૂતો પોતાની માંગ પર અડગ છે. દરમિયાન સોમવારે શંભુ બોર્ડર ખાતે ખેડૂત આગેવાનોની મહત્વની બેઠક મળી હતી. આ બેઠકમાં ખેડૂત સંગઠનોએ કેન્દ્ર સરકારના પ્રસ્તાવને ફગાવી દીધો હતો. ખેડૂતોએ 21 ફેબ્રુઆરીએ એટલે કે આવતીકાલે સવારે 11 વાગ્યે દિલ્હી કૂચ કરવાની તૈયારી કરી લીધી છે.

ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલે કહ્યું કે સરકારના ઈરાદામાં ખામી છે. સરકાર અમારી માંગણીઓ પર ગંભીર નથી. અમે ઈચ્છીએ છીએ કે સરકાર એમએસપી માટે ફોર્મ્યુલા નક્કી કરે એટલે કે 23 પાક માટે લઘુત્તમ ટેકાના ભાવ આપે. સરકારની દરખાસ્તથી ખેડૂતોને કોઈ ફાયદો થવાનો નથી. દલ્લેવાલે કહ્યું કે અમે નક્કી કર્યું છે કે સરકાર દ્વારા આપવામાં આવેલા પ્રસ્તાવમાં કોઈ સ્પષ્ટતા નથી. સરકારે કરેલી દરખાસ્ત જોવા જઇએ તો તેમાં કશું જ દેખાતું નથી.  સરકાર 1.75 લાખ કરોડ રૂપિયાનું પામ ઓઈલ બહારથી ખરીદે છે, પરંતુ જો આ રકમ ખેતી માટે તેલીબિયાં માટે ફાળવવામાં આવી હોત તો ખેડૂતોને ઘણો ફાયદો થયો હોત.

દલ્લેવાલે કહ્યું કે આ પ્રસ્તાવ ખેડૂતોના પક્ષમાં નથી. અમે દરખાસ્તને નકારી કાઢીએ છીએ. ભગવંત માનને આ બેઠકમાં બેસાડવામાં આવ્યા હતા કે અમારા મુખ્યમંત્રી અમારી સમસ્યા સાંભળશે કે તેમની જમીન પર ઇન્ટરનેટ કામ કરતું નથી. તેમના રાજ્યની ધરતી પર ટીયર ગેસના શેલ છોડવામાં આવી રહ્યા છે. હરિયાણા ડીજીપી પણ કહી રહ્યા છે કે ટીયર ગેસના શેલ છોડવામાં આવ્યા નથી. જો એમ હોય તો, શું તેમની જાણ વગર અહીં 400 લોકો ઘાયલ થયા હતા? જેમણે પણ આવું કર્યું તેની સામે સુપ્રીમ કોર્ટે કાર્યવાહી કરવી જોઈએ.સરકાર ઈચ્છે છે કે અમે આક્રમક થઈએ પરંતુ જો તે આ મુદ્દાનો ઉકેલ ન લાવે તો અમને આરામથી દિલ્હી જવા દો.

સરકાર અમારી તમામ માંગ સ્વીકારે અથવા દિલ્હીમાં બેસવા દયે : ખેડૂત નેતા

ખેડૂત નેતા પધેર કહે છે કે અમે 21 ફેબ્રુઆરીએ દિલ્હી કૂચ કરવાના છીએ. હાલ સરકાર સાથે વધુ કોઈ બેઠક થશે નહીં. પરંતુ અમે હંમેશા વાતચીત માટે તૈયાર છીએ. દલ્લેવાલે કહ્યું કે અમે સરકારને અપીલ કરીએ છીએ કે અમારી માંગણીઓ સ્વીકારે અથવા અમને શાંતિથી દિલ્હીમાં બેસવા દે. અમે તમામ ખેડૂત ભાઈઓને હિંસા ન કરવા અપીલ કરીએ છીએ.

કઈ માંગણીઓ ઉપર ખેડૂતો અડગ ?

  • એમએસપી પર તમામ પાકની ખરીદીની ખાતરી આપવા માટે કાયદો બનાવવો જોઈએ.
  • ડૉ.સ્વામિનાથન કમિશનના રિપોર્ટ મુજબ કિંમત નક્કી થવી જોઈએ.
  • ખેડૂતો અને ખેતમજૂરોની લોન માફ કરવી જોઈએ અને પેન્શન આપવું જોઈએ.
  • જમીન સંપાદન અધિનિયમ 2013નો ફરીથી અમલ થવો જોઈએ.
  • લખીમપુર ખેરી ઘટનાના દોષિતોને સજા થવી જોઈએ.
  • મુક્ત વેપાર કરારો પર પ્રતિબંધ મૂકવો જોઈએ.
  • વીજળી સુધારો બિલ 2020 રદ થવો જોઈએ.
  • મનરેગા હેઠળ દર વર્ષે 200 દિવસનું કામ અને 700 રૂપિયા પ્રતિ દિવસ આપવા જોઈએ.
  • ખેડૂત આંદોલનમાં માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતર, સરકારી નોકરી મળવી જોઈએ
  • નકલી બિયારણ, જંતુનાશકો અને ખાતર વેચતી કંપનીઓ સામે કડક કાયદો બનાવવો જોઈએ.
  • મરચાં, હળદર અને અન્ય મસાલા માટે રાષ્ટ્રીય આયોગની રચના કરવી જોઈએ.
  • બંધારણની અનુસૂચિ 5 લાગુ કરીને આદિવાસીઓની જમીનોની લૂંટ બંધ કરવી જોઈએ.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.