ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતોનું રોષભેર જિલ્લા કલેકટરને આવેદન: ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ગામમાં રાજકીય આગેવાનોની પ્રવેશબંધી, મતદાનનો બહિષ્કાર, ઉપવાસ આંદોલન ચલાવવાની ચિમકી
પાક વીમા પ્રશ્ને ખેડૂતો સાથે અન્યાય થયો હોવાના આક્ષેપ સાથે ભારતીય કિશાન સંઘના નેજા હેઠળ ખેડૂતોની વિશાળ રેલી યોજાઈ હતી. ત્યારે પોલીસ દ્વારા ૩૦થી વધુ મહિલા અને પુરુષોની અટકાયત પણ કરવામાં આવી હતી. જો કે બાદમાં પાંચ ખેડૂત અગ્રણીઓએ જિલ્લા કલેકટર કચેરીએ પહોંચીને આવેદન પત્ર પાઠવ્યું હતું. સાથે આગામી દિવસોમાં ચૂંટણીલક્ષી કાર્યક્રમો માટે ગામમાં રાજકીય આગેવાનોની પ્રવેશબંધી, મતદાનનો બહિષ્કાર, ઉપવાસ આંદોલન ચલાવવાની ચિમકી પણ આપી હતી.
ભારતીય કિશાન સંઘના પ્રમુખ દિલીપભાઈ સખીયાએ જણાવ્યું હતું કે, ભારતીય કિશાન સંઘ દ્વારા રાજકોટ જિલ્લાના ઘણા તાલુકાને અછત અને અસરગ્રસ્ત જાહેર કર્યા પચી પણ જો એને વીમો દેવામાં નથી આવ્યો જેના રોષ માટે આજે ખેડૂતો ભેગા થયા છે અને સ્વયંભુ ખેડૂતો રેલીના સ્વરૂપમાં કલેકટરને આવેદન આપી અને વિમાની માંગણી કરવાના છીએ. જો વીમો નહીં મળે તો સરકારને અસર થશે. સરકારના આ પોઈન્ટને ધ્યાનમાં જે આ ખોટો અન્યાય થયો છે એ અન્યાય બુરવા માટે ખેડૂતોની માંગ સંતોષાવી એ સરકારની નૈતિક જવાબદારી છે. એની સરકાર ધ્યાન રાખે તો બધા માટે સારી બાબત છે. અત્યારે ૧૦૦૦-૧૫૦૦ ખેડૂતો આવ્યા છે અને રુલર પોલીસ દ્વારા ખેડૂતોને રોકવામાં આવ્યા છે. ઓછા ખેડૂતો પહોંચે એના માટે પોલીસ દ્વારા રૂરલમાં પ્રયત્નો થઈ રહ્યાં છે જેમાં સિટી પોલીસે પુરેપુરી મદદ કરેલી છે.
કોટડા તાલુકાના મોટી મેંગણી ગામના ખેડૂત શૈલેષભાઈ સીદપરાએ જણાવ્યું હતું કે, અમારે એક જ વરસાદ થયો છે અને પાક વીમો પણ ખૂબ ઓછો મળ્યો છે. સરકાર ચેકડેમ ઉંડા કરવાના હતા. એમાં પણ બેદરકારી કરીએ અને ચેકડેમ પહેલેથી જ ખાલી છે. સરકાર મત લેવા આવે છે અને મત લઈને પછી પાંચ વર્ષ સુધી મોઢુ પણ બતાવતા નથી. સરકારને શું સ્પષ્ટ કરવાનું છે એ જ ખબર નથી પડતી. ૨૬૦૦ કરોડનો વીમો આપ્યો હતો. પરંતુ ખેડૂતોને પુરતો વીમો મળ્યો નથી. સરકારે ૧૩૦૦૦ કરોડ રૂપિયા પ્રાઈવેટ કંપનીને વીમો આપ્યો છે તો આ લોકો કેમ પુરો નથી આપતા. જેથી આ પ્રશ્ર્નોને લઈ અમે કલેકટરને આવેદન આપવા આવ્યા છીએ. અને આનો કોઈ જવાબ નહીં આવે તો અમે ગાંધી માર્ગે ઉગ્ર આંદોલન કરશું.