ગણદેવીના ઇચ્છાપોર, પિંજરા, નવાગામ, માણેકપોર અને પાથરી ગામના ખેડૂતોના વિરોધને પગલે સર્વે કામગીરી સ્થગિત
સરકાર કયા ભાવે જમીન લેવા માગે છે? અને કેટલી સંપાદન કરશે? તેની માહિતી આપ્યા વગર જ જોહુકમી કરતી હોવાન
નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના ઇચ્છાપોર ગામે બુલેટ ટ્રેન માટે જમીન સર્વે કરવા માટે આવેલી ડી.આઇ.એલ.આર. ટીમનો અસરગ્રસ્ત પાંચ ગામોનાં ખેડૂતોએ ભારે વિરોધ કરતાં સર્વેની કામગીરી સ્થગિત કરવાની નોબત આવી છે.
અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ બુલેટ ટ્રેન માટે જમીન સંપાદન કરવાના મુદ્દો ખેડૂતો માટે અજંપો આપનારો ઠરી રહ્યો છે. ખેડૂતોને તેમની કિંમતી જમીનની કિંમત નક્કી કર્યા વિના સરકાર અધિકારીઓને સ્થળ પર મોકલી કાર્યવાહી કરવાના આદેશ આપી જોહુકમી કરતી હોવાની ખેડૂતોમાં લાગણી ફેલાઇ છે.
ગણદેવી તાલુકાનાં ઇચ્છાપોર ગામની સીમમાં આજે સવારે નવસારીનાં પ્રાંત અધિકારી (મદદનીશ કલેકટર) કુ. નેહા, ગણદેવી મામલતદાર એસ.ડી. ચૌધરી, ગણદેવી પી.એસ.આઇ. વી.બી. આલ તેમજ મોટી સંખ્યામાં પોલીસ કાફલા સાથે જમીન સર્વે કરવા માટે જલાલપોરનાં ડી.આઇ.એલ.આર.નાં કર્મચારીઓ લઇને બુલેટ ટ્રેનનાં અધિકારીઓ પહોંચ્યા હતા.
જેનો ઇચ્છાપોર, પિંજરા, નવાગામ, માણેકપોર અને પાથરી ગામનાં ૩૦૦થી વધુ અસરગ્રસ્ત થનારા ખેડૂતોએ ભારે વિરોધ કરતાં સર્વેની કામગીરીને સ્થગિત કરવાની ફરજ પડી હતી.
ઇચ્છાપોર ગ્રામપંચાયતનાં સરપંચ દિપકભાઇ પટેલ, બળવંતભાઇ પટેલ, રવિન્દ્રભાઇ પટેલ, ધીરેનભાઇ પટેલ વિગેરેએ નવસારી પ્રાંત અધિકારી કુ. નેહા સમક્ષ ભારપૂર્વક રજૂઆત કરી કે, ખેડૂતોનો બુલેટ ટ્રેન માટે કોઇ વિરોધ નથી પરંતુ સરકાર ખેડૂતોને તેમની જમીન કયા ભાવે લેવા માંગે છે? કેટલી જમીનને સંપાદન કરશે? તે અંગેની કોઇ આપ્યા વિના સીધેસીધું સંપાદન માટેની કામગીરી જ હાથ ધરે છે.તેનો સખત વિરોધ છે. પહેલા સરકાર આ તમામ બાબતો નક્કી કરે- ખેડૂતોની માંગણી મુજબ જમીનનો બજારભાવ આપવા સહિતની બાબતે હોકારો આપે પછી જ કોઇપણ કાર્યવાહી કરે, અન્યથા તેનો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આ બાબતે કોઇ ઠોસ ખાત્રી આપવાની સ્થિતિમાં અધિકારીઓ નહીં હોવાથી તેમણે જમીન સર્વેની કામગીરી સ્થગિત કરવાની નોબત આવી હતી. ખેડૂતો – જમીનમાલિકોને વિશ્વાસમાં લીધા વિના જમીન પર કબ્જો કરવા હાવી થઇ જવાની સરકારની વૃત્તિથી ખેડૂતોમાં અવિશ્વાસ અને અજંપાની લાગણી ફેલાઇ છે.