જામીન સંપાદનની કાર્યવાહી વિના જ ખેતરોમાં ઉભા મોલ વચ્ચે વીજ પોલ નાંખી દીધા
એક કલાક સુધી વાહન ચાલકો ફસાયા: પોલીસની સમજાવટ બાદ ખેડૂતો હાઇપે પરથી હટયા
લાકડીયા વડોદરા હેવી વીજલાઇન પસાર કરવામાં વીજ કંપની દ્વારા મનમાની કરી જમીન સંપાદનની કાર્યવાહી વગર જ ખેડૂતોના ખેતરમાં ઉભા મોલ વચ્ચે વીજપોલ નાખવામાં આવી રહ્યા હોય કંપનીની દાદાગીરીના વિરોધમાં હળવદના વિવિધ ગામના અસરગ્રસ્ત ખેડૂતો દ્વારા હળવદ હાઈવે ચક્કાજામ કરાતા કલાકો સુધી હાઇવે ઉપર વાહનચાલકો ટ્રાફિકજામમાં ફસાયા હતા. અને આખરે પોલીસની દોડી આવી ખેડૂતોને સમજાવટ બાદ હાઇવે ખુલ્લો કરાવ્યો હતો.
પ્રાપ્ત વિગતો મુજબ ખાનગી વીજ કંપની દ્વારા કચ્છના લાકડિયાથી વડોદરા વચ્ચે હેવી વીજભાર વહન કરતી વીજલાઇન પસાર કરવાની કામગીરી ચાલી રહી છે.
જેમાં હળવદ સહિતના વિવિધ ગામોમાં કંપનીના માણસો દ્વારા જમીન સંપાદનની કાયદેસરની કાર્યવાહી કર્યા વગર જ ખેડૂતોનો ઉભો પાક લહેરાતો હોવા છતાં વીજપોલ નાખવામાં આવી રહ્યા હોવાથી ખેડૂતો દ્વારા આ મામલે જિલ્લા કલેક્ટરથી લઇ સ્થાનિક કક્ષાએ લેખિત મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. છતાં પણ કંપનીના માણસોની દાદાગીરી યથાવત રહેતા ખેડૂતોનો રોષ ભભૂકી ઉઠ્યો હતો.
હળવદ અને આસપાસના વિસ્તારમાંથી એકત્રિત થયેલા લોકોએ હાઇવે ઉપર ચક્કાજામ કરતા લગભગ એકાદ કલાક ટ્રાફિક થંભી ગયો હતો. અને વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા શ સાથે જ બનાવ સ્થળે દોડી આવેલ ખેડૂતો અને પોલીસ વચ્ચે ચકમક ઝરી હતી અને આખરે મામલો થાળે પડ્યો હતો અને પોલીસની સમજાવટ બાદ ખેડૂતો હાઇવે પરથી વળી પાછા હળવદ મામલતદાર કચેરી ખાતે આવ્યા હતા ખેડૂતો દ્વારા મામલતદાર કચેરીમાં રામધૂન બોલાવી વિરોધ નોંધાવી મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું.