ધોરાજી કિસાન સન્માન કાર્યક્રમમાં કિસાન સૂર્યોદય યોજનાના ત્રીજા તબક્કાનો પ્રારંભ
ઉપલેટા-ધોરાજી-જામકંડોરણાના કિસાનો માટે”કિસાન સન્માન દિન” ઉજવણી તેમજ “સાત પગલાં ખેડૂત કલ્યાણના” કાર્યક્રમ અન્ન અને નાગરિક પુરવઠામંત્રી જયેશભાઇ રાદડીયા તેમજ રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુની ઉપસ્થિતિમાં યોજાયો હતો.
આ પ્રસંગે ધોરાજી-જામકંડોરણા-ઉપલેટા તાલુકાના ખેડૂતોને વિવિધ યોજનાકીય સહાય કીટ લાભાર્થીઓને વિતરણ કરાઇ હતી, જેમાં ખેતીવાડી સહાય યોજના અંતર્ગત આઇ ખેડૂત પોર્ટલ પર નોંધાયેલ ધોરાજી તાલુકાના 567 લાભાર્થીઓને 1કરોડ 42લાખ 73 હજાર 168 રૂપિયાની સહાય, ઉપલેટા તાલુકાના 904 લાભાર્થી ખેડૂતોને રૂ. 2 કરોડ 53 લાખ 42 હજાર 571 ની સહાય અને જામકંડોરણા તાલુકાના 787 લાભાર્થી ખેડૂતોને રૂ. 1 કરોડ 71 લાખ 46 હજાર 52 ની વિવિધ યોજનાકીય સહાય અર્પણ કરાઇ હતી.
આ પ્રસંગે મંત્રી જયેશભાઇ રાદડિયાએ જણાવ્યું હતું કે રાજ્યસરકાર દ્વારા ખેડૂતોના હિતાર્થે અનેકવિધ યોજનાઓ અમલમાં મુકી ખેડૂતોની સુખાકારી માટેના કાર્યો થઇ રહ્યા છે. આગામી 2022 ના અંત સુધીમાં રાજ્યના 17 હજારથી વધુ ગામડાઓમાં કિસાન સૂર્યોદય યોજનાનો લાભ આપી ખેડૂતોને દિવસે વીજળી આપવાનું કાર્ય વર્તમાન સરકાર દ્વારા કરાઇ રહ્યું છે.
રાજયસરકારે ખેડૂતોના ખેત ઉત્પાદનની ટેકાના ભાવે ખરીદી કરી ખેડૂતોને પોષણક્ષમ ભાવ આપી ખેડૂતોનું હિત જાળવ્યું છે. ધરતીપુત્રોના ઉત્કર્ષ માટે ગુજરાત સરકારે મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના,કિસાન પરિવાર યોજના, દેશી ગાયના નિભાવ માટેની યોજના, જીવામૃત યોજના, ફળ-શાકભાજી વિક્રેતાને છત્રી માટેની યોજના,સ્માર્ટ હેન્ડ ટૂલ કીટ અને કાંટાળી વાડ બનાવવા માટેની સહાયની યોજના અમલમાં મૂકી છે.
આ પ્રસંગે રાજકોટ જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે 1 ઓગસ્ટથી 9-ઓગસ્ટ સુધી રાજ્ય સરકાર દ્વારા યોજાયેલા વિવિધ કાર્યક્રમો અન્વયે આજે કિસાન સન્માન દિવસની ઉજવાણી થઇ રહી છે.”કિસાન સૂર્યોદય યોજના” ત્રીજા તબક્કાનો પ્રારંભ આજે ધોરાજીમાં થઈ રહ્યો છે, એનાથી ધોરાજી તાલુકાના ચાર ગામોનાં ખેત વીજ જોડાણમાં દિવસ દરમિયાનનો વીજ પુરવઠો ચાલુ કરી દેવામાં આવશે.