ઋષિ મેહતા, મોરબી:
તંત્રના વાંકે ઘણી વાર સામાન્ય પ્રજાએ હાલાકીનો ભોગ બનવું પડતું હોય છે. હાલ સૌરાષ્ટ્રના ઘણા સ્થળો ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં વીજ ધાંધીયા જોવા મળી રહ્યા છે ત્યારે મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ખેડૂતોને લાકડીયા વડોદરા ૭૬૫ કેવી વીજ લાઈનના વળતર બાબતે અન્યાય થતો હોવાન આક્ષેપ મૂકી ભારે વિરોધ નોંધાવ્યો છે.
હળવદ તાલુકાનાં 15 જેટલા ગામોના ખેડૂતોએ એકઠા થઈ આકરાપાણીએ થઈ અર્ધનગ્ન હલતમાં વિરોધ કર્યો છે. વિજલાઈનના વળતરમાં વધારો કરવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી છે. ખેડૂતોએ મામલતદારને આવેદન પત્ર પાઠવી જો આ દિશામા કાર્યવાહી કરવામાં નહિ આવે તો આગામી ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરીશું તેમ ચીમકી ઉચ્ચારવામા આવી છે. મોટી સંખ્યામાં ખેડૂતોએ અનસન માટેની મંજૂરીની માંગ કરાતા તંત્ર દોડતું થઈ ગયું છે.
હળવદ મામલતદાર કચેરી ખાતે હળવદ તાલુકાના રાણેક૫૨, ધનશ્યામપુ૨, કોયબા, ઢવાણા, રણજીતગઢ, કેદારિયા, ધનાળા, જુનાદેવળીયા, સુ૨વદર પ્રતાપગઢ સહિત ૧૫ ગામોના ખેડૂતોએ એકઠા થઇ આ ગામોમાં સ્ટરલાઇટ પાવર એનર્જી દ્વારા ચાલતી લાકડીયા વડોદરા ૭૬૫ કેવી વીજ લાઈનની કામગીરીનો વિરોધ નોંધાવ્યો છે. ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં વિરોધ નોંધાવી ખાનગી કંપની યોગ્ય વળતર આપ્યા વગર બળજબરી પૂર્વક ટાવર ઉભા કરતી હોવાના ધગધગતા આક્ષેપો કર્યા હતા.
વિરોધ કરતાં ખેડૂતોએ જણાવ્યું છે કે પ્રતિ ચોરસ મીટર ૩૦૦ રૂપિયા વળતર આપવાનો જિલ્લા કલેકટર દ્વારા આદેશ કરાયો છે જેની સામેં પ્રતિ ચોરસ મિટર ૨૦૧૩ રૂપિયાનું વળતર આપવામાં આવે તેવી અમારી માંગ છે.ખાનગી કંપની છેલ્લા એક વર્ષથી ખેડૂતોને હેરાન પરેશાની કરતી હોવાની રાવ કરાઈ છે.આથી કંપનીના દમનથી કંટાળી અમે શર્ટ ઉતારી અર્ધનગ્ન હાલતમાં આકરો વિરોધ નોંધાવ્યો છે.
અત્રે નોંધનીય છે કે ખેડૂતોએ આવતીકાલ માટે અનશન ઉપર બેસવાની પરમિશન લેવા માટે અરજી કરતા તંત્ર દોડતું થયું છે. ખેડૂતોની માંગનો સ્વીકાર નહિ થાય તો ઉગ્ર આંદોલન કરી આગામી સમયમાં આવતી ગામડાની ચૂંટણીમાં ૫૦૦ થી વધારે પરિવાર દ્રારા મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારાઈ છે.