કોર્પોરેશનના અધિકારીઓએ કાંપ ઉપાડયાની ખેડૂતોની અરજી દોઢ મહિના સુધી દબાવી રાખી: અંતે મૌખીક મંજૂરી અપાઈ
શહેરની ભાગોળે આવેલા રાંદરડા તળાવમાંથી કાંપ ઉપાડવાની મંજૂરી આપવા માટે ખેડૂતોએ દોઢ માસ પૂર્વે કરેલી અરજી કોર્પોરેશનના અધિકારીઓએ કોઈ અકળ કારણોસર દબાવી રાખી હોય આજે ખેડૂતોનું ટોળુ કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યું હતું અને અલગ અલગ જગ્યાએ રજૂઆત કરી હતી. અંતે ખેડૂતોને રાંદરડામાંથી કાંપ ઉપાડવા માટે મૌખીક મંજૂરી આપવામાં આવી છે.
સામાન્ય રીતે એપ્રીલ માસમાં જળસંચય અભિયાન પૂર્ણ થયા બાદ ૧લી મે થી ખેડૂતોને જળાશયોમાંથી કાંપ ઉપાડવાની મંજૂરી આપી દેવામાં આવતી હોય છે. શહેરની ભાગોળે આવેલા રાંદરડા તળાવમાંથી કાંપ ઉપાડવાની મંજૂરી આપવા માટે ખેડૂતોએ દોઢ માસ પૂર્વે અરજી કરી હતી.
પરંતુ કોર્પોરેશનની ઈસ્ટ ઝોન કચેરીના એક અધિકારીએ આ અરજીની ફાઈલ દબાવી રાખી હતી. ચોમાસાની સીઝન નજીક આવી રહી છે ત્યારે ખેતરોમાં ખેડાણ કરવાની સહિતની કામગીરી શરૂ થઈ ગઈ છે. ત્યારે કોર્પોરેશનને કાંપ ઉપાડવા માટે હજુ સુધી મંજૂરી ન અપાતા આજે ૧૫ જેટલા ખેડૂતો કોર્પોરેશન કચેરીએ ધસી આવ્યા હતા અને મેયરના પીએને આ અંગે રજૂઆત કરી હતી. દરમિયાન તેઓએ આ અંગે સંબંધીત અધિકારીને તાકીદ કરી હતી. ખેડૂતોને હાલ કાંપ ઉપાડવા માટે મૌખીક મંજૂરી આપી દેવામાં આવી છે. આગામી દિવસોમાં લેખીત મંજૂરી આપવામાં આવશે.