કેન્દ્ર સરકારે ખેડૂતોની માંગણી સ્વીકારતા દિલ્હી બોર્ડર ઉપર તંબુ ઉખડવા લાગ્યા :  ખેડૂત સંગઠનો આંદોલનની સત્તાવાર પૂર્ણાહુતી જાહેર કરે તેની જોવાતી રાહ

11 મીએ દિલ્હીથી પંજાબ સુધીની વિજય કૂચ કરવામાં આવશે : 13 મીએ પંજાબમાં 32 સંગઠોના નેતા અમૃતસરમાં આવેલા દરબાર સાહિબમાં દર્શન કરશે : 15 મીએ પંજાબમાં 116 જગ્યાએ ચાલી રહેલા આંદોલન ખતમ કરાશે

દિલ્હી બોર્ડર પર છેલ્લા એક વર્ષથી ચાલતુ ખેડૂત આંદોલન પૂર્ણ થયું છે. કેસ પરત લેવા અને દરેક માંગણીઓ પૂરી કરવા વિશેનો પત્ર સરકાર તરફથી મળી જતા મામલો થાળે પડયો છે.હવે  ખેડૂત આંદોલન સમાપ્તની સ્ટેજ પરથી સંગઠન દ્વારા જાહેરાત કરી દેવામાં આવે તેની રાહ જોવાય રહી છે.

સિંઘુ બોર્ડરે ખેડૂતોએ પણ ટેન્ટ ઉખાડવાની શરૂઆત કરી દીધી છે. તે ઉપરાંત હવે આંદોલનકારીઓએ ઘરે પરત જવાની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે.

આંદોલનની આગેવાની કરનાર પંજાબના 32 ખેડૂત સંગઠનોએ તેમનો કાર્યક્રમ પણ બનાવી દીધો છે. તેમાં 11 ડિસેમ્બરે દિલ્હથી પંજાબ સુધીની વિજય કૂચ કરવામાં આવશે. સિંઘુ અને ટીકરી બોર્ડરથી ખેડૂતો એક સાથે પંજાબ માટે રવાના થશે. 13 ડિસેમ્બરે પંજાબમાં 32 સંગઠોના નેતા અમૃતસરમાં આવેલા દરબાર સાહિબમાં દર્શન કરશે. ત્યારપછી 15 ડિસેમ્બરે પંજાબમાં અંદાજે 116 જગ્યાએ શરૂ કરવામાં આવેલું આંદોલન ખતમ કરવામાં આવશે. હરિયાણાના 28 ખેડૂત સંગઠનોએ ચેમની પણ રણનીતિ બનાવી દીધી છે.

દિલ્હી બોર્ડર પર ચાલતા ખેડૂત આંદોલનની સંયુક્ત કિસાન મોરચાની મીટિંગ સમાપ્ત થઈ ગઈ છે. એમાં કેન્દ્ર સરકાર અને આંદોલનકારીઓ વચ્ચે સહમતી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર સાથે વાતચીત પછી તૈયાર કરવામાં આવેલા પ્રસ્તાવને મંજૂરી મળી ગઈ છે. હવે સરકાર તરફથી આવેલા પ્રસ્તાવ માની લેવામાં આવ્યો છે. પ્રેસ-કોન્ફરન્સમાં હરિયાણાના ખેડૂતનેતા ગુરનામ ચઢૂનીએ કહ્યું હતું કે કાલે સરકાર તરફથી જે ડ્રાફ્ટ આવ્યો છે એ વિશે અમે સહમત છીએ. અમે એમાં અમુક સુધારાની માગણી કરીને એને પરત મોકલી દીધો હતો. સરકાર વધુ બે પગલાં આગળ આવી છે. આજે જે ડ્રાફ્ટ આવ્યો છે એમાં અમારી સહમતી છે. હવે સરકાર અમને આ ડ્રાફ્ટ વિશે ઓફિશિયલ પત્ર મોકલશે. લેટર આવશે કે તરત અમે કાલે એક મીટિંગ કરીને નિર્ણય લઈ લઈશું. એ માટે કાલે 12 વાગ્યે મીટિંગ બોલાવવામાં આવી છે, જેમાં અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સરકાર માંગણી સ્વીકારવાની  સતાવર જાહેરાત કરશે એટલે અમે કાલે બેઠક યોજી આંદોલન પૂર્ણ જાહેર કરીશું : ટીકૈત

રાકેશ ટિકૈતે કહ્યું હતું કે સરકારે જે ડ્રાફ્ટ મોકલ્યો છે એ સર્વસંમતિથી પાસ કરી દેવામાં આવ્યો છે. આ ડ્રાફ્ટ પ્રમાણે મૃતકોના પરિવારને 5 લાખ વળતર રાજ્ય સરકાર આપશે. એ ઉપરાંત રાજ્ય સરકાર જ ખેડૂતો પરના કેસ પાછા લેશે. હવે એને સરકારને પરત મોકલવામાં આવ્યા છે. સરકાર આ વિશે ઓફિશિયલ જાહેરાત કરી દેશે ત્યારે આંદોલન પૂરું કરી દેવાની જાહેરાત કરી દેવામાં આવશે. એ માટે કાલે બપોરે 12 વાગ્યે મીટિંગ બોલાવવામાં આવી છે.

હરિયાણા સરકાર મૃતક ખેડૂતોને રૂ. 5 લાખની સહાય આપશે

હરિયાણા સરકારે પણ ખેડૂતોને વળતર તરીકે 5 લાખની મદદ અને કેસ પરત લેવાની સહમતી આપી દીધી છે. કેન્દ્ર સરકારે પણ દરેક કેસ પરત લેવાની સહમતી આપી દીધી છે. કેન્દ્રએ એમએસપી કમિટીમાં માત્ર આંદોલનકારીઓના નેતાઓને રાખવાની વાત પણ માની લીધી છે. દિલ્હી બોર્ડર પર 377 દિવસથી ખેડૂત આંદોલન ચાલી રહ્યું છે. જે હવે સરકારે નમતું મુકતા પૂર્ણ થવાની તૈયારીમાં છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.