ભાદર-૧ ડેમનું પાણી માત્ર સિંચાઈ માટે જ અનામત રાખવા લડત ચાલુ કરવાની જાહેરાત: ઉપલેટાના ‘અબતક’ બ્યુરો ચીફ સાથે ધારાસભ્ય લલિત વસોયાની શુભેચ્છા મુલાકાત વેળાએ ખાસ વાતચીત

ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં તાજેતરમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિતભાઈ વસોયા ચુંટાયા બાદ ઉપલેટાના અબતકના બ્યુરો ચીફ ભરત રાણપરીયા, કિરીટ રાણપરીયાની શુભેચ્છા મુલાકાત લઈ ધોરાજી-ઉપલેટા વિસ્તારના વિવિધ પ્રશ્ન માટે નિખાલસ ચર્ચા કરી હતી.

ધારાસભ્ય લલિતભાઈ વસોયા ચુંટાયા બાદ સૌપ્રથમ ઉપલેટા અબતકના બ્યુરો ચીફની મુલાકાતે આવતા રાણપરીયા પરિવારના ભાણેજ ભાવિન સોજીત્રા તથા હિરેન સોજીત્રાએ ધારાસભ્ય લલિતભાઈ વસોયાને પુષ્પમાળા પહેરાવી આવકારેલા હતા. શુભેચ્છા મુલાકાતે આવેલા ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ વર્ષોથી પારીવારીક વારો નાતો ધરાવતા અબતક બ્યુરોચીફ ભરત રાણપરીયા, કિરીટ રાણપરીયાને જણાવેલ કે ધોરાજી-ઉપલેટાની જનતાએ અત્યાર સુધીમાં જેટલા પ્રતિનિધિઓ ચુંટાયા છે. તેમાં સૌથી વધુ ૨૫ હજારની લીડ શહેર અને તાલુકાની જનતા આપી મારામાં જે વિશ્ર્વાસ મુકયો છે તે વિશ્ર્વાસને હું ડગવા નહીં દવ. ધોરાજી-ઉપલેટાના વિસ્તારના વડિલો મારા ચુંટણીમાં મને જે સાથ અને સહકાર આપેલ તે મારા મા-બાપ તુલ્ય છે.

ચુંટણી દરમિયાન કોંગ્રેસ પક્ષના અદના કાર્યકરો વિવિધ સમાજના આગેવાનો, સામાજીક સંસ્થાના આગેવાનોએ મને હાથ-પગની જેમ જે મને મદદ કરેલ તે મારા માટે ગૌરવની વાત છે. મારા રાજકીય જીવનની સૌથી મોટી ચુંટણીમાં કલ્પના બારના મતોથી મારી જીત થઈ છે. તે ધોરાજી-ઉપલેટાના મતદારોની ખરાઅર્થમાં જીત છે. બ્યુરો ચીફ કિરીટ રાણપરીયાએ પ્રથમ કેવા પ્રશ્નને આપ ધારાસભ્ય બન્યા બાદ મહત્વ અાપશો. આના જવાબમાં લલિતભાઈ વસોયાએ જણાવેલ કે હાલમાં ધોરાજી વિસ્તારની જનતાને પીવા અને સિંચાઈ માટે જે ભાદર-૨ ડેમનું પાણી અપાય છે તે ખરેખર પાણી લાલ કલરવાળું આવતું હોવાથી પ્રજાની જન આરોગ્ય માટે ખુદનું નુકસાન કરતા હોય આના માટે હું જયાં પણ જરૂર પડે તે મુજબ લોકશાહી તેમજ તાનાશાહી રીતે લડત કરીને ધોરાજીની જનતાને ન્યાય અપાવશી. આ પ્રશ્ન માટે હું ધોરાજીના શેરીએ શેરી જઈને જન આંદોલન કરી આ લાલ પાણીનો પ્રશ્ન ગમે તે રીતે ઉકેલ લઈ આવીશું.

વધુમાં લલીત વસોયાએ જણાવેલ કે, ધોરાજી-ઉપલેટા વિસ્તારમાં ચાલતી અસામાજીક પ્રવૃતિઓ માટે વિવિધ અધિકારીઓ સાથે લીસ્ટીંગ કરી પહેલા યોગ્ય કરવા વાત કરીશ પણ જો જાડી ચામડીના અધિકારીઓ પક્ષપાત કરશે તો લાલ આંખ કરી જનતાને સાથે રાખી આવી પ્રવૃતિઓ બંધ કરાવીશ. હાલના સમયમાં ધોરાજી-ઉપલેટા ગ્રામ્ય વિસ્તારમાં લોકોની સુખાકારી માટે જે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો ચાલે છે તે મોટેભાગે ડોકટર વગર માત્રને માત્ર સામાન્ય નર્સના સહારે ચાલે છે. તે તમામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લઈ જયાં-જયાં ડોકટરોની જરૂર છે ત્યાં ડોકટરોની નિમણુક કરાવીશ. જેથી ગ્રામ્ય વિસ્તારની જનતાને પ્રાથમિક આરોગ્ય સારવાર માટે ખોટા ખર્ચા કરી શહેરના ખાનગી દવાખાનામાં ન આવવું પડે તે માટે મારો પ્રયત્ન રહેશે.

જયારે હાલ શહેરી વિસ્તારોમાં સ્કૂલોના સંચાલકો જે રીતે મનફાવે તે રીતે આડેધડ ફીની વસુલાતો કરે છે તે ખરેખર કાયદાની વિરુઘ્ધમાં છે. આ માટે મને વાલીઓની પણ ફરિયાદો મળી છે. આ માટે સરકારમાંથી જે કાયદો બનાવવામાં આવેલ છે તેના બંધારણનો તેમજ તાજેતરમાં હાઈકોર્ટના ચુકાદાની નકલ મેળવી તેનો અભ્યાસ કરી આગળ કાર્યવાહી કરીશ. ખેડૂતોના પ્રશ્નની વાત આવતા જ લલીત વસોયાએ જણાવેલ કે, રાજયની ભાજપ સરકારે ખેડુતોના એક પ્રશ્ન માટે કોઈ હયાત આપેલ નહીં. વિકાસની વાતનો દાખલો આપતા જણાવેલ કે મારા ધોરાજી વિસ્તારમાં ૨૫ વર્ષ પહેલા ભાદર-૨ ડેમ તત્કાલીન મુખ્યમંત્રીએ બનાવેલ પણ ભાજપના ૨૨ વર્ષના શાસનમાં તેની કેનાલોના કામ આજે પણ પુરા થયા નથી.

આ અંગે તેઓએ વધુમાં પ્રકાશ પાડતા જણાવેલ કે, ધોરાજીના ભુખી પાસે જે ભાદર-૨ ડેમ આવેલો છે તેની સિંચાઈ માટેની કેનાલ સમઢીયાળા ગામ અને સીમાથી પસાર થાય છે ત્યાંની માત્ર પાટણવાવ ગામ ૬ કિ.મી. થાય છે. પાટણવાવ ગામ રાજકોટ જીલ્લાનું છેલ્લું ગામ છે. ઓસમ પર્વતને કારણે રાજય સરકારે પર્યટન સ્થળ તરીકે ખાસ સમાવેશ કરી તેનો વિકાસ માટે નાણા ભંડોળ પણ ફાળવેલ છે. ત્યારે પાટણવાવ ગામ આજે આઝાદીના ૭૦ વર્ષ પછી પણ ગામના પીવાના પાણી અને સિંચાઈના પાણીના પ્રશ્નનો ઉકેલ આવ્યો નથી ત્યારે આવા છેવાડાના ગામોને પીવાના પાણી અને સિંચાઈને પાણી મળી રહે તે માટે મારી લડત હશે. જયારે ભાજપ સરકારે રાજકોટને નર્મદાનું પાણી મળે તે માટે કરોડો રૂપિયા ખર્ચ કરી દેશના વડાપ્રધાનના હસ્તે ઉદઘાટન કરેલ હતું.

આવી જ રીતે જેતપુર વિસ્તારને પીવાના પાણી મળે તે માટે ૬૦૦ કરોડની યોજનાને ઉદઘાટન મુખ્યમંત્રીના હસ્તે કરી રાજકોટ અને જેતપુરને પીવાના પાણીના પ્રશ્ર્નો ઉકેલ લઈ આવ્યાનો ભાજપ જશ ખાટે છે. ત્યારે આ ભાજપ સરકારમાં બેઠેલા આ નેતાઓને મારો પ્રશ્ન છે જો કરોડો રૂપિયા ખર્ચી તમે બંને શહેરોને નર્મદાનું પાણી આપતા હોય તો ભાદર-૧ ડેમનું પાણી રાજકોટ અને જેતપુર શહેર માટે શા માટે ઉપાડો છો ? આ પ્રશ્ન માટે હું ખેડુત ભાઈઓને જાગૃત કરી જરૂર પડે તો આંદોલન કરી ભાદર-૧ ડેમનું પાણી માત્ર સિંચાઈ માટે જ રાખવું અને ભાદર-૧ માંથી જે રાજકોટ અને જેતપુરને પીવા માટે ઉપાડવામાં આવતું પાણી શા માટે બંધ ન કરાવવું તે વાતને ધ્યાનમાં રાખી હું લડતના મંડાણ કરીશ.

બ્યુરો ચીફ ભરત રાણપરીયા દ્વારા ખેડુતોને ગયા વર્ષનો પાક વિમો હજુ મળ્યો નથી ત્યારે તમે ખેડુતોના મતથી ચુંટાયા છો તો આ બાબતે ચુંટાયા બાદ પાક વિમા માટે ચુપ કેમ છો ? આવા આક્રમણનો જવાબ પણ ધારાસભ્ય લલિતભાઈ વસોયાએ એક ઘા ને બે કટકા કરતા જણાવેલ કે તમો ધીરજ રાખો. આગામી ૧૫મી જાન્યુઆરી સુધીમાં જો ગયા વર્ષે તો પાક વિમો ખેડુતોને નહીં મળે તો હું આ પાક વિમા માટે ઉપલેટા-ધોરાજીમાં ખેડુતોના સંમેલન બોલાવીશ. રેલી કાઢી આવેદનપત્ર આપશું. આટલેથી સરકારની ઉંઘ નહીં ઉડે તો સૌરાષ્ટ્રભરના ખેડુતોને સાથે રાખી જન આંદોલનના મંડાણ કરતા હું અચકાવવાનો નથી ખેડુતોનું હિત મારા હૈયે કાયમ રહેશે. હું પણ એક ખેડુત પુત્ર છું, ખેડુતોની વંદના શું હોય તે સારી રીતે જાણું છું. છેલ્લા અને અંતિમ પ્રશ્ન મગફળી ખરીદ કેન્દ્ર સરકારે પોતાના મળતીયાઓને ફાળવતા તેઓ ખેડુતો પાસેથી પૈસા ઉઘરાવ્યા છે તેના માટે આપ શું કરશો.

આ પ્રશ્નનાં જવાબમાં ધારાસભ્ય લલિત વસોયાએ જણાવેલ કે, અગાઉ જે થયું તે હવે જો મારા વિસ્તારના જયાં કોઈ ખેડુતોના પાકની ખરીદીના કેન્દ્રો ખુલશે તેમાં કોઈ ગેરરીતિ જણાશે તો હું ખેડુતોની આગેવાની લઈ આવા કેન્દ્રોની સામે તપાસ માંગીશ અને જરૂર પડશે તો બંધ પણ કરાવતા અચકાઈશ નહીં. ઉપલેટા અબતકના બ્યુરો ચીફની ધારાસભ્ય લલિતભાઈ વસોયાની મુલાકાત દરમ્યાન રાણપરીયા પરીવાર સાથે તો વર્ષોના સંબંધોને યાદ કરી નિખાલસતા પૂર્વક વિવિધ સ્મરણોને યાદ કર્યા હતા. આજની મુલાકાત વેળાએ ધારાસભ્ય લલિતભાઈ વસોયા સાથે ઉપલેટા નગરપાલિકાના સભ્ય દિનેશભાઈ સોજીત્રા, ધોરાજી શહેર કોંગ્રેસના મહામંત્રી વિઠ્ઠલભાઈ હિરપરા જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.