કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, મહારાષ્ટ્ર અને બિહારમાં પાક વીમો લેવાનું પ્રમાણ સરેરાશ ૧૫ ટકા સુધી ઘટયું હોવાના આંકડા
ગત ૨૦૧૬-૧૭ની ખરીફ સીઝનમાં કેન્દ્ર સરકારે જાહેર કરેલી પાક વીમા યોજનામાં ચાલુ વર્ષે ખેડૂતોનો રસ ઘટી ગયો છે. આંકડાનુસાર ૨૦૧૭-૧૮માં પાક વીમો લેવાનું પ્રમાણ ૧૫ ટકા નીચુ પહોંચી ગયું છે. પાક વીમો લેવામાં ઘટાડા પાછળ વિવિધ રાજયોમાં સરકારોએ ખેડૂતોને દેવા માફી આપી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
તાજેતરમાં કેન્દ્ર સરકારે લોકસભામાં પાક વીમા યોજનાના આંકડા રજૂ કર્યા હતા. જેના અનુસાર વર્ષ ૨૦૧૬-૧૭માં ૫.૭૩ કરોડ ખેડૂતોએ પાક વીમો લીધો હતો. જયારે વર્ષ ૨૦૧૭-૧૮માં પાક વીમો લેનાર ખેડૂતોની સંખ્યા ઘટીને ૪.૮૮ કરોડ થઈ ગઈ હતી. કર્ણાટક, રાજસ્થાન, ઉત્તરપ્રદેશ, બિહાર અને મહારાષ્ટ્રમાં પાક વીમો લેવાનું પ્રમાણ ઘટી રહ્યું છે. આ પાંચ રાજયોમાંથી કર્ણાટક, રાજસ્થાન, યુપી અને મહારાષ્ટ્ર ગત વર્ષે જ ખેડૂતોનું દેવુ માફ કરી ચૂકયા છે. જેના કારણે પ્રધાનમંત્રી પાક વીમા યોજના ઉપર અસર પડી રહી છે.
શુક્રવારે રાજયસભામાં કૃષિ મંત્રીએ પાક વીમો લેવાનું પ્રમાણ ઘટવા પાછળ કારણ આપતા કહ્યું હતું કે, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ સહિતના રાજયમાં રાજય સરકારોએ ખેડૂતોના દેવા માફી આપી છે. જેથી વીમો લેવાનું પ્રમાણ ઘટયું છે. આ ઉપરાંત ૨૦૧૭-૧૮માં ચોમાસુ સારૂ રહેવાનો અંદાજ હતો તેથી પણ ખેડૂતોએ વીમો લેવાનું ટાળ્યું હતું. બીજી તરફ વીમો લેવા માટે આધાર ફરજીયાત હોવાના કારણે પાક વીમો લેવાના પ્રમાણમાં ઘટાડો થયો હોવાનું કારણ તેમણે આપ્યું છે.
કેન્દ્ર અને રાજય સરકારના આંકડાનુસાર ૨૦૧૬માં ગ્રોસ પ્રીમીયમ રૂ.૧૬૫ બીલીયન હતુ. જે વર્ષ ૨૦૧૭ની સરખામણીએ (૧૯૫ બીલીયન) નોંધપાત્ર રીતે ઘટી ગયું હતું. જયારે ૨૦૧૬ની સરખામણીએ (૧૦૪ બીલીયન) વીમા કલેઈમનું પ્રમાણ ૨૦૧૭માં વધી ગયું હતું અને રૂ.૧૩૭ બીલીયન સુધી પહોંચી ગયું હતું. જો કે કલેઈમના પ્રમાણમાં વીમા કંપનીએ ચૂકવણું ઓછુ કર્યું હતું. ૨૦૧૬માં ૧૦૪ બીલીયનના કલેઈમના પ્રમાણમાં માત્ર ૧૦૨ બીલીયનનું જ ચૂકવણુ થયું હતું.