લોકસભામાં પસાર કરવામાં આવેલા ખેતી વિધેયક બિલો સુરક્ષા કવચ સમાન
ભારે વિરોધ વચ્ચે લોકસભામાં ખેતી વિધેયક બિલો પસાર કરવામાં આવ્યા હતા જેમાં એનડીએ સરકારના અકાળી દળના હરશ્રિમતપોર બાદલે રાજીનામું આપ્યું હતું. ખેતી વિધેયક બિલો પસાર થતાની સાથે જ વડાપ્રધાન મોદીએ તમામ વિપક્ષોને જવાબ આપતા જણાવ્યું હતું કે, વર્ષો સુધી જે પક્ષની સરકાર હતી તેને ખેતી અને ખેડુતો માટે સહેજ પણ વિચાર્યું ન હતું અને તેમના ઉત્થાન માટે કોઈ ચર્ચા કે વિચારણા કરવામાં આવી ન હતી ત્યારે સરકાર દ્વારા જે રીતે ખેતીને વેગ મળી રહે તે માટે જે બિલ પસાર કરવામાં આવ્યા છે તેમાં વિરોધ શું કામ ? વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવતા કહ્યું હતું કે, સરકાર માટે ખેડુતોનું હિત હરહંમેશ હૈયે રહ્યું છે જેથી વચેટીયાઓને હટાવી સરકાર ખેતીને સમૃદ્ધ કરશે અને દેશની અર્થવ્યવસ્થાને વિકસિત કરવા માટે તમામ પ્રકારે પ્રયત્નો હાથ ધરશે.
વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ વચેટીયાઓ હટતાની સાથે જ ખેડુતોને તેમની જણસીના પુરતા ભાવ મળવાપાત્ર રહેશે. તેઓએ ખેડુતોને ભરોસો આપતા જણાવ્યું હતું કે, ટેકાના ભાવે સરકાર જણસીઓની ખરીદી યથાવત રાખશે. વડાપ્રધાને તેમના ભાષણમાં જણાવતા કહ્યું હતું કે, જે સમયે ખેતી અંગેના વિધેયકો પસાર થાય અને લોકસભાની મંજુરી મળી છે તે દિવસ ખેતી ક્ષેત્ર માટે ઉજળો દિવસ છે. ખેડુતોને બંધનકર્તા અનેકવિધ મુદાઓમાંથી ખેડુતોને રાહત પણ મળશે. હાલ અત્યાર સુધી વચેટીયાઓના કારણે ખેડુતોને જે મહતમ નફાનો લાભ મળવો જોઈએ તે મળી શકતો ન હતો પરંતુ હવે તે પણ પૂર્ણત: શકય બનશે. દેશના અર્થતંત્રને વિકસિત કરવા માટે સરકાર અનેકવિધ ક્ષેત્ર ઉપર ધ્યાન કેન્દ્રિત કરી તેઓને પ્રાધાન્ય આપી રહ્યું છે પરંતુ ભારત ખેતીપ્રધાન દેશ હોવાના કારણે હવે સરકાર સૌથી વધુ ખેતી ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે અને ખેડુતોને કેવી રીતે મદદરૂપ થઈ શકાય અને તેઓની આવક બમણી કેવી રીતે કરવી તે માટે સરકાર હાલ ગ્રહણ ચર્ચા પણ કરી રહ્યું છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, એનડીએ સરકાર છેલ્લા ૬ વર્ષમાં ખેડુતો માટે જેટલું કાર્ય કર્યું છે તેટલું બીજી કોઈ સરકારે કર્યું નથી. તેમના જણાવ્યા મુજબ ખેડુતોની કમાણીનો મોટો હિસ્સો હરહંમેશ વચેટીયાઓ લઈ લેતા હતા જેથી ખેતી વિધેયક બિલ લોકસભામાં પસાર થવાથી હવે આ પ્રશ્ર્ન સહેજ પણ ઉદભવિત નહીં થાય. ખેતી સાથે જોડાયેલા બિલ અંગે લોકસભામાં ભારે હોબાળો મચ્યો હતો ત્યારે સંસદમાં પાસ થયેલા ઐતિહાસિક બિલ થકી ખેડુતોને સુરક્ષા કવચ આપવા માટે સરકાર પણ સજજ થયું છે. ઘણા દાયકાઓથી સતામાં રહેલી સરકારે ખેડુતોને હરહંમેશ ઉશ્કેરવાનો પ્રયત્ન હાથ ધર્યો છે અને સરકાર દ્વારા જે બિલ પસાર કરવામાં આવ્યું છે તેનાથી ખેડુતોને ગેરમાર્ગે પણ વિપક્ષો દોરી રહ્યા છે જે ખરાઅર્થમાં ખેડુતોના હિતમાં નથી. વડાપ્રધાન મોદીના જણાવ્યા મુજબ એનડીએ સરકાર હરહંમેશ ખેડુતોને તેમના ઉત્પાદનનો યોગ્ય ભાવ મળી રહે તે માટે કટીબઘ્ધ રહ્યું છે. નવા બિલમાં જે મુદ્દાઓનો સમાવેશ કરવામાં આવ્યા છે તેનાથી હવે ખેડુતો તેમની ઉપજ દેશમાં કોઈપણ જગ્યાએ વહેંચી શકશે અને ખેડુતો હવે ખુલ્લીને પણ ખેતી કરશે.
વડાપ્રધાનના સંબોધનમાં એ વાતની પણ તેઓએ સ્પષ્ટતા કરી હતી કે, સરકાર ખેડુતોને ટેકાના ભાવમાં યોગ્ય ભાવ આપવા માટે પણ સજજ છે. સરકારે કોઈ દિવસ ટેકાના ભાવનો વિરોધ કર્યો નથી. પહેલા પણ સરકાર ટેકાના ભાવને પ્રાધાન્ય આપ્યું હતું અને આજે પણ સરકાર ટેકાના ભાવને પ્રાધાન્ય આપી રહ્યું છે. અંતમાં તેઓએ વિરોધ પક્ષ દ્વારા ઉદભવિત કરવામાં આવેલી અફવાઓ ઉપર પૂર્ણવિરામ લાદતા જણાવ્યું હતું કે, સરકાર ખેડુતો પાસેથી ધાણ, ઘઉં, કઠોર જેવા પાકોની ખરીદી પણ કરશે અને ખેડુતોને યોગ્ય અને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે હરહંમેશ ચિંતા પણ કરશે.