૧પ ગામના ર૦૦થી વધુ ખેડૂતોએ નર્મદા કેનાલનું સિંચાઈ માટે પાણી નહીં મળતા કર્યો હલ્લાબોલ
હળવદમાં અછતના ઓઠા હેઠળ સમગ્ર પંથકમાં પાકના પિયત માટે બુમરાડ ઉઠવા પામી છે ત્યારે આજરોજ હળવદ તાલુકા પંચાયત કચેરી ખાતે ૧પ ગામના ર૦૦થી વધુ ખેડૂતોએ નર્મદા કેનાલનું સિંચાઈ માટે પાણી નહીં મળતા હલ્લાબોલ કર્યો હતો અને અને ઉગ્ર રોષ સાથે રજુઆત કરતા જણાવ્યું કે, જા આગામી ત્રણ દિવસમાં નર્મદા કેનાલમાં પાણી નહીં છોડવામાં આવે તો આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
પંથકમાં ગત સાલ અછતગ્રસ્ત જાહેર થયા બાદ ચાલુ સાલે પણ પુરતો વરસાદ નહીં થતા ખેડૂતોની સ્થતિ કપરી બની છે તો બીજી તરફ નર્મદા કેનાલમાં બેફામ પાણી ચોરી તેમજ વેડફાટ થતો હોવાનો ખેડુતોએ આક્ષેપો કર્યા હતા. ત્યારે આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાને રજુઆત કરતા જણાવ્યું હતું કે, ચાલુ સાલ વરસાદ ખેંચાતા ખેડૂતોની સ્થતિ દયનીય બની છે તો સાથો સાથ નર્મદા કેનાલ વાટે અપાતું સિંચાઈ માટે પાણી તાલુકાના છેવાડાના ગામ સુધી નહીં પહોંચતા ખેડૂતોના પાકને મોટી નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે ત્યારે આજે રાયસંગપર, મયુરનગર, ધનાળા, ચાડધ્રા, મિયાણી સહિતના ર૦૦ જેટલા ખેડૂતોએ સિંચાઈ માટે પાણી આપવા માંગ કરી છે. વધુમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે, ધ્રાંગધ્રા બ્રાન્ચની નર્મદા કેનાલમાં ૧પ દિવસથી પાણી છોડાયું છે પરંતુ પંથકના છેવાડાના ગામ સુધી ટીપું ય પાણી મળ્યું નથી તેમજ ઉગ્ર રોષ ઠાલવતા ખેડૂતોએ ઉમેર્યું કે, જા આગામી ત્રણ દિવસમાં નર્મદા કેનાલનું પાણી સિંચાઈ માટે નહીં આપવામાં આવે તો આત્મ વિલોપનની ચીમકી ઉચ્ચારી છે.
હળવદ તાલુકાના ખેડૂતોને યોગ્ય સમયે સિંચાઈ માટે પાણી મળી રહે તેવા હેતુ સાથે આગામી સમયમાં સીએમ સાથે બેઠક કરી વહેલી તકે આ સમસ્યાનો હલ કરીશું તેમ તાલુકા પંચાયત પ્રમુખ ધર્મેન્દ્રસિંહ ઝાલાએ ખેડૂતોને આશ્વાસન આપતા જણાવ્યું હતું.