ઈફકો પાસે પૂરતો સ્ટોક: ખાતર હાલ જૂના ભાવે જ વેચશે
ખેડુતો એક સાંધે ત્યાં તેર તૂટે જેવી સ્થિતિ થઈ છે. ખેતીમાં વપરાતા રાસાયણીક ખાતરનાં ભાવમાં વધારો કરવામાં આવતા ખેડુતોની હાલત કફોડી થઈ છે. ઈફકોએ પહેલી એપ્રિલથી ખાતરનાં ભાવ વધારી દીધા છે. ઈફકો નવા ભાવે ખાતર વેચાણ કરશે. ઈફકો ખાતર ડીએપીનાં ભાવ અગાઉ રૂ.1200 હતા તેના રૂ.1900 કરી દેવાયા છે. એએસપીના ભાવ રૂ.975 હતા તે વધારીને 1350 કરી દેવાયા છે. જયારે એન.પી.કે.ના ભાવ રૂ.1185 હતા તે વધારીને 1800 કરી દેવાયા છે. આથી રાસાયણીક ખાતરમા 55 ટકા જેવા ભાવ વધારો કરવામાં આવતા ખેડુતોને મુશ્કેલી ઉભી થઈ છે. ખેતી માટે રાસાયણીક ખાતર મહત્વનું છે અને તેના વિના પૂરતી ઉપજ મેળવી શકાતી નથી.
ખેતી કરતા ખેડુતોની આર્થિક સ્થિતિ છેલ્લા કેટલાક સમયથી બગડતી જાય છે. એક તરફ ખેતી ઉપજના પૂરતા ભાવ મળતા નથી. ટેકાના ભાવ પણ અપૂરતા હોવાથી બજારમાં ભાવ મળતા નથી. બીજી તરફ ખેતી માટે ખાતર બિયારણ અને દવા તથા મજૂરીનો ખર્ચ વધતો જાય છે. એની સામે ઉપજના પૂરતા ભાવો નહી મળ્યા ખેડુતોની સ્થિતિ વિકટ બની રહી છે.
વડાપ્રધાન મોદા ખેડુતોની આવક પાંચ વર્ષમાં બમણી કરવાની ઈચ્છા ધરાવે છે. અને આ અંગે એક પછી એક જરૂરી પગલા લઈ રહ્યા છે. છતા પણ ખેડુતોની આર્થિક હાલત દિવસે દિવસે બગડતી જાય છે. દેશની સૌથી મોટી રાસાયણીક ખાતર કંપની ઈફકોએ પહેલી એપ્રિલથી ભાવ વધારો કર્યો છે. ડીએપી થેલીના અગાઉ 1200 હતા તે 1900 કર્યા છે. એએસપીનો ભાવ 975 હતો તેના રૂ.1350 કર્યા છે. જયારે એનપીકેનો ભાવ રૂ.1185 હતો તેના 1800 કરી દીધા છે. ઈફકોએ છ એપ્રિલ નવા ભાવનો પરિપત્ર જાહેર કર્યો છે. જેમાં પહેલી એપ્રિલથી નવા ભાવ અમલી બનાવવાનું જણાવ્યું છે.
ઈફકોના એમ.ડી. શું કહે છે?
ઈફકોના એમડી અને ચીફ એકઝીકયુટીવ યુ.એસ.અવસ્થીએ જણાવ્યું હતુ કે કંપનીએ ખાતરનાં ભાવ વધારો કર્યો છે. પણ હાલ મંડળીઓ પાસે જેટલો સ્ટોક છે તે જૂના ભાવે જ વેચવામાં આવશે નવો સ્ટોક હવે મોકલાશે તે નવા ભાવે જ મોકલાશે. તેમણે વધુમાં જણાવ્યું કે બજારમાં ખાતરનો ભાવ પૂરતો છે. અને ખેડુતોને કોઈ મુશ્કેલી પડી શકે તેમ નથી. અમે અમારી માર્કેટીંગ ટીમને અગાઉ પેક થયેલુ ખાતર જૂના ભાવે જ વેચાણ કરવા કહ્યું છે હવે નવું પેકીંગ થશે તેજ નવા ભાવે વેચાશે હાલ નકકી થયેલા ભાવ અંદાજીત છે. ખાતર માટેના કાચા માલના આંતરરાષ્ટ્રીય ભાવ નકકી થયા નથી જેથી ઈનપૂટ કોસ્ટમાં વધારો થાય એ મુજબ ખાતરનાં ભાવમાં વધારો થઈ શકે છે.
ખેતી ખર્ચ વધતો જાય છે ‘ટેકા’ના ભાવ પૂરતા નથી
ખેતીમાં બિયારણ ખાતર તથા દવાનો ભાવ વધતો જાય છે. ખેતીમાં કામ કરનારાઓની મજૂરી વધતી જતી હોવાથી ખેતી માટે ઈન્પૂટ કોસ્ટ વધતી જાય છે. બીજી તરફ ખેતી ઉપજના ટેકાના ભાવ જાહેર કરાય છે. અને ખેડુતોને ટેકો આપી શકે તેવા પૂરતા નથી. આથી ખેડુતોને ખેતી કરવી હવે પોસાય તેમ નથી તેમ જાણકાર ખેડુતો જણાવે છે. હાલ ચોખા, બાજરો, તથા દાળના ટેકાના ભાવમાં સરકારે વધારો કરવો જોઈએ તેમ ખેડુત આગેવાન રાજવીરસિંઘે જણાવ્યું હતુ.