વઢવાણ માર્કેટીંગ યાર્ડમાં કપાસની હરરાજીનો પ્રારંભ
અબતક, સબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં નુતન વર્ષના તહેવારોની રજાઓ બાદ ખેત ઉત્પાદન બજાર સમીતી ફરીથી ધમધમતી થઈ છે. જેમાં વઢવાણ એપીએમસીમાં મંગળવારે એપીએમસીના ચેરમેન સહીતનાઓની હાજરીમાં ખેડૂતોના કપાસની હરરાજી શરૂ કરાઈ છે. વેપારીઓ પણ સારા કપાસ જોઈને કપાસના સારા ભાવ બોલતા નજરે પડયા હતા. જિલ્લામાં સૌથી વધુ કપાસનો સારો ભાવ વઢવાણમાં 1755 થી 2001 સુધી બોલાયો હતો.
અંદાજે 4 હજાર મણની મંગળવારે એપીએમસીમાં આવક થઈ છે. સુરેન્દ્રનગર અને વઢવાણ હાઈવે પર આવેલુ વઢવાણ એપીએમસી જિલ્લાનું સૌથી મોટુ એપીએમસી છે. તાજેતરમાં જ વઢવાણ એપીએમસીની ચૂંટણી બાદ નવી બોડીએ સત્તાના સુકાન સંભાળ્યા છે. ત્યારે ચેરમેન રામજીભાઈ ગોહીલ અને વાઈસ ચેરમેન ઋષીરાજસીંહ રાણા ઉપરાંત જિલ્લા ભાજપ પ્રમુખ જગદીશભાઈ દલવાડી, મહામંત્રી જયેશભાઈ પટેલ, એપીએમસીના સેક્રેટરી ડી.બી.ચુડાસમા સહીતનાઓની હાજરીમાં વર્ષ 2079માં કપાસની હરરાજીનો એપીએમસીમાં મંગળવારથી પ્રારંભ કરાયો હતો. ખેડૂતોને પોતાના ઉત્પાદનના પુરતા ભાવ મળી રહે તે દીશામાં કામ કરતા ચેરમેન સહીતની બોડી દ્વારા કપાસની હરાજીનો શુભારંભ કરાતા જ વેપારીઓ કપાસને જોઈને તેના ભાવ બોલવા લાગ્યા હતા. એપીએમસીમાં દિવસભર કપાસની અંદાજે 4 હજાર મણ કરતા વધુની આવક થઈ હતી. અને કપાસનો ઓછામાં ઓછો ભાવ રૂપીયા 1755 પ્રતીમણ અને વધુમાં વધુ ભાવ રૂપીયા 2001 પ્રતીમણ બોલાયો હતો. કપાસના સારા ભાવ મળતા ખેડૂતોમાં પણ ખુશી છવાઈ હતી.
કપાસ ઉપરાંત ગમગુવાર અને તલના ભાવ સારા બોલાયા
વઢવાણ એપીએમસીમાં મંગળવારથી ખેત ઉત્પાદનોના વેચાણ અને હરરાજીનો પ્રારંભ થયો છે. જેમાં કપાસ ઉપરાંત મંગળવારે ગમગુવાર અને તલની પણ સારી એવી આવક થઈ હતી. એપીએમસીમાં ગમગુવારનો ભાવ પ્રતી મણ 600 થી 851 અને તલનો ભાવ પ્રતી મણ રૂપીયા 2100 થી 2430 બોલાયો હતો.