- મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળનરી કેબિનેટની બેઠક બાદ કરાશે કૃષિ રાહત પેકેજની સતાવાર ઘોષણા
અતિવૃષ્ટિથી પાયમાલ થઈ ગયેલા ગુજરાતના લાખો ખેડુતોની દિવાળી સુધરે તેવા સુખદ સંકેતો મળી રહ્યા છે. રાજય સરકાર દ્વારા આજે 1000 કરોડનું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી સંભાવના જણાય રહી છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળનારી કેબિનેટની બેઠકમાં કૃષિ રાહત પેકેજને બહાલી આપ્યા બાદ પેકેજ અંગે વિધિવત જાહેરાત કરવામાં આવશે.
રાજયમાં આ વર્ષ ચોમાસાની સીઝનમાં 141 ટકાથી વધુ વરસાદ વરસી ગયો છે. દિવાળીનો તહેવાર નજીક આવી ગયો છે. ત્યાં સુધી હજી સતત વરસાદ વરસી રહ્યો છે. બબ્બેવાર વાવણી નિષ્ફળ જવ પામી છે. સાતમ-આઠમના તહેવારમાં સતત એક અઠવાડિયા સુધી વરસાદ પડવાના કારણે ભારે નુકશાની થવા પામી હતી. દરમિયાન મેઘરાજાનો પાછોતરો પ્રહાર પણ ખેડુતો માટે ઘાતક રહ્યો હતો. મગફળી, કપાસ, રાગી, ઉપરાંત શાકભાજીનો પાક પણ નિષ્ફળ ગયો હતો. રાજયભરમાંથી જગતાત માટે રાજય સરકાર દ્વારા તાકીદે રાહત પેકેજ જાહેર કરવામાં આવે તેવી પ્રબળ માંગણી ઉઠી રહી છે. દરમિયાન સરકાર દ્વારા અતિવૃષ્ટિનો સર્વે હાથ ધરવામાં આવ્યો હતો જે પૂર્ણ થઈ ગયો છે. દરમિયાન રાજય સરકાર દ્વારા અતિવૃષ્ટિથી પાયમાલ થઈ ગયેલા ખેડુતો માટે 1000 કરોડનું કૃષિ રાહત પેકેજ આપવાનો નિર્ણયલીધો છે. દરમિયાન આજે સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મંત્રી મંડળની બેઠક મળશે જેમાં કૃષિ રાહત પેકેજને બહાલી આપી દેવામાં આવશે ત્યાર બાદ પેકેજ અંગે સત્તાવાર ઘોષણા કરવામાં આવશે.
ખેડુતોને જે તે વિસ્તારમાં પડેલા ભારે વરસાદના આધારે નુકશાનીનું વળતર ચૂકવવામાં આવશે બીજી તરફ રાજય સરકાર દ્વારા આગામી લાભ પાંચમના તહેવારથી ટેકાના ભાવે વિવિધ જણસીની ખરીદી કરવામાં આવશે. જેમાં ટેકાના ભાવ સાથે અમુક જણસીમાં બોનસ પણ આપવામાં આવશે.
કાલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો ‘સ્વાગત’ કાર્યક્રમ યોજાશે ખૂદ સીએમ અરજદારોને રૂબરૂ સાંભળશે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ રાજ્યના નાગરિકો, પ્રજાજનોની રજૂઆતો અને સમસ્યાઓના ઓનલાઈન નિવારણ માટેનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ ગુરૂવાર, તા. 24મી ઓક્ટોબરે બપોરે યોજાશે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી વર્ષ 2003થી શરૂ થયેલા સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ અન્વયે દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત યોજવામાં આવે છે. આ ઉપક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં ઓક્ટોબર-2024નો રાજ્યકક્ષાનો સ્વાગત ઓનલાઇન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ તા. 24મી ઓક્ટોબરે યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ગુરૂવારે 24મી ઓક્ટોબરે બપોરે રાજ્ય સ્વાગતમાં ઉપસ્થિત રહેશે અને નાગરિકોની રજૂઆતો સાંભળશે.
સામાન્ય નાગરિકો, અરજદારો આ સ્વાગત કાર્યક્રમ માટેની રજૂઆતો ગુરૂવાર, તા.24મી ઓક્ટોબરે સવારે 8-30 વાગ્યાથી 11-30 કલાક સુધીમાં મુખ્યમંત્રીના જનસંપર્ક એકમ, સ્વર્ણિમ સંકુલ-2,ગાંધીનગર ખાતે રૂબરૂ આવીને કરી શકશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ બપોરે મુખ્યમંત્રી કાર્યાલય જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહીને રજૂઆતો સાંભળશે.