ટુંક સમયમાં સૌરાષ્ટ્રના યાર્ડોમાં નવો કપાસ ઠલવાશે: વરસાદ ખેંચાતા ભાવ વધુ રહેવાની શકયતા
સૌરાષ્ટ્રનો મુખ્ય પાક ગણાતા કપાસનું ચાલુ વર્ષે મોટા પ્રમાણમાં વાવેતર થયું છે તો જો એકાદ અઠવાડિયામાં સારો વરસાદ નહીં પડે તો કપાસ, મગફળી સહિતના પાકો નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી છે તો બીજી તરફ જે ખેડુતો પાસે પિયતની સગવડ છે તેવોનો કપાસ તૈયાર થઈ ગયો છે. તૈયાર થયેલા આ નવા કપાસની યાર્ડમાં આવક શરૂ થઈ છે. વાંકાનેર માર્કેટીંગ યાર્ડમાં નવા કપાસની રૂા.4486ના ભાવે બોલી બોલાઈ વધામણી કરવામાં આવી હતી.
બે દિવસ પૂર્વે હળવદ યાર્ડમાં પણ નવો કપાસ ઠલવાયો હતો. આ ઉપરાંત ગઈકાલે રાજકોટ યાર્ડમાં નવો કપાસ વેચાણ અર્થે આવ્યો હતો જોકે સંતોષકારક ભાવ ન મળતા ખેડુતે કપાસનું વેચાણ કર્યું ન હતું. ડો.એ.કે.પીરઝાદા માર્કેટયાર્ડ વાંકાનેર ખાતે વર્ષ 2021-22ના નવા કપાસની આવકની શરૂઆત થતા નવા કપાસની હરરાજી કરવામાં આવી. વાંકાનેર તાલુકાના કણકોટ ગામના ખેડુત હુસેનભાઈ બાદી તથા હળવદ તાલુકાના વાંકીયા ગામના ખેડુત રાજેશભાઈ પટેલના કપાસ રૂા.4486/-ના પ્રતિ મણના ભાવે વેચાયો હતો. જેને હાજર રહેલ ખેડુતો, કમીશન એજન્ટો, વેપારી મિત્રોએ હર્ષ ઉલ્લાસથી પૈડા વેચી વધાવ્યો હતો.
આ પ્રસંગે વાંકાનેર માર્કેટયાર્ડ ચેરમેન શકીલ અહેમદ પીરઝાદા, વાઈસ ચેરમેન અશ્ર્વિનભાઈ મેઘાણી, ડિરેકટર અલીભાઈ બાદી, સેક્રેટરી અબ્દુલભાઈ ચૌધરી, રોયલ ઈન્ડસ્ટ્રીઝના યાકુબભાઈ શેરસીયા, ગ્લોસી કોટેક્ષના જાકીરભાઈ માથકીયા તથા ફૈઝ ઈન્ડસ્ટ્રીઝના નજરુદીનભાઈ વગેરે વેપારીઓ હાજર રહ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર માર્કેટ યાર્ડ ખાતે આવેલ નવો કપાસ હાલ ઓછા જથ્થામાં આવી રહ્યો છે પરંતુ કપાસની કવોલેટી અપેક્ષા કરતા ઘણી સારી જણાય રહી છે. ખેડુતોને પોતાના માલના સારા ભાવ મળી રહે તે માટે પોતાનો માલ માર્કેટયાર્ડમાં વેચવાનો આગ્રહ રાખવો જોઈએ.
રાજકોટ યાર્ડમાં નવા કપાસના ભાવ બોલાયા પણ વેપાર ન થયો
રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં પણ ગઈકાલે નવા કપાસની આવક થવા પામી હતી. પ્રાપ્ત વિગત મુજબ સાવરકુંડલાના ખેડુત 2 બોરી જેટલો કપાસ વેચાણ અર્થે લાવ્યા હતા. નવા કપાસના રૂા.1851 ભાવ બોલાયા હતા પરંતુ આ ભાવ ખેડુતને સંતોષકારક ન લાગતા વેપાર થયો ન હતો. હાલ કપાસની બજાર સારી છે. વરસાદ ખેંચાતા અને માંગ વધુ હોવાથી આવક નહિવત હોવાથી ભાવ ઉંચકાયા છે.