કેન્દ્રીય મંત્રી રૂપાલા તેમજ નાબાર્ડની ટીમની ઉપસ્થિતિ: આધુનિક ખેતી તરફ વળવા પર ભાર મુકાયો
જૂનાગઢ નેશનલ કાઉન્સીલ ફોર કલાઈમેટ ચેન્જ અમદાવાદ તથા વિજ્ઞાન પ્રચાર-પ્રસાર નોઈડા તેમજ જૂનાગઢ કૃષિ યુનિ.ના વિસ્તરણ અને શિક્ષણ વિભાગના સંયુકત ઉપક્રમે જૂનાગઢ કૃષિ યુનિ. વેટરનરી કોલેજ ખાતે ખેડૂત મહિલાઓનો રાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કરાયું હતું.
જેમાં મોટી સંખ્યામાં મહિલા ખેડૂતોની ઉપસ્થિતિ રહી હતી.આ અંગે વધુ વિગત અનુસાર ખેડૂતોની આવક બમણી કરવા અને ટકાઉ વિકાસ માટે મહિલાઓનો ફાળો વિષય પર જૂનાગઢ કૃષિ યુનિ. ખાતે એક દિવસીય રાષ્ટ્રીય પરિસંવાદનું કેન્દ્રીય કૃષિ રાજય મંત્રીના અધ્યક્ષ સ્થાને આયોજન કરાયું હતું. આ પરિસંવાદ અંતર્ગત મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓએ ઉમંગભેર ભાગ લઈ કૃષિ તજજ્ઞો પાસેથી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું હતું.
આ પરિસંવાદ અંતર્ગત કેન્દ્રીય કૃષિ મંત્રી પરસોતમ રૂપાલાએ ઉપસ્થિત ખેડૂત મહિલાઓને જણાવ્યું હતું કે, આપણી ખેતીનો પાયો પશુ પાલન છે અને આપણા સાહિત્યમાં કૃષિ કાર્ય મહિલાઓની સહભાગીતા વ્યકત કરતા લોકગીતો ગવાયા છે અને ભારતીય સંસ્કૃતિએ બહેનોને જગદંબાનું સ્વરૂપ ગણાવ્યું છે. ત્યારે બહેનો મહેનતની સાથે માર્કેટીંગની ટેકનીક શીખે તે જરૂરી છે.તેમણે ઉમેર્યું હતું કે, આજે કુપોષણને દેશવટો આપવા ખેડૂતોના આંગણે એક ગાય હોય તો ખેડૂતો અને કૃષિ સાથે સંકળાયેલા પરિવારના બાળકો કયારેય કુપોષીત ન રહે અને ખેતી પણ સમૃધ્ધ બને તેમાં બે મત નથી.
યુનિવર્સિટીના કુલપતિ ડો.એ.આર.પાઠકે ખેતીમાં બીબાઢાળ ખેતીને આધુનિક વૈજ્ઞાનીક અભિગમથી ખેતી કરવા ભાર મુકયો હતો અને જણાવ્યું હતું કે, ખૂબ ઝડપથી વેસ્ટર્ન તરફ ઢળવાને બદલે ઘર પરિવારની સંભાળ સાથે-સાથે બહેનો પુ‚ષની સમકક્ષ કાર્યો કરી રહી છે. આ પરિસંવાદમાં મોટી સંખ્યામાં ખેડૂત મહિલાઓ ઉપસ્થિત રહી હતી તેમજ કાર્યક્રમનું સફળ સંચાલન કૃષિ યુનિ.ના વિસ્તરણ શિક્ષણ નિયામક ડો.પી.વી.પટેલ સાથે ડો.જી.આર.ગોહેલ સહિતની ટીમે કર્યું હતું.