જસદણની પેટા ચૂંટણીમાં પ્રચાર કરનાર હોવાની પત્રીકા વાયરલ થઈ: શંકરસિંહ વાઘેલાનો પ્રચાર નિર્ણાયક બનશે
ભાજપમાંથી કોંગ્રેસમાં અને કોંગ્રેસ છોડી જન વિકલ્પ મોરચો ખોલનાર પૂર્વ મુખ્યમંત્રી અને સિનીયર રાજનેતા શંકરસિંહ વાઘેલાએ જસદણની પેટા ચૂંટણીમાં ફરી કોંગ્રેસના સમર્થનમાં પ્રચાર કરવાની જાહેરાત કર્યા બાદ આવતીકાલે રવિવારે બાપુએ બપોરે રાજકોટના ગોંડલ રોડ ઉપર આવેલા ક્રિષ્નાપાર્ક ખાતે પોતાના ટેકેદારોની બેઠક યોજાયેલી છે.
જસદણ ધારાસભાની પેટાચૂંટણીમાં પ્રચાર પડધમ મંગળવારે સાંજે બંધ થનાર છે તે પૂર્વે આવતીકાલે સાંજથી શંકરસિંહ પ્રચાર માટે જસદણ પંથકમાં સક્રિય થનાર હોવાનું જાણવા મળે છે.
બાપુના નજીકના સૂત્રોનાકહેવા મુજબ આવતીકાલે બપોરે રાજકોટમાં ક્રિષ્નાપાર્ક ખાતે ટેકેદારો સાથે બેઠક યોજાયા બાદ સાંજે જસદણ પંથકમાં પ્રચાર માટે જનાર છે અને સોમવારે તથા મંગળવાર સુધી વિવિધ વિસ્તારોમાં ફરી પ્રચાર કરનાર છે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, શંકરસિંહ વાઘેલા આ પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર કરવાની જાહેરાત કરી ચૂકયાછે. તેથી રાજય સરકાર સામે આક્ષેપોની તોપો ફોડશે તે સ્વાભાવીક છે. શંકરસિંહ આવતીકાલે રાજકોટ આવવાના છે તે પૂર્વે તેઓને ટેકેદારો દ્વારા પધારો બાપુના નામે પત્રીકાઓ વહેતી કરવામાં આવી છે. જેમાં એક પત્રીકામાં શંકરસિંહ પોતાની સરકાર વખતે કરેલા કામો અને બીજી પત્રીકામાં ખેડૂતો, યુવાનો બાપુ તરફ મીટ માંડીને બેઠા હોવાનું જાણવામળ્યું છે.