ગોરેજ ગામથી કેશોદ હાઈવેને જોડતા આ રસ્તાની હાલત અતિ બિસ્માર : તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી ન થતાં દર વર્ષે ખેડૂતો જાતે રસ્તાનું સમારકામ કરાવે છે
માંગરોળ તાલુકામાં વરસાદની મૌસમમાં જયાં પાણીનો ભરાવો સૌથી વધુ થાય છે તે પૈકીનો એક ગોરેજ ગામથી કેશોદ હાઈવે તરફ જતો ભોંયવાવ સીમનો રસ્તો વષોઁથી તદ્દન બિસ્માર હાલતમાં છે. રાજકીય ઈચ્છા શકિતના અભાવે માંગણી ઠેરની ઠેર રહેતા દર વખતે ખેડુતોએ સ્વખચેઁ આ માગઁની મરમ્મત કરવી પડે છે. ત્યારે ભૂમિપુત્રોને પડી રહેલી પારાવાર હાલાકી બાબતે તંત્ર કયારે જાગશે? તેવો સવાલ ઉઠયો છે.
આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ:- ગોરેજથી ભોંયવાવ સીમ થઈ સુલતાનપુર નીકળતો અંદાજીત ૨.૫ કિ.મિ.નો આ રસ્તો રાજાશાહી વખતના રેકડઁ પર છે. આ રસ્તા પર દરરોજ વાડી વિસ્તારના ૫૦૦ જેટલા લોકોની અવરજવર રહે છે. ચોમાસામાં ભારે વરસાદમાં આ રસ્તા પર પાણીનો મોટો પ્રવાહ વહે છે. શિલોદર પાટીયાથી ભોયવાવ સુધીના ચાર કિ.મિ. માગઁમાં રસ્તાની બંને સાઈડ કેનાલ છે. પરંતુ ભોયવાવ પછી નથી. નાલા મુકીને પાણીનો પ્રવાહ વાળી દેવાતા આ વિસ્તાર ભારે વરસાદમાં જળબંબાકાર થઈ જાય છે. જાણે નદી વહેતી હોય તેમ કયારેક ૨૪ કલાક સુધી પાણી ન ઓસરતા ખેડુતો બહાર કયાંય જઈ કે આવી શકતા નથી. ઈમરજન્સી સારવાર, ડિલિવરીના કેસોમાં બિનજરૂરી વિલંબ થાય છે. અહીંથી પાણીનો પુષ્કળ જથ્થો સુલતાનપુર પાસે ઠલવાય છે. કેડસમણાં પાણી વચ્ચે માંગરોળ-કેશોદ હાઈવે પર મોટા વાહનો પણ નીકળી શકતા નથી. પરિણામે કલાકો સુધી વાહન વ્યવહાર ઠપ્પ થઈ જાય છે.
આજુબાજુના ચંદવાણા, મેણજ, નગીચાણા, નાંદરખી, ભાટગામ સહિતના ગામડાઓને જોડતો આ રસ્તો બનાવવાની અનેકવાર માંગણીઓ કરીને ખેડુતો થાકયા છે. પરંતુ તંત્ર દ્રારા રજુઆતો ધ્યાને લેવામાં આવતી નથી. વરસાદી પાણીના ભરાવાથી રસ્તાની બદતર હાલત થતા ખેડુતોએ પોતાના ખચેઁ સમારકામ કરાવવાની ફરજ પડે છે. ત્યારે ગ્રામજનોને વેઠવી પડી રહેલી મુશ્કેલી દુર કરી ચોમાસા બાદ રસ્તો બનાવવાની કાયઁવાહી હાથ ધરવા ઉગ્ર માંગ ઉઠી છે.