તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરવાની ખેડૂતો અને ગ્રામજનોની ચીમકી
મોરબીના ખાનપર ગામે તંત્ર દ્વારા અનુસૂચિત જાતિના સ્મશાન માટે જે જમીન ફાળવવામાં આવી તેના વિરોધમાં સમગ્ર ખેડૂતોએ ગઈકાલે જિલ્લા કલેક્ટરને આવેદન પાઠવ્યું હતું. ઉપરાંત આ અંગે તાકીદે કોઈ નિર્ણય નહિ લેવાઈ તો મુખ્યમંત્રીને ઉગ્ર રજુઆત કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
ખાનપર ગામના ખેડૂતોએ આવેદનમાં જણાવ્યું કે દલિત સમાજને ખેડૂતોની ખરાવાડની સર્વે નં.૨ ની ૨૦ ગૂંઠા જમીનમાં સ્મશાન માટે કલેક્ટરે હુકમ કરેલ છે. આ હુકમ ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના કરવામાં આવ્યો છે. જેને તાત્કાલિક રદ કરવામાં આવે તેવી ખેડૂતો અને ગ્રામજનોની માંગ છે. આ હુકમ રદ નહિ થાય ત્યાં સુધી ખેડૂતોની લડત ચાલુ રહેશે.
અગાઉ ડી.એલ.આરની માપણી ખોટા દસ્તાવેજો ઉભા કરીને કરવામાં આવી હતી. જેથી નવેસર થી આ માપણી કરીને ખોટી માપણી કરવામાં જવાબદાર સામે યોગ્ય પગલાં લેવામાં આવે તેવી ખેડૂતોએ માંગ ઉઠાવી છે. સ્મશાન માટે ફાળવવામાં આવેલી ખરાવાડની જમીન ખેડૂતો વર્ષોથી ઉપયોગમાં લઈ રહ્યા છે. ત્યારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વિના હુકમ કરવામાં આવતા ખેડૂતો નારાજ છે.
વધુમાં ખેડૂતોએ જણાવ્યું કે દલિત સમાજના આગેવાનો રમેશભાઈ પરમાર, હરેશભાઇ પરમાર, લાલજીભાઈ ભલાભાઈ, જેઠાલાલ વાઘેલા, પોપટભાઈ ભલાભાઇ અને ગુલાબ નાથાભાઇ વારંવાર કાયદાનો દુરુપયોગ કરીને અવારનવાર એસ્ટ્રોસિટી દાખલ કરે છે. ત્યારે આ અંગે કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ છે.
આમ, ગઈકાલે સવારથી મોરબી કલેકટર કચેરીમાં ખાનપરના ખેડૂતો ઉમટી પડયા બાદ અજંપા ભરી સ્થિતિ વચ્ચે આવેદનપત્ર પાઠવી શાંતિપૂર્વક ઉગ્ર વિરોધ વ્યક્ત કરતા સ્મશાનભૂમિને લઈ મામલો વધુ પેચીદો બન્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com