માધાપરના પ્રગતિ શીલ ખેડૂત નીતિનભાઇ મોલિયાએ સૌરાષ્ટ્રભરમાં સૌ પ્રથમ વખત ચંદનનું વાવેતર કરીને ખેડૂતોને પરંપરાગત ખેતીના સ્થાને નવી રાહ ચીંધી
કૃષિ પ્રધાન ગણાતા ભારત દેશમાં જગતના તાત ગણાતા ખેડુતોની હાલત દાયકાઓથી દયનીય છે. ત્યારે કેન્દ્રની મોદી સરકારે વર્ષ ૨૦૦૦ સુધીમાં ખેડુતોની આવક બમણી કરવાનો નિર્ધાર વ્યકત કરીને વિવિધ યોજનાઓની બનાવી છે. ત્યારે, ખેડુતો પણ હવે પરંપરાગત ખેતીને છોડીને નવતર પ્રયોગો હાથ ધરી રહ્યા છે. આવા એક ખેતીના નવતર પ્રયોગમાં રાજકોટના ભાગોળે આવેલા માધાપર ગામના પ્રગતિ શીલ ખેડુત નીતીનભાઇ મોલીયાએ પોતાની બે વિૅઘા જમીનમાં ચંદનનું વાવેતર કર્યુ છે. પ્રથમ તબકકે થી એક લાખનો ખર્ચ કરીને પ૦૦ ચંદનના છોડનું વાવેતરમાં નિષ્ફળતા મળ્યા બાદ નીતીનભાઇએ ફરી વખત પ૦૦ ચંદનના છોડનું વાવેતર કર્યુ હતું.
જેમા તેમની મહેનત રંગ લાવી હોય તેમ પ૦૦ માથી ૪૦૦ ચંદનના ઝાડ ઉગ્યા છે. ચંદનના ઝાડને વાવેતરના પ્રથમ ત્રણ વર્ષ સુધી વધારે માવજતની જર હોય છે. જેમાં ખર્ચ પણ વધારે આવે છે. જે બાદ તેમાં વિશેષ માવજતની જરૂર નથી રહેતી અને દર વર્ષે માત્ર રૂ. ૨૦ થી રપ હજારના ખર્ચમાં આ ૪૦૦ ઝાડોની માવજત થઇ રહી છે. હાલમાં આઠ વર્ષના થયેલા આ ચંદનના ઝાડો રપ થી ૩૦ ફુટના થયા છે જે ર૦ વર્ષે પ૦ ફુટથી પણ વધારે ઉંચાઇ થાય છે. સરકારના નિયમો અનુસાર ર૦ વર્ષ બાદ જ ચંદનના ઝાડો કાપીને તેનું વેચાણ થઇ શકે છે. જે માટે વિવિધ સરકારી તંત્રોની મંજુરી લીધા બાદ જ તેને વેંચી શકાય છે. ચંદનના ઝાડમાં રહેલી તેલની માત્રાની લેબોરેટરી ટેસ્ટ કર્યા બાદ જેના ભાવો નકકી નકકી થાય છે અને વેપારીઓ સામેથી ખેડુતનો ખરીદવા માટે સંપર્ક કરે છે.
દક્ષિણ ભારતના રાજયોમાં ચંદનના ઝાડ મોટા પ્રમાણમાં વાવેતર થાય છે પરંતુ ગુજરાતમાં ખૂબ જ ઓછી સંખ્યામાં ચંદનના ઝાડનું વાવેતર થતું હોય છે. જેથી રાજયમાં ચંદનની ભારે માંગ હોય તેના ભાવો ખેડુતોને પ્રમાણમૉ સારા મળી રહે છે. માધાપરના પ્રગતિ શીલ ખેડુત નીતીનભાઇ મોલીયાએ સૌરાષ્ટ્રભરમાં સૌ પ્રથમ વખત ચંદનના ઝાડનું વાવેતર કરીને પરંપરાગત ખેતી કરતા સૌરાષ્ટ્રના ખેડુતોને નવી રાહ ચીંધી છે.
ઓછી જગ્યામાં ઉગતા ચંદનના ઝાડ લાંબા ગાળે સારૂ વળતર આપે છે: નીતિનભાઇ મોલીયા
અબતક સાથેની વાતચીત દરમિયાન માધાપર ગામના ખેડુત નીતીનભાઇ મોલીયાએ જણાવ્યું હતું કે, મેં ચંદનનું વાવેતર આશરે દોઢ થી બે વિધામાં કરેલ છે.જેમાં ૪૦૦ જેટલા થળીયા છે પરંપરાગત ખેતીમાંથી નવુ કરવાની ઇચ્છા હતી અને આવક વધારવા માટે અને ઓછી જગ્યામાં લાંબા ગાળે સારું વળતર મળે તેવી અપેક્ષાએ વાવેતર કર્યુ હતું. મારા અંદાજ મુજબ રાજકોટ તાલુકાના ઘણા બધા ગામમાં છેલ્લા બે-પાંચ વર્ષમાં વાવેતર થયું છે. પરંતુ મેં જયારથી વાવેતર કર્યુ ત્યારે આજુબાજુમાં કોઇએ વાવેતર કર્યુ ન હતું. મેં ફોરેસ્ટ વિભાગ અને ઇન્ટરનેટના માઘ્યમથી માહીતી લીધેલી છે. કોમર્શિયલ બેઇઝ પર વાવેતર કરવું હોય તો પંદર-વિસ વર્ષની ગણતરીએ વાવેતર કરવું પડે. માવજતની વાત કરું તો ઝાડને જે પોષણ અનુકુળ છે તે મહત્વ રાખે છે. ત્યારબાદ તેમાં તેલ બનવાનું શરુ થાય. ચંદન બનવાનું શરુ થાય તો તેની સિકયુરીટીનું પણ ઘ્યાન રાખવું પડે ચંદનનું ઝાડ એ પરોપજીવી ઝાડ છે. જે જમીનમાંથી પોતાનું પોષણ ૩૦ ટકા મેળવે છે અને બાકીનું ૭૦ ટકા પોષણ બિજ ઝાડના મુળમાંથી મેળવે છે. તેને અનુકુળ આવતા ઝાડ, લીમડો, બાવળ વગેરે પરંતુ આપણે સના ઝાડનું વાવેતર કરેલ છે. જે ચંદનના ઝાડને નડે તેમ નથી. છેલ્લે સાઉથમાં તેની હરાજી થઇ ત્યારના આંકડાની વાત કરું તો ૩૨૦૦૦ પ્રતિ કિલો ભાવ ચંદનનો હતો. મને આશા છે કે ભવિષ્યમાં સારું વળતર મળશે. મહેનતનું સારું ફળ મળશે. શરુઆતમાં જયારે વાવેતર શરુ કર્યુ ત્યારે ચંદનના રોપાનો ખર્ચો અને સંલગ્ન ઝાડ વાવવાના હોય તેનો ખર્ચો થાય. ત્યારબાદ વાર્ષિક ૨૫૦૦૦ રૂપિયા જેટલો ખર્ચો થાય. જેમાં દેશી ખાતર, મજુરથી નિંદામણ કરાવવું વગેરે. આ ચંદનના વાવેતર માટે સરકારી કાર્યવાહીમાં તમારે સાત બારમાં ચડાવવું પડે. તલાટી પાસે નોંધણી કરાવી પડે કેટલા ચંદન વાવેલ છે જયારે તેનું કટીંગ કરવાનું થાય ત્યારે ફોરેસ્ટ વિભાગમાં રોયલ્ટી ભરી તેનું વેચાણ કરી શકી. સરકાર તરફથી અમને હાલ કોઇ મદદ મળતી નથી. હું લોકોને એક સંદેશો આપવા માંગીશ કે કાંઇક નવીન કરો પરંપરાગત ખેતીમાંથી બહાર નીકળી નવીન કરો તો સફળતા મળશે. મને જાણકારી છે ત્યાં સુધી ચંદન ત્રણ જાતના આવે છે. સફેદ, પીળુ અને લાલ જેમાં અમે સફેદ ચંદનનું વાવેતર કરેલ છે. સફેદ ચંદન ખ્યાલ છે ત્યાં સુધી કોસ્મેટીક આર્યુવેદીક દવા સહિત ઘણી જગ્યાએ ઉપયોગ થાય છે. પીળું ચંદન મંદીરમાં જે તિલક કરવામાં આવે તેમાં જ વપરાય લાલ ચંદન દવામાં વપરાય છે.