૯૦ દિવસમાં તૈયાર થનારો જીરાનો પાક ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થઈ રહ્યો છે. ઓછાં પાણી અને ઓછી મહેનતમાં થતી જીરની ખેતી માટે ખાસ પ્રકારની ઋતુ અને વાતાવરણની જરૂર હોય છે. આવી આબોહવા ગુજરાત અને રાજસ્થાનમાં જોવા મળે છે.
ભારતમાં જીરાનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાતમાં જ થાય છે. જીરાની કિંમત વધવાના બે કારણો છે. એક કે આ વર્ષે જીરાનો સ્ટૉક બહુ ઓછો છે અને બીજું ભારત પછી જીરાનું મુખ્ય ઉત્પાદન કરનારા દેશો તુર્કી અને સીરિયાથી જીરાની નિકાસ ઘટી છે.
જીરાનો જૂનો સ્ટૉક આ વર્ષે બહુ જ ઓછો છે જેના કારણે કિંમત વધી ગઈ છે. ફેબ્રુઆરી-માર્ચમાં નવો પાક આવતા સુધી કિંમત વધેલી જ રહેશે તુર્કી અને સીરિયાનું જીરું બજારમાં નથી આવી રહ્યું એટલે આંતરરાષ્ટ્રિય બજારમાં ભારતના જીરાની માંગ વધી છે. સીરિયામાં વર્ષ 2011થી આંતરિક યુદ્ધ ચાલી રહ્યું છે. જેના કારણે અહીંનું જીરું આંતરરાષ્ટ્રિય બજારમાં નથી આવી રહ્યું. સીરિયાથી જીરું આયાત કરનારા દેશો હવે ભારત તરફ વળ્યા છે.