ખેડુત અગ્રણી પાલ આંબલીયાની આગેવાનીમાં ડુંગળીનાં નીચા ભાવ મુદ્દે અનોખું વિરોધ પ્રદર્શન
ડુંગળીનાં ભાવ તળીયે હોય ખેડુતોને ડુંગળી રડાવી રહી છે ત્યારે આ મુદ્દે ખેડુતોમાં સરકાર વિરુઘ્ધ ભારોભાર રોષની લાગણી જન્મી છે જે સંદર્ભે આજે ખેડુત અગ્રણી પાલ આંબલીયાની આગેવાનીમાં ખેડુતો ડુંગળીનું પીએમ ફંડમાં દાન કરવા કલેકટર કચેરીએ પહોંચ્યા હતા પરંતુ આ ખેડુતો કલેકટર સુધી પહોંચે તે પૂર્વે જ તેમની પોલીસે અટકાયત કરી લીધી હતી. હાલ નિકાસ ઉપર લાગેલી રોક સહિતનાં અનેકવિધ કારણોસર ખેડુતોને ડુંગળી મફતનાં ભાવે વહેચવાનો વારો આવ્યો છે ત્યારે આ મુદ્દે વારંવાર ખેડુતો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. અગાઉ પણ ખેડુતો દ્વારા ડુંગળીનાં નીચા ભાવને લઈને નત નવા વિરોધ દર્શાવ્યા હતા ત્યારે આજરોજ ફરી આ ઘટનાનું પુનરાવર્તન થયું છે. ખેડુત અગ્રણી પાલ આંબલીયા પોતાની સાથે અન્ય ખેડુતોને લઈને ડુંગળીનાં બાંચકા ભરી કલેકટર કચેરીએ પહોંચ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, આ ડુંગળી તેઓ પીએમ ફંડમાં દાન કરવા માટે કલેકટરને સોંપવાનાં છે જોકે તેઓ કલેકટર સુધી ડુંગળી લઈને પહોંચે તે પૂર્વે જ ૪ થી ૫ ખેડુતોને પકડી અટકાયત કરી હતી. વધુમાં પોલીસે ડુંગળીનાં બાચકા પણ પોતાની બોલેરોમાં નાખી તેને પણ પોલીસ મથકે લઈ ગયા હતા બીજી તરફ ડુંગળી મુદ્દે કિસાન સંઘનાં આવેદનો કલેકટર કચેરીએ આવેદન પાઠવવામાં આવ્યા હતા તેઓએ આ ઘટનાને વખોડી કાઢી અને પાલ આંબલીયાને સમર્થન આપ્યું હતું.