વળતર અને ન્યાય માટે ખેડુતોએ કરી ઉચ્ચકક્ષાએ રજુઆત
વઢવાણ તાલુકાના કેટલાક ગામડાના 10 થી વધુ ખેડૂતોને ખરાબ બિયારણના કારણે જીરાનો પાક નિષ્ફળ ગયો હોવાની ઘટના બહાર આવી હતી. આથી આ બાબતે વળતર તેમજ ન્યાય માટે ખેડૂતોએ બી-ડિવીઝન પોલીસ મથકે બિયારણની કંપની સામે લેખિત રજૂઆત કરી હતી.
સુરેન્દ્રનગર જિલ્લામાં રવિ પાકને લઇને મોટી સંખ્યામાં ખેડૂતોએ અનેક પાકોનું ખેતરોમાં વાવેતર કર્યુ છે. ત્યારે વઢવાણ પંથકના 10થી વધુ ખેડૂતોના ખેતરોમાં જીરાનો પાક નિષ્ફળ જતાં રોષ ફેલાયો હતો. કંપનીમાંથી ખરીદેલા બિયારણ ખરાબ હોવાના કારણે આ પરિસ્થિત થઇ હોવાની રાવ સાથે લેખિતમાં બી-ડિવીઝન પોલીસમાં રજૂઆત કરાઇ હતી. આ અંગે વાડલા ગામના ખેર ખોડાભાઈ અમરશીભાઈએ જણાવ્યુ કે, તા. 8-11-2022ના રોજ જીરાનું બિયારણ લીધેલુ.
ત્રણ -ત્રણ વખત પાણી આપ્યુ છતાં અંદાજે રૂ. 1 લાખનો ખર્ચ કરીને અંદાજે 30 વિઘામાં જીરૂ ઉગેલુ નથી. હાલ ખર્ચાની અને ઉપજની ખોટ ગઇ છે. જ્યારે વાડલા ગામના સોલંકી મહિપતસિંહ બનેસંગભાઈએ જણાવ્યું કે, અમે પણ તા. 14-11-2022ના રોજ જીરાનું બિરાયણ ખરીદીને અંદાજે 14 વિઘામાં જીરૂ વાવેલુ હતુ. પરંતુ બે-બે વખત પાણી પાવા છતા જીરૂ ઉગ્યુ નથી. આથી ભાડાની મજુરી, ટ્રેકટરની મજુરી તેમજ ડિઝલ મશીનથી પિયત કરાતા ડિઝલની મજુરી તેમજ રવિપાકની નુકસાની થઇ છે.આ ખેડૂતોએ જણાવ્યુ કે, જ્યાંથી બિયારણ ખરીદ્યુ તેને જાણ કરતા તેઓએ જવાબ આપ્યો કે, કંપનીમાંથી જ ઉપરથી જ બિયારણ ખરાબ આવેલ છે. તમારાથી થતી કાર્યવાહી કરો. આથી આ નુકસાનીનું વળતર તેમજ યોગ્ય ન્યાય અપાવવા માગ કરી હતી. બીજી તરફ વઢવાણમાં 5, ખારવામાં-1, દેદાદારમાં-1 સહિત અંદાજે 10થી વધુ ખેડૂતોને પણ ખરાબ બિયારણના કારણે જીરાના પાક નિષ્ફળ જતા ખેડૂતોમાં રોષ ફેલાયો હતો.