ઓપન માર્કેટમાં સારા ભાવ મળવાને પગલે અત્યાર સુધીમાં માત્ર ૮૧૫ ખેડૂતોની મગફળીની ખરીદી

ધ્રોલ માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી વેચવા ખેડૂતોમાં નિરસતા જોવા મળી રહી છે. અત્યાર સુધીમાં કુલ ૭૭૦૦ ખેડૂતોને મેસેજ થકી બોલાવવામાં આવ્યા છે. જેમાંથી માત્ર ૮૧૫ ખેડુતોની ટેકાના ભાવે મગફળીની ખરીદી કરાઈ છે. આ આંકડો જોતા ખેડુતોને ટેકાના ભાવે મગફળી વહેચવામાં રસ ન હોવાનું લાગી રહ્યું છે.

ચાલુ વર્ષે અતિવૃષ્ટિની પરિસ્થિતિએ મગફળીમાં ભેજનું પ્રમાણ વધુ હોય ત્યારે મગફળી બગડે તે પહેલા જ વેચી નાખવા ખેડુતો તત્પર બન્યા છે. આ ઉપરાંત ટેકાના ભાવની આસપાસ બજાર ભાવ મળી રહેતા ઓપન માર્કેટમાં વધુ ખેડુતો પોતાની મગફળી ઠાલવી રહ્યા છે.

ધ્રોલ પંથકમાં ટેકાના ભાવે મગફળીનું ૯૭૪૮ જેટલા ખેડુતોએ રજીસ્ટ્રેશન કરાવેલ ખરીદ પ્રક્રિયા ચાલુ થઈ ત્યારથી અત્યાર સુધીમાં ૭૭૦૦ ખેડુતોને મેસેજ થકી બોલાવવામાં આવ્યા હતા.

જેમાંથી માત્ર ૮૧૫ ખેડુતોએ ટેકાના ભાવે પોતાની મગફળી વહેચી છે. ૧૭ જેટલા ખેડુતોની મગફળી રિજેકટ કરવામાં આવી છે. ગઈકાલ સુધીની વિગત મુજબ હવે માત્ર ૨૦૦૦ જેટલા જ ખેડૂતોને મેસેજ થકી બોલાવવાના બાકી રહ્યા છે. હાલ મગફળીમાં ખેડુતોને ટેકાના ભાવની આસપાસ બજાર ભાવ મળી રહેતા હોય જેને કારણે ખૂબજ ઓછી સંખ્યામાં ખેડુતો પાતેનો માલ ટેકાના ભાવે વહેચે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.