કોંગ્રેસ દ્વારા મફત દાખલા કાઢી આપવા માંગ
સમગ્ર રાજયમાં આસમાની પ્રકોપથી પ્રજા અને ખાસ કરીને ખેડૂતો પરેશાન થઇ ગયા છે. ત્યારે ખેતીમાં નુકશાન માટે મામલતદાર કચેરીઓમાં ખેડૂતોને દાખલા લેવા માટે ભોગવવી પડતી પરેશાની અંગે કોંગ્રેસ દ્વારા ઉચ્ચસ્તરે રજૂઆત કરાઇ છે. જેમાં ખેડૂતોને મફત દાખલા આપવા માટેની પણ માંગ કરવામાં આવી છે.
ગુજરાતમાં મેઘ કહેરથી લીલા દુષ્કાળની ભિતી સેવાઇ રહી છે. ત્યારે ખેતી માટે તંત્ર દ્વારા હાથ ધરાયેલા સર્વેમાં ખેડૂતો ૭-૧૨ અને ૮-અના દાખલા લેવા માટે મામલતદાર કચેરીઓમાં લાંબી લાઇનો લગાવી રહ્યા છે. જયાં ખેડૂતોને પરેશાની થતી હોવાની રજૂઆત ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અનુસૂચિત જાતિ વિભાગના ચેરમેન નૌશાદભાઇ સોલંકીએ કરી છે. આ રજૂઆતમાં જણાવાયા મુજબ વહેલી સવારથી સાંજ સુધી મામલતદાર કચેરીઓના ધકકા ખાઇને લાંબી લાઇનોમાં ઉભા રહેવા છતાં ખેડૂતોને દાખલા મળતા નથી.
ઉપરાંત સંવેદનહીન સરકાર ખેડૂતો પાસેથી દાખલા કાઢવાના રૂપિયા ૧૦ લેવાનું પણ ચૂકતી નથી. આથી ખેડૂતોને તાકિદે અને મફત દાખલા મળી રહે તે માટે યોગ્ય વ્યવસ્થા કરવા રજૂઆતના અંતે માંગણી કરાઇ છે.