૧૧૫૦ કરોડના ખર્ચે રાજકોટ, જેતપુર, ધોરાજી, ઉપલેટાને નર્મદાના નીર મળે તે માટે ખાતમૂહૂર્ત કરાયા છતા ભાદર ડેમ ૩૩૦૦ એમસીએફટી પાણી અનામત રખાયું
સરકાર પોતાની વાહવાહ કરે છે જયારે ખેડુતો,પ્રજા અને આમ આદમીની કોઈ ચિંતા નથી
ઉપલેટા ધોરાજી વિસ્તારનાં લડાયક ધારાસભ્ય લલીત વસોયાએ ગઈકાલે પત્રકાર પરિષદમાં રાજયની ભાજપની સરકારની અણધડ અને અણઆવડતની વિગતવાર ચિતાર આપી હાલ ખેડુતો સિંચાઈના પાણીથી વંચિત રહે તેને માટે કર્મચારીઓની ઘટ અને આયોજનનો અભાવ હોવાનું જણાવેલ.
ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલકે સૌરાષ્ટ્રના મોટા ડેમોમાં ભાદર ૧-૨ ઉપલેટાના વેણુ અને મોજ, ધોરાજીનો ફોફળ ડેમ આવેલા છે. આ ચારેય ડેમ માત્ર ખેડુતોને સિંચાઈ માટે જ બનાવવામાં આવેલ પણ છેલ્લા ૧૦ વર્ષ થયા વધારે સમય કરતા આ ચારેય ડેમોમાંથી લોકોને પીવા માટેનું પાણી અનામત રાખવામાં આવે છે.
ત્યારે મારે રાજયની ભાજપની સરકારમાં બેઠેલા જવાબદાર લોકોને જાહેર માધ્યમથી પુછવા માંગુ છું કે રાજકોટ અને જેતપુરની જનતા માટે ૧૧૫૦ કરોડના ખર્ચે નર્મદાના નીર મળે તેમાટે ખાસ મૂદત પણ કહ્યું અને ૨૦૧૭માં આ યોજનાનું લોકાઅર્પણ પણ વડાપ્રધાન અને રાજયના મુખ્યમંત્રી કરેલ હોવા છતાં આવડા મોટા કરોડો રૂપીયા ખર્ચ કરવા છતા આજની તારીખે ભાદર ૨ ડેમમાં હાલ ૩૨૦૦ એમસીએફટી પાણીનો જથ્થો છે.તેમાં ૨૨૦૦ એમસીએફટી પાણીના જથ્થો પીવા માટે અનામત શા માટે રખાયો તેવો વેધક સવાલ કર્યો હતો. એક બાજુ નર્મદાના નીરના લોકાઅર્પણ કરી કરોડો રૂપીયાનું આંધણ કરો છો ખેડુત પોતાના સિંચાઈ માટે પાણી માગે તો પીવાના બહાના અનામત રાખવાની વાત કરો છો આ વાત હવે ખેડુતો અને જનતા માની ચૂકી છે કે ભાજપના ચાવવાના અને બતાવાના અલગ છે.
વધુમાં લલીત વસોયાએ જણાવેલકે કેન્દ્ર અને રાજય ની ભાજપ સરકાર ડીઝીટલ ઈન્ડીયાની વાતો કરે છે વાસ્તવમાં કોઈ કચેરીમાં જાવ તો સ્ટાફ ન હોવાને કારણે પ્રજાના કામો અટકેલા પડેલા છે. વરસાદ સારો થાય ડેમો ભરાઈ જાય અને જયારે આ ડેમમાથી ખેડુતોને પાણી આપવાની વાત આવે ત્યારે કોઈ વ્યવસ્થા ગોઠવાને બદલે ધડાધડ જાહેરાતો કરી પાણી છોડવામાં આવે છે.પણ ખરેખર આજે ભાદર ૧ , મોજ, વેણુ ફોફળ ડેમ ઉપરના ઘટતા સ્ટાફનું આયોજન કોઈ કરવામાં આવેલ નથી તેનોચિતાર આપતા ધારાસભ્ય લલીત વસોયાએ જણાવેલકે ઉપલેટાના વેણુ ડેમ ઉપર ૧ ડેપ્યુટી એન્જીનીયર ૬ સેકશન ઓફીસર અને ૧૨ લાઈનમેન સહિત ૧૯ની જગ્યા હોવા છતા માત્ર ૫ કર્મચારીઓ છે.
જયારે ભાદર ૧ની વાત કરવામાં આવે તો ૨ ડે. એન્જી., ૬ સેકશન અધિકારી અને ૩૪ લાઈન મેન સહિત ૪૨ની પોસ્ટ હોવા છતા માત્ર ૨૩ કર્મચારીઓ છે આમ કર્મચારીઓ અને અધિકારીઓની ઘટને કારણે ખેડુતો ને પોતાનું સિંચાઈનું પાણી મળતું નથી આ ભાજપની સરકારની અણ આવડત હોવા છતાં મોટી મોટી વાતો કરી અધિકારીઓ અને ખેડુતોને સામસામે મૂકી પોતાના રાજકીય રોટલા શેકી રહી છે.
આવી ગંભીર બેદરકારી હોવા છતાં રાજય સરકારમાં બેઠેલા આગેવાનો ખેડુતો પ્રત્યેની કોઈ વાત સાંભળવા તૈયાર નથી ત્યારે ધારાસભ્ય લલીત વસોયાએ આઅંગે વિગતવાર આંકડા દર્શાવતો પત્ર રાજયનાં મુખ્યમંત્રીને પાઠવ્યો છે.