રાજુલામાં ખેડુત જાગૃતી અભિયાન યોજાયું
રાજુલાનાં માર્કેટીંગ યાર્ડમાં ધારાસભ્ય અંબરીષભાઈ ડેર અને ખેડુત હિત રક્ષક સમિતિ રાજુલાનાં ઉપક્રમે ખેડુત જાગૃતિ અભિયાન અંતર્ગત રાજુલા-જાફરાબાદ અને ખાંભા તાલુકાનાં ખેડુતોની એક સભા હરહંમેશ ખેડુતોનાં પ્રશ્ર્ને લડતા ખેડુત આગેવાન પાલભાઈ આંબલીયા ચેરમેન પ્રદેશ કિસાન કોંગ્રેસની વિશેષ ઉપસ્થિતિમાં મળી હતી.
ખેડુત જાગૃતિ અભિયાનને સંબોધન કરતા પાલભાઈ આંબલીયાએ જણાવ્યું હતું કે, જોશ, જનુન અને જુસ્સો અને ખેડુતનું હિત જેના હૈયે સમાયેલ છે તેવા આજનાં આ કાર્યક્રમનાં આયોજક અંબરીષભાઈ ડેરે છેલ્લા ૨૦-૨૦ વર્ષથી રાજુલાનાં ખેડુતોને પાક વીમાની રકમનો એક પણ રૂપિયો મળ્યો ન હતો તેવા આ તાલુકાનાં ખેડુતોને ગત વર્ષે તેમણે કૌપ કટીંગ સહિતની કરેલી કામગીરી પછી પહેલીવાર મળ્યો એટલે તેમને હું અભિનંદન આપુ છું. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાજકારણથી કોઈ ઉપર નથી. રાજકારણનો મોટો પાઠ રહ્યો છે ખેડુતોને જાગૃતિથી દુર રાખવામાં આવ્યા છે એ જયારે જયાં બોલાવે ત્યાં જવાનું રેલીઓમાં જોડાવાનું અને આવેદનપત્ર પાઠવવા જતી વખતે મામલતદાર કચેરી બહાર પાંચ હજાર ખેડુતો ઉભા હોય ચેમ્બરમાં પાંચ આગેવાનો ન જાય અને ચર્ચા કરી બહાર આવી કહે કે આપણા પ્રશ્ર્નો ઉકેલાય જશે ફરી છુટુ પડી જવાનું આવી પઘ્ધતિ આજદિન સુધી રહી છે આમાંથી આપણે બહાર નીકળવાનું છે અને આપણે આપણા બધા પ્રશ્ર્નોની જાણકારી મેળવવાની છે અને તેના ઉકેલ માટે વ્યવસ્થિત પ્રયત્નો કરવાના છે. પાલભાઈએ કહ્યું કે, આજે આ રાજુલા માર્કેટીંગ યાર્ડમાં ટેકાનાં ભાવે સીંગની ખરીદી થતી હતી જો ખરીદી કરનારને પુછયું કે તમારું સર્ટીફીકેટ બતાવો પેલો કર્મચારી ડઘાઈ ગયો અને મને જવાબમાં કહ્યું મને હેરાન કરોમાં કહો તો રાજીનામું આપી દઉ.
આમ ટેકાનાં ભાવે ખરીદાઈ રહેલી સીંગની ખરીદી જ અશિક્ષિત માણસનાં હાથે થતી હોય તેમાં શું સારા વાટ હોય વધુમાં તેમણે કહ્યું હતું કે, આજે આ યાર્ડમાં ટેકાનાં ભાવે જે સીંગની ખરીદી થતી હતી અને જે બારદાનમાં સીંગ ભરવામાં આવતી હતી તે બારદાન ઉપર નાફેડનો લોગો હોવો જોઈએ તેના બદલે બાંગ્લાદેશનો લોગો હતો. તેમણે એવો પ્રશ્ર્ન કર્યો હતો કે અહીં રાજય સરકાર ખેડુતોની સીંગ ખરીદે છે કે પછી બાંગ્લાદેશની સરકાર પાલભાઈએ ઉપસ્થિત ખેડુતોને સીંગમાં વપરાતા બારદાન અંગે વિસ્તૃત સમજ આપી હતી. આ ખેડુત જાગૃતિ અભિયાનનાં આયોજક અંબરીષ ડેરે પોતાના વકતવ્યમાં કહ્યું હતું કે, ખેડુતો સંગઠીત નથી તેથી જ તેમનું શોષણ થાય છે. તેમણે છેલ્લા ૨૦ વર્ષથી પાકવીમો કેમ ન મળ્યો તેવો સવાલ પણ કર્યો હતો. તેમણે ખેડુતોનાં પ્રશ્ર્ને રાજકારણ ન કરવાની શીખ આપી હતી. વધુમાં તેમણે ઉપસ્થિત ખેડુતોને એવી શીખ પણ આપી હતી કે આવતા વર્ષે તમે તમારા ખેતરોમાં માત્રને માત્ર તમારા પરિવારની જરૂરીયાત મુજબનું જ સીંગ, કઠોર, અનાજનું વાવેતર કરો અને તેમાંથી તમે કોઈને વહેચો નહીં આ સરકાર ખેડુતોને જે પાક વીમાની હકની રકમ નથી અપાવી શકતી જો તમે આવું એક વાર કરશો તો સરકાર તમારી પાસે દોડીને આવશે.