વિમા સહિતના વળતરના કેસોમાં ખેત મજૂરો તરફ સેવાતું દુલક્ષ્ય !!!
કૃષિપ્રધાન આપણા દેશ ભારતમાં જગતના તાત ગણાતા ખેડુતોની હાલત દાયકાઓથી દયનીય છે જેથી આગામી સમયમાં ખેડુતોની આવક બમણી કરવા કેન્દ્રની મોદી સરકારે કમર કસી છે. પરંતુ, ખેડુતોની સાથે કામ કરતા ખેત મજૂરો માટે સ્થિતિ માટે હજુ સુધી કોઈએ વિચાર કર્યા નથી જેના કારણે રાજયમાં છેલ્લા પાંચ વર્ષમાં અકસ્માતે મોત પામેલા ખેત મજૂરોમાંથી અડધાના જ પરિવારજનોને વળતર ચૂકવાયું છે. જે ખેત મજૂરોની દયનીય સ્થિતિના દર્શન કરાવે છે.
ગુજરાત વિધાનસભામાં પૂછાયેલ એક પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતુ કે રાજયમાં ૨૯.૦૯ લાખ ખેત મજૂરો છે. ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીના પાંચ વર્ષમાં ૩,૪૮૨ ખેત મજૂરોનાં અકસ્માતોથી મૃત્યુ થયા હતા. તેમાંથી ૧,૬૨૦ ખેત મજૂરોના પરિવારજનોને વળતર ચૂકવાયું છે. જયારે બીજા એક પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતુ કે ૧ જૂન ૨૦૧૭થી ૩૧ મે ૨૦૧૯ વચ્ચેના બે વર્ષનાં સમયગાળામાં ૨૦ જિલ્લાઓનાં ૯૩૦ ખેત મજૂરોના અકસ્માતમાં મૃત્યુ થયા હતા. તેમાંથી ૧૪૨ કિસ્સાઓમાં વળતર ચૂકવવામાં આવ્યું છે. જયારે ૭૮૮ કેસો હજુ પડતર હોવાનું જણાવાયું હતુ આજિલ્લાઓમાં ૨૨.૬૭ લાખ ખેત મજૂરો નોંધાયેલા છે.
એક બિન તારાંકિત પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતુ કે ૧ લી ઓકટોબર ૨૦૧૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીનાં પાંચ વર્ષનાં સમયગાળામાં રાજયમાં નોંધાયેલા ૨૦.૦૯ લાખ ખેત મજૂરોમાંથી ૩,૪૮૨ ખેત મજૂરોનાં અકસ્માતે મૃત્યુ થયા હતા. રાજકોટ અને પોરબંદર જિલ્લાના હતભાગી ખેત મજૂરોના પરિવારજનોને વળતર ચૂકવવામાં થઈ રહેલા વિલંબ અંગે ધોરાજીના ધારાસભ્ય લલીતભાઈ વસોયાએ પુછેલા પ્રશ્ર્નના જવાબમાં રાજય સરકારે આ માહિતી આપી હતી.
મૃતક ખેત મજૂરોનો પરિવારજનોને વળતર ચૂકવવામાં થઈ રહેલા વિલંબ અંગે રાજય સરકારે જણાવ્યું હતુ કે ખેત મજૂરોના અકસ્માતે થયેલા મૃત્યુના તમામ કિસ્સાઓમાં સરકાર પાસે રીપોર્ટ ન થવાથી તથા અમુક કિસ્સાઓમાં ખેત મજૂરોના મોત તેમની બેદરકારીના કારણે થયા હોવાના કારણે વળતર ચૂકવાયું નથી. આ અંગે શ્રમ અને રોજગાર મંત્રી દીલીપ ઠાકોરે જણાવ્યું હતુ કે ઘણા કેસોમાં ફોરેન્સીક સાયન્સ લેબોરેટરીના અભિપ્રાયો આવવામાં વિલંબ થતો હોય હજુ સુધી વળતર ચૂકવવામાં આવ્યું નથી.
જયારે, નાંદોદના ધારાસભ્ય પ્રેમસિંહ વસાવાના બિન તારાંકીત પ્રશ્નના જવાબમાં રાજય સરકારે જણાવ્યું હતુ કે ૧લી ઓકટોબર ૨૦૧૩થી ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૮ સુધીમાં ખેત મજૂરોના અકસ્માતે મૃત્યુના ૩૪૮૨ કિસ્સાઓ નોંધાયા છે. જેમાંથી ૧,૬૨૦ કિસ્સાઓમાં હતભાગી ખેત મજૂરોના પરિવારજનોને વળતર ચૂકવી દેવામાં આવ્યું છે.
આ સમયગાળામાં ખેત મજૂરોના અકસ્માતે થયેલા મૃત્યુના ૪૯૨ કિસ્સાઓ કચ્છમાં ૪૪૧ કિસ્સાઓ ભાવનગરમાં જયારે અમરેલીમાં ૨૩૬ કિસ્સાઓ નોંધાયા છે. આ પાંચ વર્ષના સમયગાળા દરમ્યાન થયેલા ૩,૪૮૨ ખેત મજૂરોના અકસ્માતે મોતના નોંધાયેલા કિસ્સાઓમાંથી ૩૩ ટકા હિસ્સો આ ત્રણેય જિલ્લાઓનો હતો.