અબતક, શબનમ ચૌહાણ, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર જિલ્લામાં ટેકાનાભાવે મગફળીની ખરીદીની કામગીરી પૂર્ણ થઈ છે. આ સિઝન દરમિયાન 2086 જેટલા ખેડુતો પાસેથી ટેકાના ભાવે મગફળી ખરીદવામાં આવી છે, બીજી બાજુ ગઈકાલથી ટેકાના ભાવે તુવેર, ચણા, રાયડાની ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થઈ છે. પરંતુ વઢવાણ માર્કેટયાર્ડમાં રજીસ્ટ્રેશન ન થતા ખેડુતોએ હોબાળો મચાવ્યો હોવાનું જાણવા મળે છે.
રાજય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળીની ખરીદી કરવામાં આવતી હતી. તેના ભાગરૂપે સુરેન્દ્રનગર જિલ્લાનાં છ કેન્દ્રો ઉપરથી આશરે 2086 ખેડુતો પાસેથી 44896.80 કિવન્ટલ મગફળીની ખરીદી કરવામાં આવી છે. હવે ટેકાના ભાવે મગફળીની ખરીદીની કામગીરી પૂર્ણ થઈ છે. જયારે ગુજકોમાસોલ દ્વારા ગઈકાલથી સમગ્ર રાજયમાં ટેકાના ભાવે ચણા, તુવેર અને રાયડાની ખરીદી માટે રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. પરંતુ વઢવાણ માર્કેટીંગયાર્ડ ખાતે સવારમાં રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થતાં ખેડુતોમાં રોષ ફેલાયો હતો.
વધુમાં પ્રાપ્ત વિગત અનુસાર ટેકાના ભાવે ચણા વેચવા ઈચ્છતા આશરે 200 જેટલા ખેડુતો વઢવાણ યાર્ડમાં સવારે આવ્યા હતા પરંતુ રજિસ્ટ્રેશન શરૂ ન થતા ખેડુતોને લાંબી રાહ જોવાનો વારો આવ્યો હતો. પરિણામે ખેડુતોએ હોબાળો મચાવ્યો હતો. આ અંગે ખેડુતો દ્વારા ધારાસભ્ય, મામલતદાર વિગેરેને રજુઆત કરવામાં આવી હતી. ટેકાના ભાવે ચણાની ખરીદીના રજિસ્ટ્રેશનની કામગીરીમાં જ પ્રથમ ગ્રાસે મક્ષીકા જેવો ઘાટ સર્જાતા ખેડુતોમાં રોષની લાગણી ફેલાવા પામી હતી.