૧૫ દિવસમાં નિર્ણય લેવામાં નહીં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી અપાઈ
ગુજરાત સરકારના આદેશ મુજબ વર્ષ ૨૦૧૭-૨૦૧૮ નિષ્ફળ ચોમાસાને ધ્યાને લઈ પાક વિમા મુજબની રકમ ચુકવવા જે-તે વીમા કંપનીને જણાવવામાં આવેલ છે અને તે નિર્દેશ મુજબ વીમા કંપનીએ પોતાના જાહેરનામા દ્વારા વર્ષ ૨૦૧૭-૧૮ ગુજરાત રાજયમાં પાક સદંતર નિષ્ફળ ગયેલ હોવાથી સર્વે મુજબ ખેડુતોનો પાક નિષ્ફળ ગયેલ હોય તેવા ખેડુતોને પાક વિમા મુજબની રકમ ચુકવવાની જાહેરાત કરેલ છે અને તે જાહેરાત મુજબ વાવડી ગામની આજુબાજુના ગામના તમામ ખેડુતો કે જેઓએ પાક વીમાનું પ્રિમીયમ ભરપાઈ કરેલ છે તેવા તમામ ખેડુતોનો સર્વે કરી તેઓને વિમા કંપની તરફથી વીમાની રકમની ચુકવણી થઈ ગયેલ છે પરંતુ ફકત અમો વાવડી ગામના ખેડુતોને જ વીમા મુજબની રકમ કોઈ પણ કારણોસર ચુકવવામાં આવેલ નથી.
જેને ધ્યાનમાં રાખી અમો વાવડી ગામના તમામ ખેડુતોએ નાયબ કલેકટર ધ્રાંગધ્રા તથા મામલતદારને આવેદનપત્ર આપેલ છે જેને આજે દોઢથી બે માસ થવા છતાં અમોને ધ્રાંગધ્રા ડેપ્યુટી કલેકટર, મામલતદાર તરફથી યોગ્ય જવાબ આપવામાં આવેલ નથી. વીમા કંપની મારફત વીમાની રકમ ચુકવવામાં આવેલ નથી.
જેથી અરજ કરેલ છે કે ઉપર જણાવેલ હકિકત ધ્યાને લઈ ભારતીય સ્ટેટ બેંક, ધ્રાંગધ્રા શાખા તથા માલવણ શાખાના જે-તે અધિકારીને સીમાંત ખેડુતોને વીમાની રકમ ચુકવવાનો આદેશ આપવા અને તે રકમ અમારા ખાતામાં જમા આપવાનો તાત્કાલિક હુકમ કરવા ખેડુત આગેવાને માંગ કરી છે. અને આ અંગે કોઈપણ જાતનો નિર્ણય ૧૫ દિવસમાં નહીં કરવામાં આવે તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ આપવામાં આવી છે.