વૃધ્ધ અસંખ્ય મધમાખીઓના ડંખ ખાઈ મોત મીઠું કરી ચાર શ્રમિક માસૂમ બાળકોની જિંદગી બચાવી
ગોંડલ તાલુકાના વાછારા ગામે બાજ પક્ષી એ ઝેરી મધમાખીના મધુપુડાને છંછેડતા ઝેરી મધમાખીઓ વિફરી હતી અને બાજુના ખેતરના ગોડાઉન પાસે શ્રમિક પરિવારના ચાર બાળકો ઉપર હુમલો કર્યો હતો. જે વૃદ્ધ ખેડૂતના ધ્યાને આવી જતા ખેડૂતે પોતાની જાનની પરવા કર્યા વગર માસુમ બાળકોને ગોડાઉનમાં ધકેલી ગોડાઉનનો દરવાજો બંધ કર્યો હતો. આ દરમિયાન અસંખ્ય મધમાખીઓએ ખેડૂત પર હુમલો કરતા વૃદ્ધ ખેડૂતનું મોત નીપજ્યું હતું.
પ્રાપ્ત વિગતો મુજબ તાલુકાના વાછરા ગામે રહેતા અને ખેતીકામ કરતા દામજીભાઈ બેચરભાઈ સોરઠીયા (ઉંમર વર્ષ 69) પોતાના ખેતરે હતા ત્યારે આકાશમાંથી એક બાજ પક્ષીએ આવી ઝેરી મધમાખીઓના મધપૂડાને છંછેડતા મધમાખીઓ વિફરી હતી અને ખેતરના ગોડાઉન પાસે રમી રહેલા દોઢ થી 6 વર્ષના શ્રમિક પરિવારના માસૂમ બાળકો પર હુમલો કર્યો હતો.
જે દામજીભાઈ જોઈ જતા બાળકો પાસે દોડી ગયા હતા. બાળકોને તુરંત જ ગોડાઉનમાં ધકેલી દરવાજો બંધ કરી દીધો હતો પરંતુ આ દરમિયાન ઝેરી મધમાખીના ઝુંડે દામજીભાઈને અસંખ્ય ડંખ મારી દેતા સારવાર માટે ગોંડલની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ આ દરમિયાન તેઓનું પ્રાણ પંખેરૂ ઉડી ગયું હતું.
વૃદ્ધ ખેડૂત દામજીભાઈએ પોતાની જાનની પરવા કર્યા વગર શ્રમિક પરિવારના ચાર માસૂમ બાળકોની જિંદગી બચાવી હતી. દામજીભાઈને સંતાનમાં બે દીકરા અરવિંદભાઈ અને સંજયભાઈ છે. જેઓ ખેતીકામ સાથે સંકળાયેલા છે. દામજીભાઈ સેવાભાવી સ્વભાવના હોય વાછરા ખાતે લેઉવા પટેલ સમાજના ઉપપ્રમુખે બિરાજી સમાજની અનેક સેવાઓ પણ કરી હતી. તેઓના નિધનથી ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.