ખરીફ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદીનો માર્કેટીંગ યાર્ડ ખાતેથી શુભારંભ
ખરીફ 2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ હેઠળ ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ કાર્યક્રમ એપીએમસી, રાજકોટ ખાતે યોજાયો હતો. કૃષિ મંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે, પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (ઙજજ)ખેડૂતોને તેમની ઉપજના ટેકાના ભાવ સુનિશ્ર્ચિત કરે છે. ભારત સરકારની લઘુત્તમ ટેકાના ભાવની નીતિમાં રાજ્યના મુખ્ય પાકો જેવા કે બાજરી, જુવાર, મકાઇ, ડાંગર, કપાસ, તુવેર, મગ, અડદ, મગફળી, તલ, ઘઉં, ચણા, રાયડો અને શેરડીનો સમાવેશ થાય છે.
લઘુત્તમ ટેકાના ભાવ નિતીમાં સમાવિષ્ટ પાકના બજાર ભાવ ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલ ટેકાના ભાવ કરતા નીચા જાય છે ત્યારે કેન્દ્રીય નોડલ એજન્સી કઠોળ અને તેલીબિયાં પાકોની રાજ્ય નોડલ એજન્સી મારફતે ટેકાના ભાવે ખરીદીની કામગીરી હાથ ધરે છે. કેન્દ્ર સરકાર દ્વારા ખરીફ વર્ષ 2022-23 માટે સીઝનની શરૂઆત પહેલાં જ સમયસર મગફળીનો ટેકાનો ભાવ રૂ.5,850, મગનો રૂ.7,755, અડદનો રૂ.6,600 અને સોયાબિનનો રૂ.4,300 પ્રતિ ક્વિન્ટલ જાહેર કરેલ છે. રાજ્ય સરકારની દરખાસ્તને ધ્યાને લઇ ભારત સરકાર દ્વારા ખરીફ 2022-23માં રાજ્યમાં મગફળીના 9,79,000 મે.ટન, મગના 9,588 મે.ટન, અડદના 23,872 મે.ટન અને સોયાબિનના 81,820 મે.ટન જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવા મંજૂરી આપવામાં આવેલ છે.
આમ ખરીફ 2022-23માં મગફળીની ટેકાના ભાવે ખરીદીની રૂ.5727 કરોડ, મગ પાકની રૂ.78 કરોડ, અડદ પાકની રૂ.99 કરોડ અને સોયાબિન પાકની રૂ.353 કરોડ મૂલ્ય મળી અંદાજે કુલ રૂ.6,315 કરોડની ખેડૂતો પાસેથી સીધી ટેકાના ભાવે ખરીદી હાથ ધરાનાર છે. જેમાં રાજ્યના અંદાજિત 3.50 લાખથી વધુ ખેડૂતોને લાભ મળનાર છે. ચાલુ વર્ષ-2022-23માં પ્રાઇઝ સપોર્ટ સ્કીમ (ઙજજ) હેઠળ મગફળી, મગ, અડદ અને સોયાબીનની ટેકાના ભાવે ખરીદી લાભ પાંચમ, તા.29 ઓક્ટોબર-2022 થી 90 દિવસ સુધી કરવાનો રાજ્ય સરકારે ખેડૂત હિતલક્ષી મહત્વનો નિર્ણય કર્યો છે. ખેડૂતોના હિતને ધ્યાને રાખી ખરીફ ઋતુમાં પાકનું ટેકાના ભાવે ખરીદીનું રાજ્ય સરકાર દ્વારા સઘન વ્યવસ્થા અને આયોજન કરવામાં આવેલ છે.
ચાલુ વર્ષ 2022-23માં ટેકાના ભાવે ખરીદી મગફળી, મગ અને અડદની ખરીદી માટે સેન્ટ્રલ નોડલ એજન્સીને મદદરૂપ થવા રાજ્ય નોડલ એજન્સી તરીકે ગુજકોમાસોલની તથા સોયાબિનની ટેકાના ભાવે ખરીદી માટે ઋઙઘ સંસ્થા ઇન્ડીએગ્રોની નિમણૂંક કરવામાં આવી છે. મગફળી, મગ, અડદ અને સોયાબિનની ટેકાના ભાવે વેચાણ માટે ખેડૂતોની નોંધણી ગ્રામ્ય કક્ષાએથી ઇ-ગ્રામ કેન્દ્રો ખાતેથી તેમજ નિયત અઙખઈ ખરીદ કેન્દ્ર પરથી તા.25/09/2022થી શરૂ કરવામાં આવેલ છે. જેમાં ખેડૂતોને પુરતો સમય અને તક મળી રહે તે હેતુથી નોંધણી તા.10/11/2022 સુધી કરવામાં આવનાર છે. નોંધણી થયેલ ખેડૂતોને ક્રમાનુસાર એસએમએસ મોકલી અથવા ટેલીફોનીક જાણ કરવામાં આવશે. જાણ કરાયેલા ખેડૂતોએ નિયત ખરીદ કેન્દ્ર ખાતે પોતાની જણસીના ટેકાના ભાવે વેચાણ માટે હાજર રહેવાનું રહેશે. વેચાણ કરેલ જણસીનું ખેડૂતોને ચુકવણું સીધા ખેડુતના ખાતામાં ડી.બી.ટી.થી જમા કરવામાં આવશે.
રવિ સિઝનમાં 2.83 લાખ ખેડૂતોએ લાભ લીધો
ગત વર્ષની રવિ સિઝન દરમિયાન વર્ષ-2021-22માં ચણાની ખરીદી માટે કુલ 3,38,000 ખેડૂતોએ નોંધણી કરાવી હતી જે પૈકી કુલ 2,83,000 ખેડૂતોએ લાભ લીધો હતો. લાભાર્થી ખેડૂતો પાસેથી કુલ 2921.60 કરોડ મૂલ્યના 5,59,000 મે.ટન ચણાના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. તદ્ઉપરાંત કુલ 49,899 ખેડૂતો પાસેથી 558.53 કરોડ મૂલ્યના 95,230 મે.ટન મગફળીના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. તથા 10,288 ખેડૂતોએ પાસેથી 126.03 કરોડ મૂલ્યના 20,004 મે.ટન તુવેરના જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે તેમજ ગત વર્ષે કુલ 612 ખેડૂતો પાસેથી રૂ.6.19 કરોડ મૂલ્યના કુલ 851.35 મે.ટન ઉનાળુ મગની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે. છેલ્લા પાંચ વર્ષમાં રાજ્યના કુલ 24 લાખ ખેડૂતો પાસેથી રૂ.22,596 કરોડ મૂલ્યના મગફળી, મગ, અડદ, તુવેર, ચણા, રાયડો અને કપાસના 45.13 લાખ મે.ટન જેટલા વિપુલ જથ્થાની ટેકાના ભાવે ખરીદી કરવામાં આવેલ છે.
રાજકોટ જિલ્લામાં 2.75 લાખ ખેડૂત ખાતેદારો 5.35 લાખ હેક્ટર જમીન ખેડવાણ હેઠળ
રાજકોટ જિલ્લામાં ખરીફ ઋતુમાં મુખ્યત્વે મગફળી અને કપાસ પાકનું વાવેતર થાય છે તેમજ રવિ ઋતુમાં ઘઉ, ચણા, જીરૂ જેવા પાકનું વાવેતર કરવામાં આવે છે. ચાલુ વર્ષ ખરીફ-2022માં અંદાજે મગફળી પાકનું 2.42 લાખ હેક્ટર અને કપાસ પાકનું 2.33 લાખ વાવેતર થયેલ છે. જેમાં મગફળી પાકનું વાવેતરમાં વધારો થયેલ છે. વર્ષ-2022-23માં આઇ.ખેડૂત પોર્ટલ મારફત આઇખેડુત.ગુજરાત.ગવર્મેન્ટ ઇન સાઇટ પર ખેડૂત પોતાના ગામેથી જ સરકારની વિવિધ યોજનામાં ટ્રેક્ટર, પાવર ટીલર, રોટાવેટર, ઓરણી, પ્લાઉ, થ્રેસર વગેરે ફાર્મ મિકેનાઇઝેશનના સાધનોમાં તથા સીંચાઇ સવલતના વિવિધ ઘટકોમાં 64798થી વધુ ઓનલાઇન અરજી મળેલ છે. જેમાં ચાલુ વર્ષે 12546 અરજીઓ ઓનલાઇન મંજુર કરેલ છે.
10 મી નવેમ્બર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે
રાજકોટ માર્કેટિંગ યાર્ડ ખાતે કૃષિમંત્રી રાઘવજી પટેલ, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી, યાર્ડના હોદેદારોએ ખરીદીનું મુહૂર્ત કર્યું હતું. લાભ પાંચમ નિમિત્તે રાજકોટ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીની ખરીદી શરૂ કરાઇ હતી.રાજ્ય સરકાર આજથી ત્રણ માસ સુધી રૂ. 1170 પ્રતિ મણના ભાવે મગફળીની ટેકાના ભાવે ખરીદી કરશે. પ્રથમ દિવસે નોંધણી પામેલા 50 ખેડૂતોને મગફળીની ખરીદી અર્થે બોલાવાયા હતા. અત્યાર સુધીમાં આશરે 65 હજારથી વધુ ખેડૂતોએ ટેકાના ભાવે મગફળી વેચવા નોંધણી કરાવી છે. આગામી 10 મી નવેમ્બર સુધી ખેડૂતો નોંધણી કરાવી શકશે. જરૂર પડ્યે નોંધણી કરાવવાનો સમયગાળો વધારી દેવાશે. રાજ્યમાં 9.73 લાખ મેટ્રિક ટન મગફળીની ટેકાના ભાવે ખરીદી કરાશે તેમ કૃષિ મંત્રી રઘવાજીભાઈ પટેલે જણાવ્યું હતું.