કેનાલ સફાઈ કરાવ્યા વિના જ પાણી છોડાયું

નધરોળ તંત્રના પાપે ખેડૂતોને લાખોનું નુકશાન

હળવદના માનસર નજીક બ્રાહ્મણી-૧ ડેમની કેનાલ ઓવરફલો થતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા અને શેરડી તથા જીરાના પાકને નુકશાન થયું હતું. હળવદના માનસર ગામ નજીક બ્રાહ્મણી ડેમ-૧ ની કેનાલ અચાનક ઓવરફ્લો થતા કેનાલના પાણી મોટી માત્રામાં ખેતરોમાં ફરી વળ્યા હતા. ખેડૂતોના ઉભા પાકમાં કેનાલના પાણી ઘુસી જતા મોટી નુકસાની વેઠવાની નોબત આવી છે.ખાસ કરીને કેનાલની સફાઈ ન થઈ હોવાથી આ કપરી પરિસ્થિતિ સર્જાઈ છે. એક તરફ ખેડૂતોએ અતિવૃષ્ટિમાં થયેલી પાક તારાજીને સરભર કરવા રવી પાકનું વાવેતર કર્યું હતું. તેમાં પણ કેનાલના પાણી ઘુસી જતા ખેડૂતોને બેવડો માર પડ્યો છે.

હળવદના માનસર ગામ નજીક આવેલી બ્રાહ્મણી ડેમ-૧ ડેમની બે નંબરની કેનાલ અચાનક ઓવરફ્લો થઈ હતી. કેનાલ ઓવરફ્લો થતા તેનું બધું જ પાણી ગામના ખેતરોમાં ફરી વળ્યું હતું અને ઉભા પાકમાં કેનાલનું પાણી ઘુસી જતા ખેડૂતોને મોટી નુકશાની વેઠવાનો વારો આવ્યો છે. કેનાલનું પાણી શેરડી અને જીરાના પાકમાં ઘુસી જતા ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડયો છે. આ વર્ષે અતિવૃષ્ટિને કારણે ખરીફ પાક નિષફળ ગયો હતો.આથી આ ખોટને સરભર કરવાની આશાએ ખેડૂતોએ રવિપાકનું વાવેતર કર્યું હતું. એમાં પણ હવે કેનાલના પાણીએ ખેડૂતોની મહેતન ઉપર પાણી ફેરવી દીધું છે.

કેનાલ ઓવરફ્લો થવાનું મુખ્ય કારણ એ છે કે, કેનાલની સફાઈ જ કરવામાં આવતી નથી. જેના કારણે કેનાલમાં બાવળની ઝાડીઓ અને ઘાસચારો ઊગી નીકળ્યો છે. ડેમમાંથી જ્યારે કેનાલમાં પાણી છોડવમાં આવે ત્યારે પાણીનો પ્રવાહ વધુ હોવાથી આ ઝાડીઓના કારણે પાણી જઈ ન શકતા કેનાલ ઓવરફ્લો થાય છે. આજે પણ આવું જ બન્યું હતું અને કેનાલ ઉભરાતા બધું જ પાણી ખેતરોમાં ફરી વળ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.