અત્યંત મૃદુભાષી અને કિંગ નહિ પણ કિંગમેકરની ભૂમિકા ભજવનાર અહેમદ પટેલ કોંગેસના કાશ્મીરથી લઈને ક્ધયાકુમારી સુધીના કોઈ પણ પ્રશ્ર્ન ઉકેલવા માટે માહેર હતા
અહેમદ પટેલ ગાંધી પરિવારના અત્યંત નજીકના અને સૌથી વિશ્ર્વાસુ હતા : તેઓની રાજકીય સફર અત્યંત રોચક રહી હતી
કોંગ્રેસના ટ્રબલશૂટર અહેમદ પટેલનું અવસાન થયુ છે. જેને લઈને રાજકીય આલમમાં ભારે શોક વ્યાપી ગયો છે. અત્યંત મૃદુભાષી અને કિંગ નહિ પણ કિંગમેકરની ભૂમિકા ભજવનાર અહેમદ પટેલ કોંગેસ કાશ્મીરથી લઈને ક્ધયાકુમારી સુધીના કોઈ પણ પ્રશ્ન ઉકેલવા માટે માહેર હતા. અહેમદ પટેલ ગાંધી પરિવારના અત્યંત નજીકના અને સૌથી વિશ્વાસુ હતા. તેઓની રાજકિય સફર અત્યંત રોચક રહી હતી.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યસભા સાંસદ અહેમદ પટેલનું ૭૧ વર્ષની વયે નિધન થયું છે. પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને માહિતી આપી હતી. અહેમદ પટેલ ઓક્ટોબરમાં કોરોના પોઝિટિવ આવ્યા હતા. ત્યારથી તેઓ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યા હતા પરંતુ આજે સવારે ૩.૩૦ વાગ્યે મેદાંતા હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ મૂળ ભરૂચના રહેવાસી હતા.
અહેમદ પટેલના પુત્ર ફૈઝલે ટ્વીટ કરીને આ સમાચાર આપ્યા હતા.ફૈઝલે પોતાના ટ્વીટમાં જણાવ્યું હતું કે ગુજરાતથી રાજ્યસભા સાંસદ પટેલે બુધવારે સવારે ૩.૩૦ વાગ્યે છેલ્લા શ્વાસ લીધા હતા. તેમણે લખ્યું, અત્યંત દુ:ખ સાથે હું જણાવવા માગું છું કે મારા પિતા અહેમદ પટેલનું બુધવારે મોડી રાતે ૩.૩૦ વાગ્યે નિધન થયું છએ. લગભગ એક મહિના પહેલા તેમનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો હતો અને તેમના શરીરના અનેક અંગો કામ કરતા બંધ થઈ ગયા હતા, જેના પછી તેમનું નિધન થયું છે. અલ્લાહ તેમને જન્નત ફરમાવે. તેમણે પોતાના તમામ શુભચિંતકોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાની અપીલ કરી હતી અને દર વખતે સોશિયલ ડિસ્ટન્સ રાખવા કહ્યું હતું.
કોંગ્રેસના વરિષ્ઠ નેતા અહેમદ પટેલ કોવિડ-૧૯ના ઈન્ફેક્શનથી પીડિત હતા. ઓક્ટોબરથી તેઓને કોરોનાનો ચેપ લાગ્યો હતો અને સતત સારવાર હેઠળ હતા. બુધવારે વહેલી સવારે ૩.૩૦ વાગ્યે મલ્ટીપલ ઓર્ગન ફેઈલ્યોરના કારણે તેમનું નિધન થયું હતું. તેઓને રવિવારે ગુરૂગ્રામની મેદાંતા હોસ્પિટલમાં આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા.
અહેમદ પટેલે ૧૯૭૬માં ભરૂચની સ્થાનિક ચૂંટણીથી રાજકારણમાં કર્યો હતો પ્રવેશ
લોકસભામાં ૩ અને રાજ્યસભામાં ૫ કાર્યકાળ પૂરા કરી ચૂકનારા અહેમદ પટેલનું નિધન થયું છે. તેમને ઓગસ્ટ ૨૦૧૮માં અખિલ ભારતીય કોંગ્રેસ કમિટિના કોષાધ્યક્ષના રૂપમાં નિમાયા હતા. અહેમદ પટેલે ૧૯૭૬માં ગુજરાતના ભરૂચ જિલ્લામાં સ્થાનિક ચૂંટણી લડીને રાજકીય જીવનની શરૂઆત કરી હતી. ગુજરાત અને કેન્દ્ર બંનેમાં કોંગ્રેસના સંગઠનાત્મક કામની કમાન સંભાળી હતી. ૧૯૮૫માં તેઓને તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીના સંસદ સચિવ નિયુક્ત કરાયા હતા. તેઓએ સરદાર સરોવર પરિયોજનાની દેખરેખને માટે નર્મદા પ્રબંધન પ્રાધિકરણની સ્થાપનામાં પણ મહત્વની ભૂમિકા અદા કરી હતી.
માતા પિતાની કબરની બાજુમાં જ તેમને દફન કરવામાં આવે તેવી ઈચ્છા’તી
અહેમદ પટેલની ભરૂચથી દિલ્હી સુધીની સફરથી સૌ કોઈ વાકેફ છે. પાર્ટીના અદના કાર્યકર તરીકે તેઓએ ભરૂચથી રાજકીય સફર આરંભી હતી. જેના બાદ પોતાના કામથી તેઓ ગાંધી પરિવારના લાડીલા બન્યા હતા. ત્યારે તેમના પરિવાર તરફથી માહિતી આપવામાં આવી કે,તેઓની ઈચ્છા મુજબ અહેમદ પટેલની દફનવિધિ તેમના વતન પીરામણ ગામમાં કરાશે. તેમના માતાપિતાની કબરની બાજુમાં જ તેમની દફનવિધિ કરાશે.
બંને બાળકો રાજકારણથી દુર
અહેમદ પટેલનો જન્મ ૨૧ ઓગસ્ટ ૧૯૪૯ના રોજ ભરૂચમાં થયો હતો. ભરૂચ જિલ્લો ત્યારે બોમ્બે પ્રેસીડેન્સીનો ભાગ હતો. પટેલે રાજકીય જીવનની શરૂઆતમાં જ ઈમરજન્સીના સમયમા મેમુના સાથે વર્ષ ૧૯૭૬માં લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં બે બાળકો છે અને બંનેનુ હાલ રાજનીતિ સાથે કોઈ કનેક્શન નથી. અહેમદ પટેલ પોતે પણ મીડિયાની ચમકદમકથી દૂર રહેવાનો પ્રયાસ કરતા હતા.
વડાપ્રધાન મોદી, સોનિયા ગાંધી સહિતનાએ ટ્વિટર ઉપર પાઠવી શ્રદ્ધાંજલિ
અહેમદ પટેલના નિધન પર પીએમ મોદીએ ટ્વિટરના માધ્યમથી શોક વ્યક્ત કરતા લખ્યુ કે અહેમદ પટેલ તેજ દિમાગના નેતા હતા. સોનિયાએ લખ્યું- અહેમદ પટેલના રૂપમાં મે એક સહયોગીને ગુમાવી દીધો છે, જેનુ આખુ જીવન કોંગ્રેસ પાર્ટીને સમર્પિત હતુ, તેની ઇમાનદારી અને સમર્પણ, પોતાના કર્તવ્ય પ્રત્યે તેની પ્રતિબદ્ધતા, તે હંમેશા મદદ કરવા માટે તૈયાર રહેતા હતા. તેની ઉદારતા દુર્લભ ગુણ હતા, જે તેને બીજા કરતા અલગ કરતા હતા. તેઓએ વધુમાં કહ્યું કે- મે એક અપરિવર્તનીય કોમરેડ, એક વફાદાર સહયોગી અને એક દોસ્ત ગુમાવી દીધો છે. આ સાથે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ પણ અહેમદ પટેલને શ્રદ્ધાંજલી પાઠવી હતી.