વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓએ સમગ્ર દિવસ હર્ષોઉલ્લાસથી વિતાવ્યો
જામનગર જીલ્લાની જોડિયા તાલુકાની બાલાચડી પ્રાથમિક શાળામાં વર્ષ ૨૦૧૮-૧૯ના ધો.૮ના વિદ્યાર્થી ભાઈ બહેનોનો વિદાય સમારોહ યોજવામાં આવ્યો હતો. કાર્યક્રમની શરૂઆત સરસ્વતી વંદનાથી કરવામાં આવી હતી. તેમજ કાર્યક્રમમાં ભાગ લેનાર સર્વે વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના આચાર્ય મુકેશભાઈ છત્રાળાએ પ્રારંભિક ઉદબોધન કરી અહીંની શાળામાં હાલ અભ્યાસ કરતા ધો.૮ના વિદ્યાર્થી ભાઈ બહેનો જે ધો.૧ થી આ શાળામાં દાખલ થયેલ અને હાલ ધો.૮નો અભ્યાસ પૂર્ણ થતા ધો.૯ અત્રેની શાળામાં ન હોય આગળ અભ્યાસ કરવા માટે અત્રેથી ધો.૮માં અભ્યાસ કરતા વિદ્યાર્થી ભાઈ બહેનોને શાળાના શિક્ષકો દ્વારા વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.
તેમજ શાળાના આચાર્ય મુકેશભાઈ છત્રાળા, શાળાના શિક્ષકો હિતેશભાઈ જરૂર રફીકભાઈ અમરેલીયા, મુસ્તાકભાઈ ગોધાવીયા, દિપાલીબેન મકવાણા તથા ભરતભાઈ ઝાંટીયાએ આ વિદ્યાર્થી ભાઈ-બહેનો ભવિષ્યમાં અભ્યાસક્ષેત્રે ઉતરોતર પ્રગતિ કરે અને દરેક વિદ્યાર્થી પોતાનાં લક્ષ્ય સુધી પહોંચે તેવી શુભકામનાઓ વ્યકત કરી હતી. ધો.૮ના વર્ગ શિક્ષક મુસ્તાકભાઈ ગોધાવીયાએ આ પ્રસંગે પોતાનું મંતવ્ય જણાવતા ધો.૮ના વિદ્યાર્થીઓને હંમેશા શિસ્તબઘ્ધ જીવન જીવવા, હંમેશા ખુશમીજાજ રહેવા, અન્ય શાળામાં ઉચ્ચ અભ્યાસ અર્થે જઈ ત્યાં પણ દુધમાં સાંકળ ભળી જાય તેમ સૌ સાથે હળીમળી જવા અને ભવિષ્યમાં બોર્ડની પરીક્ષામાં ગણિત-વિજ્ઞાન વિષયો પર ખાસ ધ્યાન આપવા તેમજ હવેથી સૌ વિદ્યાર્થીઓને મિત્ર સમકક્ષ ગણાવ્યા હતા.
શાળાના ધો.૮ના વિદ્યાર્થીની શાહમદાર નશરીનએ પોતાનું મંતવ્ય જણાવતા કહ્યું હતું કે, શાળાએ મારુ બીજુ ઘર છે જે હું કદી ન વિસરી શકું. શાળાના ધો.૮ના વિદ્યાર્થીની મનદિપસિંહ વાઘેલાએ પોતાનું મંતવ્ય વ્યકત કરતા જણાવ્યું હતું કે શાળાના શિક્ષક ભાઈ બહેનો દ્વારા જે સંસ્કારો અને શિક્ષક અમોને મળ્યું છે તે જીવનનું ભાથુ છે જે સાથે લઈ આ શાળામાંથી આગળ અભ્યાસમાં અમારી પ્રગતિ ઉતરોતર ચાલુ રાખીશું.
આ કાર્યક્રમ નિમિતે શાળાના શિક્ષકો દ્વારા સમગ્ર શાળાના વિદ્યાર્થી ભાઈ બહેનો માટે નાસ્તા (ઘુઘરા)નું આયોજન કરવામાં આવ્યું હતું. જે વિદ્યાર્થી ભાઈ બહેનોએ હોંસેહોંસે આરોગી ખુબ આનંદ વ્યકત કર્યો હતો. આ રીતે સમગ્ર દિવસ હર્ષોઉલ્લાસથી વિતાવ્યો હતો.