નિવૃત તલાટીને ભાવભેર વિદાય આપી યાદગાર પ્રસંગ બનાવતા ગ્રામજનો
હળવદ તાલુકાના નાના એવા રાણેકપર ગામની ગ્રામ પંચાયત કચેરી ખાતે એક વર્ષ જેટલા ટુંકા ગાળામાં ગામની વિકાસની ઉમદા કામગીરી બિરદાવવા લાયક છે જેમાં તલાટી મંત્રીએ સિંહફાળો આપ્યો છે ત્યારે આવા કર્તવ્યનિષ્ઠ મંત્રીનો સરપંચના હસ્તે શ્રીફળ પડા સાથે શાલ ઓઢાડી બહુમાન કરવામાં આવ્યું હતું તો સાથોસાથ નવા નિમાયેલા તલાટીનો આવકાર સમારંભનો કાર્યક્રમ યોજાયો હતો.
હળવદ તાલુકાના રાણેકપર ગામના તલાટી કમ મંત્રી બાબુભાઇ પટેલ વયમર્યાદાના કારણે નિવૃત્ત થતાં ગ્રામ પંચાયત કચેરી દ્વારા વિદાય સમારંભનુ આયોજન કરવામાં આવ્યું હતું. તલાટી કમ મંત્રીએ કરેલી કામગીરીને બિરદાવવા સરપંચના હસ્તે શ્રી ફળ – પડો તથા માજી સરપંચના હસ્તે શાલ ઓઢાડી તેમજ રાણેકપર ગામ વતી જલારામ વામજા દ્વારા શાલ ઓઢાડીને સન્માનિત કરાયા હતા.
રાણેકપર ગ્રામ પંચાયત કચેરી ખાતે સેવા આપી નિવૃત્ત થનાર બાબુભાઇ પટેલની કામગીરી સરાહનીય હતી તેમણે તમામ ગ્રામજનોના નાના મોટા પ્રશ્નોને ન્યાય આપી ખુબ જ સુંદર કામગીરી કરી હતી. આ પ્રસંગને યાદગાર બનાવવા રાણેકપર પરના સૌ ગ્રામજનોએ નિવૃત તલાટીને ભાવભેર વિદાય આપી શુભેચ્છા પાઠવી હતી. આ સાથે તેમની જગ્યા પર નવા તલાટી કમ મંત્રી દિલીપભાઈ ચાર્જ સંભાળતા તેમને આવકારવામાં આવ્યા હતાં. આ પ્રસંગે રાણેકપરના સરપંચ હેમુભાઇ, ભીમાભાઇ સાદુરભાઇ, આશાવર્કર ગંગાબેન, આંગણવાડી વર્કર પ્રિતીબેન બારોટ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.