નાત જાતના ભેદભાવ વિના ગરીબ વિદ્યાર્થીઓને અધ્યાપન,આવાસ,ભોજન,ઔષધ વગેરે સુવિધા વિનામૂલ્યે મળતી અને શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા
તક્ષશિલા અને નાલંદા જેવી વિશ્વપ્રસિદ્ધ વિદ્યાપીઠો ભારતમાં હતી.તક્ષશિલા ઈસુના જન્મ પહેલા સાતમી સદીથી જન્મ પછી છઠ્ઠી સુધી અસ્તિત્વમાં હતી.નાલંદા ઈસુના જન્મ પછી ચોથી સદીથી અસ્તિત્વમાં આવી હતી.કાળક્રમે બંને નાશ પામી.
આ બંને વિદ્યાપીઠો પર એક નજર નાખીએ.પ્રાચીન ભારતના રાવલપિંડી શહેરની પશ્ચિમે 35 કિલોમીટરના અંતરે આવેલું આ સ્થળ ગાંધાર પ્રાંતની રાજધાની હતું.રામના ભાઈ ભરતે આની સ્થાપના કરેલી અને પુત્ર તક્ષને એનો રાજા નિમેલો. એના નામ ઉપરથી આ રાજધાની તક્ષશિલા તરીકે ઓળખાઈ,એવો વાલ્મિકી રામાયણમાં ઉલ્લેખ છે.
ઈ.સ.પૂર્વના છઠ્ઠા સૈકામાં ઈરાનીઓની,બીજા સૈકામાં ઈન્ડો-બેક્ટ્રિયનોની અને પહેલા સૈકામાં સીથિયનોની તો ઈસુના પ્રથમ સૈકામાં કુષાણોની અને પાંચમા સૈકામાં હૂણોની રાજસત્તા અહીં પ્રવર્તતી હતી.ઈસુના છઠ્ઠા સૈકામાં આ શહેરનો નાશ થયો.
મધ્ય એશિયા અને ભારત વચ્ચેના વેપારી માર્ગ ઉપરનું સ્થાન હોઈ એનું રાજકીય મહત્વ તો હતું જ પણ એક વિદ્યા કેન્દ્ર તરીકેની એની ખ્યાતિ વિશ્વમાં હતી.
ઈ. સ.પૂર્વે સાતમી સદીથી ઈ.સ. છઠ્ઠી સદી સુધી તક્ષશિલા અપ્રતિમ ખ્યાતિ ધરાવતું વિદ્યા કેન્દ્ર હતું.ઉજ્જૈન,મથુરા,મિથિલા,વારાણસી જેવા મહાનગરો તથા કુરુ કોશલ જેવા પ્રદેશોમાંથી નાત જાતના ભેદભાવ વિના વિદ્યાર્થીઓ અહીં ઉચ્ચ શિક્ષણ લેવા આવતા હતા.આ વિદ્યા કેન્દ્ર ગુરુકુળ સ્વરૂપનું હતું.વિદ્યાર્થીઓ ગુરુ આચાર્યના ઘેર રહેતા હતા.ગરીબ વિદ્યાર્થીઓ દિવસે ગુરુના ઘરનું કામ કરતા અને રાતે અભ્યાસ કરતા.શ્રીમંત વિદ્યાર્થીઓ ફી ભરીને ભણતા.વિષમ પરિસ્થિતિમાં પણ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા.
આચાર્ય જીવક,ભગવાન કૌટિલ્ય,વૈયાકરણી પાણીની,કોશલ સમ્રાટ પ્રસન્નજિત અહીંના વિદ્યાર્થી હતા.જીવક અને કૌટિલ્ય આચાર્ય પદે રહેલા.બ્રાહ્મણ દર્શનનું આ વિદ્યા કેન્દ્ર હોઈ અહીં ત્રણ વેદ,વ્યાકરણ અને દર્શન મુખ્ય વિષયો હતા.ઉપરાંત વૈદક,શલ્ય કર્મ,ગજ વિદ્યા, ધનુર્વિદ્યા,જ્યોતિષ, નામું,વાણિજ્ય, કૃષિ,ખગોળ, સંગીત, નૃત્ય, ચિત્ર જેવા 64 જેટલા વિષયોનું અહીં અધ્યાપન થતું.જેમાં રાજકારણ, સામાજિક વિજ્ઞાન અને રાજધર્મ પણ સામેલ છે.યુદ્ધથી લઈને વિવિધ કળાઓનું શિક્ષણ પણ આપવામાં આવતું હતું.અહીં વિશેષજ્ઞતા માટે જ વિદ્યાર્થીઓ આવતા. ચારિત્ર્યનું ઘડતર, વ્યક્તિત્વનો વિકાસ,ધર્મ અને નીતિનું સિંચન, સંસ્કૃતિનું સંરક્ષણ વગેરે આ વિદ્યા કેન્દ્રનાં વ્યાવર્તક લક્ષણો હતાં.આ આજની મુક્ત વિદ્યાપીઠનું પૂર્વકાલીન સ્વરૂપ હતું.પદવી પરીક્ષા ન હતી.વિદ્યાર્થીઓ અભ્યાસ પૂર્ણ કર્યા પછી વ્યવહારિક અનુભવો માટે દેશાટને જતા.આ થઈ તક્ષશિલા વિદ્યાપીઠની વાત.હવે જાણીએ નાલંદા વિશ્વ વિદ્યાપીઠ વિશે. નાલંદા બિહારનો એક જિલ્લો અને વિશ્વપ્રસિદ્ધ પ્રાચીન વિદ્યા કેન્દ્ર.તે પટણાથી આશરે 88 કિલોમીટર દૂર ગંગાને કાંઠે અગ્નિ ખુણે બડગામ ગામની હદમાં આવેલ છે.
ફાહિયાને ઈ.સ.410માં મુલાકાત લીધી હતી.નાલંદા વિદ્યાપીઠની સ્થાપના ક્યારે થઈ તે નિશ્ચિતપણે જાણવા મળતું નથી.1902માં નાલંદા પાસે થયેલ ઉત્ખનન પરથી જાણવા મળે છે કે ત્યાં મહાન બૌદ્ધ વિદ્યાપીઠ આવેલી હતી.ગુપ્ત વંશના રાજાઓ તથા હર્ષવર્ધન પાસેથી આર્થિક સહાય મેળવીને તેનો વિકાસ થયો હતો.પાંચમી સદીથી તેને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મળી અને એશિયાના વિવિધ દેશોમાંથી તેજસ્વી વિદ્યાર્થીઓ અભ્યાસ કરવા ત્યાં જતા હતા.ભારતમાં આવેલા બે ચીની પ્રવાસીઓ હ્યુએન સાંગ તથા ઈત્સિંગે નાલંદા વિદ્યાપીઠ વિશે વિગતો આપી છે.નાલંદા વિદ્યાપીઠમાં પ્રવેશ મેળવવા માટે વિદ્યાર્થીએ વ્યાકરણ,ગદ્ય-પદ્ય સાહિત્ય,તર્કશાસ્ત્ર, અભિધર્મકોષ અને જાતકોનું અધ્યયન કરવું પડતું. આટલું પ્રાથમિક જ્ઞાન પ્રાપ્ત કર્યા બાદ વિદ્યાપીઠમાં પ્રવેશ માટે વિદ્યાર્થી લાયક બનતો હતો.આમ નાલંદા એ ઉચ્ચ અભ્યાસ માટેની વિદ્યાપીઠ હતી.પોતાના પ્રાંત કે દેશમાં વિદ્યાભ્યાસ સમાપ્ત કર્યા બાદ વિદ્યાર્થીઓ આ જગ પ્રસિદ્ધ વિદ્યાપીઠમાં અભ્યાસાર્થે આવતા હતા.તે વિદ્યાપીઠમાં ભારત ઉપરાંત ચીન,જાપાન,મોંગોલિયા,મધ્ય એશિયા, કોરિયા,જાવા,તિબેટ વગેરે દેશોમાંથી વિદ્યાર્થીઓ વિદ્યાના અભ્યાસાર્થે આવતા હતા.તેમાં પ્રવેશ માટે પરીક્ષા લેવામાં આવતી અને દસમાંથી બે અથવા ત્રણ ઉમેદવારો ઉત્તીર્ણ થતાં.તેમાં ભણાવતા વિષયોમાં બૌદ્ધ ધર્મની અઢાર શાખાઓ વેદો, હેતુવિદ્યા, શબ્દવિદ્યા, વ્યાકરણ, સાંખ્ય, તર્કશાસ્ત્ર, ચિકિત્સાવિદ્યા, ગણિતશાસ્ત્ર, ન્યાય, યોગ, સાહિત્ય,જ્યોતિષ વગેરેનો સમાવેશ થતો હતો.એશિયાનું તે મહાન સાંસ્કૃતિક કેન્દ્ર હતું.બૌદ્ધ ધર્મનું જ્ઞાન ત્યાંથી અન્ય દેશોમાં ફેલાયું હતું.
આઠસો વર્ષ પર્યંત આ વિદ્યાપીઠે ભારત તથા એશિયાના અનેક દેશોની વિવિધ પ્રજાનો માનસિક વિકાસ સાધ્યો હતો.એ માત્ર ભારતની જ નહિ પરંતુ એશિયાની તત્કાલીન સુપ્રસિદ્ધ વિદ્યાપીઠ હતી. ઈ.સ.ની સાતમી સદીમાં એ સમસ્ત જગતમાં અદ્વિતીય આંતરરાષ્ટ્રીય વિદ્યાપીઠ હતી.વિદ્યાર્થીઓને અધ્યાપન, આવાસ,ભોજન, ઔષધ વગેરે સુવિધા વિનામૂલ્ય મળતી.વિદ્યાપીઠને રાજાઓએ દાનમાં આપેલાં અનેક ગામોની આવકમાંથી બધું ખર્ચ મળી જતું.પ્રસિદ્ધ ચીની પ્રવાસી હ્યુએન સાંગ સાતમી સદીમાં ત્યાં પાંચ વર્ષ રહ્યા હતા.ત્યારે ત્યાં પાંચ હજાર વિદ્યાર્થીઓ ભણતા હતા.તેમણે વિદ્યાપીઠનાં મકાનો,પ્રાકૃતિક સૌંદર્ય વગેરેનું સરસ વર્ણન કર્યું છે.ત્યારબાદ ચીની પ્રવાસી ઈત્સિંગ (ઈ.સ.673) તે વિદ્યાપીઠમાં રહ્યા હતા. ત્યાંની જલઘટિકાનું તેમણે વિસ્તૃત વર્ણન કર્યું છે.આ વિદ્યાપીઠમાં ધર્મપાલ, ચક્રપાલ,ગુણમતિ, સ્થિરમતિ, પ્રભામિત્ર, જ્ઞાનમિત્ર, શીલભદ્ર જેવા પ્રસિદ્ધ વિદ્વાનો અધ્યાપન કરતા.વિદ્યાપીઠનું સંચાલન એક મુખ્ય ભિક્ષુ,વિદ્યાવિષયક તથા વ્યવસ્થાવિષયક સમિતિઓની મદદથી કરતા હતા. તીબેટમાં લામાવાદના સ્થાપક પદ્મસંભવ નાલંદા અભ્યાસ કરવા ગયા હતા.નવમી સદીમાં નાલંદાના બાર ભિક્ષોઓ પ્રથમ સાત તિબેટી ભિક્ષુઓને સ્થાપિત કરવા તિબેટ ગયા હતા.બંગાળના પાલ વંશના રાજાઓ નાલંદા વિદ્યાપીઠને ઘણી મદદ કરતા.બારમી અને તેરમી સદીઓમાં મુસ્લિમ આક્રમકોએ નાલંદા વિદ્યાપીઠની ઈમારતોને આગ લગાડીને નાશ કર્યો.અનેક વિદ્યાઓની હજારો હસ્તપ્રતોનો તેમાં નાશ થયો.ત્યાંના અધ્યાપકો અને વિદ્યાર્થીઓ વગેરેને મારી નાખવામાં આવ્યા.કેટલાક તે દરમિયાન ત્યાંથી નાસી ગયા હતા.