લક્ષ્મી વિલાસ પેલેસ
લક્ષ્મી વિલાસ મહેલ એ વડોદરા માં આવેલ ગાયકવાડ રાજવંશના મહેલ નું નામ છે. તે ૧૮૯૦ માં મહારાજા સયાજીરાવ ગાયકવાડના હુકમ પર બાંધવામાં આવ્યો હતો. મહેલની અંદર ધ્યાનાકર્ષિત ધાતુની મુર્તીઓ, જુના હથિયારો તથા મોઝેઇક અને ટેરાકોટા રાખવામા આવેલા છે.
આ મહેલ જયારે બંધાયો હતો તયારે તેની અંદાજીત કિંમત ૩,૦૦,૦૦૦ સ્ટર્લિન્ગ પાઉન્ડ હતી.
ડિસેમ્બર ૨૦૧૭માં શહેરી વિકાસ મંત્રી શ્રીચંદ ક્રિપલાનીએ મહેલનું લિલામ હોટેલ ઉદ્યોગને કરવાની મંજુરી આપી હતી, જેનો લોકો દ્વારા વિરોધ થયો હતો અને તેના વિરોધમાં દેખાવોનું આયોજન થયું હતું
પ્રતાપ વિલાસ પેલેસ
પ્રતાપ વિલાસ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના વડોદરા શહેરના ખ્યાતનામ વિસ્તાર લાલબાગ નજીક આવેલ ગાયકવાડી જમાનાનો મહેલ છે.
આ મહેલ ઇ. સ. ૧૯૧૪ની સાલમાં બનાવવામાં આવ્યો હતો. આશરે ૫૫ એકર જમીનમાં બગીચા અને ઘાસની લીલીછમ ચાદર વચ્ચે પ્રતાપ વિલાસ મહેલ આવેલ છે.
હાલમાં આ મહેલ ભારતીય રેલ્વેની સ્ટાફ કોલેજમાં રુપાંતરિત થઇ ગયેલ છે. આ કોલેજ ભારતીય રેલ્વેમાં જોડાયેલ નવા તેમજ જુનાં ઓફિસર અને એક્ઝીક્યુટીવ કક્ષાનાં માણસોને તાલિમ આપે છે.
નજરબાગ પેલેસ
નજર બાગ મહેલ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં માંડવી દરવાજા પાસે આવેલ જુનામાં જુનો ગાયકવાડી મહેલ છે.
૧૯ મી સદીમાં મલ્હાર રાવ ગાયકવાડ દ્વારા આ મહેલનું ર્નિમાણ થયું હતું. આ મહેલ આજે જર્જરિત થઇ ગયો છે.
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમ ગુજરાત રાજ્યના વડોદરા શહેરના રાજમહેલ વિસ્તારમાં લક્ષ્મી વિલાસ મહેલ ના પ્રાંગણ માં આવેલ છે. આ મ્યુઝિયમમાં વડોદરા શહેરના પુર્વકાલિન મહારાજા તેમજ શાહી પરિવાર દ્વારા બહોળા પ્રમાણમાં એકત્ર કરવામાં આવેલ વિવિધ કલાના ઉત્તમ નમુના સંગ્રહિત કરવામાં આવેલ છે.
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમમાં ફક્ત ભારતીય કલાના નહિ પરંતુ ચાઇનીઝ, જાપાનીઝ, રોમન વગેરે સંસ્કૃતિના પણ માહીર કલાકારો ની કલાકૃતિ સાચવવામાં આવેલ છે.
મહારાજા ફતેહસિંહ મ્યુઝિયમને જાહેર જનતા નજીવા શુલ્કની ચુકવણી કરી જોઇ શકે છે.
લાલબાગ
ગુજરાત રાજ્યના વડોદરા શહેરમાં આવેલ એક સુંદર બગીચો છે, જે પ્રતાપ વિલાસ મહેલ ની નજીકમાં આવેલ છે. આ બગીચા પાસે વડોદરા મહાનગર સેવા સદન દ્વારા સંચાલિત એક સ્નાનાગાર પણ છે.
આ બગીચાને બિલકુલ અડીને ગાયકવાડી જમાનાથી ચાલી આવતી ડભોઇ થી જંબુસર જતી નેરોગેજ રેલ્વેના પાટા છે, જ્યાંથી હજુપણ સવારે તેમજ સાંજે નિયમિત રીતે ટ્રેન પસાર થાય છે. હાલમાં અહી ઓવરબ્રીજ બનાવવાની કામગીરી ચાલે છે. આ વિસ્તારમાં રેલ્વે લાઇનની ઉત્તર દિશા તરફ ઐતિહાસિક કાશી વિશ્વનાથનું મંદિર પણ આવેલ છે.
સરદાર પટેલ પ્લેનેટેરીયમ
સરદાર પટેલ પ્લેનેટેરીયમ એ ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલા વડોદરા જિલ્લા તેમ જ વડોદરા તાલુકાના મુખ્ય મથક તેમ જ આઝાદી પહેલાંના સમયના ગાયકવાડી શાસનના મુખ્ય મથક એવા વડોદરા શહેરમાં સયાજીબાગના મુખ્ય પ્રવેશદ્વાર પાસે આવેલ છે.
જેમાં રોજ સાંજે (ગુરુવાર સિવાય) ત્રણ ભાષા માં ગુજરાતી , અંગ્રેજી તેમજ હિન્દી ભાષામાં આપણા સુર્ય મંડળ તેમજ વિવિધ ગ્રહો વિશે સુંદર માહિતી આપવામાં આવે છે. સરદાર પટેલ પ્લેનેટેરીયમમાં સૂર્ય તેમજ ચંદ્રના ગ્રહણના દિવસે તેમ જ ખાસ અવકાશી ઘટનાઓને દિવસે વિશેષ કાર્યક્રમ યોજવામાં આવે છે.