સોમનાથ
પ્રથમ જ્યોતિર્લિંગ એટલે સોમનાથ. સૌરાષ્ટ્રના ગીર સોમનાથ જિલ્લામાં આ જ્યોતિર્લિંગ આવેલું છે. સોમનાથનું શિવલિંગ સૌથી મોટું છે. અને તેના દૈદિપ્યમાન સ્વરૂપની ઝાંખી કરવા દર વર્ષે લાખો શ્રદ્ધાળુઓ આવે છે.
નાગેશ્વર
દ્વારકામાં આવેલા દારૂકાવનમાં નાગેશ્વર જ્યોતિર્લિંગ આવેલું છે. માનવામાં આવે છે કે આ મંદિર ભક્તોને તમામ પ્રકારના સંકટોથી બતાવે છે. આ મંદિરના પ્રાંગણમાં 85 ફીટ ઉંચી ભગવાન શિવની મૂર્તિ છે. જે જોવાલાયક છે.
બાવકા શિવ મંદિર
દાહોદથી 14 કિમી દૂર આવેલું આ મંદિર કલા અને કારીગરીનો ઉત્તમ નમૂનો છે. તેની તુલના ખજૂરાહોની કારીગરી સાથે કરવામાં આવે છે. આ મંદિરના હાલ તો અવશેષો જ જોવા મળે છે પરંતુ તેને જોઈને તમને એ તો ખ્યાલ આવશે કે મંદિર કેટલું સમૃદ્ધ હતું. આ મંદિર તેની ભવ્યતા માટે એક સમયે પ્રખ્યાત હતું. તેના પર ગઝનીએ હુમલો પણ કર્યો હતો.
કોટેશ્વર મંદિર
કચ્છ તાલુકામાં સાગર કિનારે આવેલું આ મંદિર પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિર સાથે રામાયણના સમયથી કથાઓ પણ જોડાયેલી છે. કહેવાય છે કે રાવણે અમરત્વ માંગતા ભગવાન શિવે તેને અમરલિંગ આપ્યું હતું જે તેણે જમીનને અડાડ્યા વગર લંકા પહોંચાડવાનું હતું. પરંતુ દેવોએ રાવણને છેતર્યો અને અસલી લિંગ ત્યાં જ રહી ગયું. આ લિંગ કોટેશ્વર મંદિરમાં સ્થાપિત કરવામાં આવ્યું છે.
પોળો ફોરેસ્ટનું શિવ મંદિર
હિંમતનગર પાસે આવેલું પોળો ફોરેસ્ટ ટુરિસ્ટ ડેસ્ટિનેશન છે. જ્યાં આવેલું શિવ પૌરાણિક શિવમંદિર સૌથી પવિત્ર જગ્યાઓમાંથી એક છે. પોળો ફોરેસ્ટની હરિયાળી વચ્ચે સુંદર કોતરણી ધરાવતું આ મંદિર જોવા લાયક છે.
કુંભેશ્વર મહાદેવ
બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજીમાં આવેલું આ મંદિર કુમારપાળે બંધાવ્યું હતું. આ મંદિર સોમપુરા જાતિના લોકોએ બનાવ્યું હતું. જેઓ ખૂબ જ કુશળ કારીગરો ગણાય છે. આ મંદિરની કારીગરીમાં જૈન સ્થાપત્યની ઝલક જોવા મળે છે.
ગળતેશ્વર મંદિર
ખેડા જિલ્લામાં આવેલું આ મંદિર જોવાલાયક સ્થળોમાંથી એક છે. ગળતી નદીના કિનારે આવેલું આ મંદિર છે. મંદિરનું સ્થાપત્ય પૌરાણિક કલાની ઝાંખી કરાવે છે. ગાલવ મુનિની તપસ્યાના ફળ સ્વરૂપે અહીં શિવલિંગ પ્રગય થયું હતું. અને ઋષિ મુનિઓએ પ્રાર્થના કરતા ગંગા ગળતી નદીના સ્વરૂપમાં અહીં પ્રગટ થયા અને ભગવાનનો અભિષેક કર્યો. મંદિરના બાંધકામમાં ચાલુક્ય શૈલીની ઝાંખી જોવા મળે છે.
રુદ્ર મહાલય
પાટણ જિલ્લાના સિદ્ધપુરમાં આવેલું આ મંદિર સરસ્વતી નદીના કિનારે વસેલું છે. પૌરાણિક કાળની ઉત્કૃષ્ટ સ્થાપત્ય કલાનો આ મંદિર ઉત્તમ નમૂનો છે. આ મંદિ 10મી સદીમાં મૂળરાજ રાજાએ બંધાવ્યું હોવાનું માન્યતા છે. મંદિરમાં 1600 સ્તંભ, 12 પ્રવેશદ્વારો છે. આ મંદિરના સ્તંભો સૌથી ઉંચા ગણવામાં આવે છે.
હાટકેશ્વર મહાદેવ
નાગરોના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગરમાં આવેલું છે. આ મંદિરની સ્થાપના નાગર બ્રાહ્મણોએ કરી હતી. મંદિરનું શીખર અને ઘુમ્મટ જોવા જેવા છે. હાટકેશ્વર મંદિરમાં જ જાણીતું કીર્તિ તોરણ પણ આવેલું છે.