ચોરાઉ ચેન સસ્તા ભાવે ખરીદ કરતા ત્રણ સોની વેપારીની ધરપકડ
શહેરમાં છ દિવસમાં ચીલઝડપના પાંચ કિસ્સા બનતા પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી, અંતે બી.ડિવિઝન પોલીસે નામચીન શક્તિ ઉર્ફે ટબૂડીને ઝડપી લઇ પાંચેય ચીલઝડપના ગુનાના ભેદ ઉકેલી ટબૂડીના સાગરીત અને લૂંટાયેલા ચેઇનના ઢાળિયા ખરીદનાર ત્રણ સોની વેપારીની પણ ધરપકડ કરી રૂ.2.57 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
વિગતો મુજબ ગત તા.5ના મહિલાની ડોકમાંથી સોનાના ચેઇનની ચીલઝડપ થઇ હતી, બીજા દિવસે ગાંધીગ્રામ વિસ્તારમાં મહિલાની ડોક અડવી થઇ હતી, એજ દિવસે ભક્તિનગર વિસ્તારમાં પણ સમડીએ શિકાર સાધ્યો હતો, તા.10ના ફરીથી બી.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર તથા ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચીલઝડપના બનાવ બન્યા હતા.
છ દિવસમાં થયેલી ચીલઝડપની પાંચેય ઘટનામાં કાળા રંગના સ્કૂટરનો ઉપયોગ થયો હતો અને આરોપીનું જ વર્ણન ફરિયાદીઓ કરતાં હતા તે મુજબ રામનાથ મંદિર પાસેના મનહરપરામાં રહેતા નામચીન શક્તિ ઉર્ફે ટબૂડી વિનુ સોલંકી (ઉ.વ.37) સંડોવણી સ્પષ્ટ થઇ હતી, અંતે શક્તિ ઉર્ફે ટબૂડીને પોલીસે ઝડપી પાડ્યો હતો. શક્તિની પોલીસે આગવીઢબે પૂછપરછ કરતાં તેણે કબૂલાત આપી હતી કે, ચેઇનની ચીલઝડપ કર્યા બાદ તે લૂંટાયેલો ચેઇન તેના સાગરીત આજી ડેમ ચોકડી પાસેના માધવ વાટિકામાં રહેતા શૈલેષ જીવા ચાવડા (ઉ.વ.42)ને આપતો હતો,
શૈલેષ ચાવડા સોનાના ચેઇનને ઓગાળીને તેનો ઢાળિયો બનાવી નાખતો હતો, તે ઢાળિયો તે નવાગામમાં રહેતા સોની વેપારી નિમેષ ઇશ્વર ચોકસી (ઉ.વ.25) તથા ગુંદાવાડીના નૈમિષ જિતેન્દ્ર ફિચડિયા (ઉ.વ.36)ને આપતો હતો, આ બંને વેપારી તે ઢાળિયો પ્રહલાદ પ્લોટમાં રહેતા ઝવેરી છબીલ માંડલિયા (ઉ.વ.47)ને વેચી દેતા હતા, પોલીસે ઉપરોક્ત ચારેયને પણ ઝડપી લઇ સોનાના ત્રણ ઢાળિયા, સ્કૂટર અને સોનાને ગાળવાના સાધનો સહિત કુલ રૂ.2.57 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. શક્તિ ઉર્ફે ટબૂડી 42 ગુનામાં અગાઉ પોલીસ ચોપડે ચડી ચૂક્યો હોવાનું પણ પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.