ખેતરમાં પીવીસી પાઇપ લાઇન નાખવાના પ્રશ્ને ઝઘડો કરી મોતને ઘાટ ઉતારી ફરાર
તળાજા તાલુકાના આમઓળા ગામે ખેતરમાં પીવીસી પાઇપ લાઇન નાખવાના પ્રશ્ને કાકા-ભત્રીજા વચ્ચે થયેલી બોલાચાલીના કારણે તલવારથી હુમલો કરી કાકાએ ભત્રીજાની હત્યા કર્યાની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ આમળા ગામે રહેતા ઓધાભાઇ પાંચાભાઇ મકવાણા નામના ૩૭ કોળી યુવાન પર તલવારથી હુમલો કરી તેના કુટુંબી કાકા બાલા અરજણ મકવાણાએ હત્યા કર્યાની ગીતાબેન ઓધાભાઇ મકવાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.ગત તા.૨૨મીએ સાંજના ઓધાભાઇ મકવાણા જમીને વાડીએ ગયા હતા ત્યારે તેના ખેતરમાં પીવીસી પાઇપ લાઇન કોઇએ નાખી હોવાથી તે કાઢતા હતા ત્યારે બાજુમાં ખેતર ધરાવતા કુટુંબી કાકા બાલા અરજણ મકવાણા ત્યાં આવ્યા હતા અને કેમ પાઇપ લાઇન કાઢી નાખી તેમ કહી ઝઘડો કરી તલવારથી આડેધડ હુમલો કરતા ગંભીર રીતે ઘવાતા તેઓ સારવાર માટે ભાવનગર હોસ્પિટલમાં દાખલ કરાયા હતા જ્યાં તેમનું મોત નીપજતા બનાવ હત્યામાં પલ્ટાયો હતો.
દાઠા પોલીસ મથકના પી.એસ.આઇ. એન.એ.ગોહિલ સહિતના સ્ટાફે બાલા અરજણ મકવાણા સામે હત્યાનો ગુનો નોંધી ઝડપી લેવા તજવીજ હાથધરી છે.