- ભોગ બનનારી સગીરાના માતા-પિતા સહિત પાંચ શખ્સો તૂટી પડતા ત્રણ માસ પૂર્વે જેલમુક્ત થયેલા વિપુલ સાકરીયાનું મોત
- તાત્કાલિક ચારેક શખ્સોને સકંજામાં લેતી ચોટીલા પોલીસ: એકની શોધખોળ
ચોટીલામાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યું છે. અગાઉ પોક્સોના ગુનામાં સજા કાપી ચૂકેલા પીપરાળી ગામના વિપુલ સાકરીયાની ભોગ બનનારી સગીરાના પરિજનોએ તલવાર-ધારિયાના ઘા ઝીંકી હત્યા નીપજાવી દીધાનું સામે આવ્યું છે. મામલામાં ચોટીલા પોલીસે તાત્કાલિક પાંચ વિરુદ્ધ ગુનો નોંધી ચારને સકંજામાં લઇ લીધાનું જાણવા મળ્યું છે.
પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ ચોટીલાના પીપરાળી ગામે રહેતા વિપુલ વિનાભાઇ સાકરીયા વિરુદ્ધ અગાઉ વર્ષ 2015માં પોક્સો અને દુષ્કર્મનો ગુનો નોંધાયો હતો. જે ગુનાની સુનાવણી ચાલી જતાં અદાલતે વિપુલ સાકરીયાને દોષિત ઠેરવી જેલની સજા ફટકારવામાં આવી હતી. સજા કાપીને વિપુલ સાકરીયા ત્રણ માસ પૂર્વે જ જેલમુક્ત થયો હતો. પોક્સોના ગુનામાં ભોગ બનનારી સગીરાના પરિજનોએ વિપુલ સાકરીયા પર હુમલો કર્યો હતો. પ્રાપ્ત વિગત અનુસાર ગુન્હામાં મરણજનાર બનાવ પહેલા આશરે ત્રણેક મહિના પહેલા જેલ મુક્ત થયેલ હોય જે બનાવનું મનદુખ રાખી ફરીયાદીનું કામ ચાલુ હતુ ત્યાથી વિપુલ સાકરીયા ટ્રેકટર લઈને નીકળ્યો હતો. તે વખતે આરોપી ભાવાભાઇ બીજલભાઇ સાકરીયાએ તેની સાથે ઝઘડો કરી તેની પાસે રહેલ ધારીયાનો ઘા મરણજનારના માથાના ભાગે મારી દિધેલ હતો.
બનાવની જાણ વિપુલ સાકરીયાના ભાઈ હરેશ સાકરીયાને થતા તેઓ બનાવ સ્થળે પહોંચ્યા હતા. જ્યાં હુમલાખોરોએ ફરીયાદી તથા મરણજનારને ગાળો આપી હતી. ગાળો ભુંડાબોલી ગાળો આપવા લાગતા ફરીયાદીએ ગાળો બોલવાની ના પાડતા આરોપીઓ ઉશ્કેરાઇ જઇ ભાવાભાઇ બીજલભાઇ સાકરીયાએ ધારીયુ તથા આરોપી સુરેશભાઇ ભાવાભાઇ સાકરીયાએ તલવાર જેવા પ્રાણઘાતક હથિયાર વડે ફરીયાદી હરેશ સાકરીયા ઉપર ઘા કરતા ફરીયાદીને ડાબા હાથના કાંડા પાસે મુંઢ ઇજા પહોંચી હતી. જયારે મહેશભાઇ જગાભાઇ સાકરીયા વચ્ચે પડતા આરોપી ભાવાભાઇ બીજલભાઇ સાકરીયાએ સાહેદ મહેશભાઇને બચકુ ભરી લઇ સામાન્ય ઇજા પહોંચાડી હતી. આરોપી શાંતુબેન ભાવાભાઇ સાકરીયા તથા થોભણભાઈ મેરાભાઇ સાકરીયા અને લાલાભાઈ નારણભાઇ નાઓએ વિપુલ સાકરીયાને પકડી રાખી સુરેશભાઇ ભાવાભાઇ સાકરીયાએ તેની પાસે રહેલ તલવારથી જમણી બાજુ પડખાના ભાગે ઘા મારી ગંભીર ઇજા પહોંચાડી હતી. જેના લીધે વિપુલ સાકરીયાનું મોય નીપજ્યું હતું.
આ મામલે ચોટીલા પોલીસે હરેશ વિનાભાઇ સાકરીયાની ફરિયાદ પરથી પીપરાળીના ભાવાભાઇ બીજલભાઈ સાકરીયા, સુરેશ ભાવાભાઇ સાકરીયા, શાંતુબેન ભાવાભાઇ સાકરીયા, થોભણભાઈ મેરાભાઈ સાકરીયા તેમજ સાયલાના લાલા નારણભાઇ વિરુદ્ધ હત્યા સહીતની કલમો હેઠળ ગુનો દાખલ કરી ચારને સકંજામાં લીધા છે જયારે એકની શોધખોળ શરૂ કરી છે.