ડ્રાઈવરએ સ્ટિયરિંગ પરનો કાબૂ ગુમાવતા પરિવારના બે સભ્યોને કાળ ભેટ્યો: ત્રણ ગંભીર
માળિયા-અમદાવાદ હાઇ-વે પર માલવણ નજીક મોડી રાત્રે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અખિયાણા પાસે પૂરઝડપે આવી રહેલી ઇનોવા કાર ડિવાઇડરમાં ઘૂસી જતાં બે વેવાઇનાં મોત થયાં હતા, જ્યારે ઇનોવા ગાડીમાં સવાર અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતાં વધુ સારવાર અર્થે અમદાવાદ સેલ્બી હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા. મહત્ત્વનું છે કે કલોકનો પટેલ પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો એ દરમિયાન અકસ્માત સર્જાતાં લગ્નનો આનંદ શોકમાં ફેરવાયો હતો.
આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ ગત રાત્રિના પોણાબાર વાગ્યાની આસપાસ પટેલ સમાજનો પરિવાર કચ્છમાંથી સમૂહ લગ્નોત્સવમાં વિધિ પતાવીને લગ્નની જાન પરત લઇને કલોલ જઇ રહ્યો હતો. ત્યારે માલવણ હાઇવે પરના અખિયાણા ગામ પાસે આવેલી શિવશક્તિ હોટલ નજીક ઓવરબ્રિજ પાસે રાત્રિના અંધારામાં પૂરઝડપે આવી રહેલી ઇનોવા કારના ચાલક વિનોદ દેવજીભાઇ પટેલે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી દેતાં બેકાબૂ બનેલી કાર ડિવાઇડરને ટક્કર મારી રોડની બીજી સાઇટ આવી જતાં કારનો કચ્ચડઘામ બોલી ગયો હતો.
આ અકસ્માતમાં ગાડીમાં સવાર વરરાજાના દાદા કલોલ તાલુકાના નંદાસણ ગામના દેવજીભાઈ પચાણભાઈ પટેલ અને વરરાજાના નાના નડિયાદ રહેતા ભાણજી અબજીભાઈ પટેલ એટલે કે બંને વેવાઇઓનાં ઘટનાસ્થળે જ કમકમાટીભર્યાં મોત નીપજ્યાં હતાં, જ્યારે ગાડીમાં સવાર અન્ય ત્રણ વ્યક્તિઓને પણ ગંભીર ઇજાઓ પહોંચતાં તેમને 108 એમ્બ્યુલન્સ વાનમાં સારવાર અર્થે નજીકની હોસ્પિટલે લઇ જવાયા બાદ વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતાં બજાણા પોલીસ મથકના પીએસઆઈ એન.એ.ડાભી સહિતના સ્ટાફે તાકીદે ઘટનાસ્થળે દોડી જઇ બંને વેવાઇના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે પાટડી સરકારી હોસ્પિટલે મોકલી આપ્યા હતા.