- સૌરાષ્ટ્ર યુનિવર્સિટી મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા બાળકોમાં મોબાઇલ એડિક્શન પર પ્રાયોગિક સર્વે કરાયો
- ભૂલકાઓ મૂળભૂત રીતે આપણી પરંપરાગત રમતો અને પ્રકૃતિ સાથે રમવા ઉત્સુક હોય છે, પરંતુ પારિવારિક માહોલ એવો ન મળતાં તે જુદા-જુદા ઇલેક્ટ્રોનિક્સ ગેઝેટ તરફ આકર્ષાતા હોય છે
સંશોધનનો મુખ્ય હેતુ અને પ્રાયોગિક કાર્ય દરમિયાન થયેલા અનુભવો
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના મહર્ષિ અરવિંદ મનોવિજ્ઞાન ભવનના અધ્યક્ષ ડૉ. યોગેશ જોગસણ અને અધ્યાપક ડૉ. ધારા આર. દોશીના માર્ગદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા આજના બાળકોમાં મોબાઇલ એડિકશનનું પ્રમાણ કેટલું છે અને તેની પાછળ કેવા-કેવા કારણો જવાબદાર છે તે જાણવા અંગે એક પ્રાયોગિક કાર્ય હાથ ધરવામાં આવ્યું. સામાન્ય રીતે આપણે જોઈએ તો, બાળકોના મન ચંચળ હોય છે બાળકો મોટાભાગે અનુકરણ દ્વારા શીખતા હોય છે. આમ અનુકરણ દ્વારા જ તેઓ વર્તન કરે છે.
આ પ્રયોગ દરમિયાન મનોવિજ્ઞાન ભવનના અધ્યાપક અને વિદ્યાર્થીઓ દ્વારા અલગ-અલગ પ્લેહાઉસની મુલાકાત લેવામાં આવી હતી. અહીં જુદી-જુદી પ્રયોગવિધિઓ જેવી કે, સમસ્યા ઉકેલ, અંગુલી ચાપલ્ય, પઝલ્સ અને તેના સિવાયની બીજી ફિઝિકલ એક્ટિવિટીઝ જેવી કે, માટીના રમકડા, ડ્રોઈંગ વગેરે જેવી પ્રવૃત્તિઓ કરાવવામાં આવી હતી. પ્રસ્તુત કાર્ય 150 થી 200 બાળકો પર કરવામાં આવ્યું હતું. જેમાં જોવા મળ્યું કે પાંચ થી છ બાળકો જ મોબાઈલ તરફ આકર્ષાયા હતા. બાકીના બધા જ બાળકો ફિઝિકલ એક્ટિવિટી તરફ આકર્ષાયા હતા. આવી જુદી-જુદી એક્ટિવિટી કરાવ્યા બાદ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે નાની-નાની ગિફ્ટ આપવામાં આવી હતી જેનાથી તેમનામાં એક અનેરો આનંદ જોવા મળ્યો હતો.
પ્રયોગ કરવા પાછળના જુદા-જુદા કારણો
- મનોવિજ્ઞાન ભવનમાં કાઉન્સેલિંગ માટે આવતા જુદા-જુદા લોકોમાં માતા-પિતાનો એક મૂળ પ્રશ્ન એ હતો કે, બાળકો મોબાઈલ જોવાનું વધારે પસંદ કરે છે. પ્રસ્તુત સર્વે દરમિયાન તેના મુખ્ય કારણમાં કહી શકાય કે, બાળકોને જ્યારે માતા-પિતા પાસેથી પૂરતો સમય મળતો નથી ત્યારે જ તેઓ મોબાઇલ તરફ આકર્ષાય છે.
- અમુક બાળકોને માતા-પિતા પોતે જ મોબાઇલ, ટેબલેટ અને લેપટોપ જેવા ઉપકરણો ગિફ્ટમાં આપીને આર્થિક સધ્ધર છે તેવું બતાવવા અથવા દેખાડો કરે છે.
- જ્યારે માતા-પિતા પોતે જ મોબાઇલમાં ગેમ રમતા હોય અથવા આખો દિવસ મોબાઇલમાં હોય તો સ્વાભાવિક છે કે તેમના બાળકો પણ મોબાઇલનો ઉપયોગ કરતા શીખી જાય છે.
- આધુનિક યુગ સાથે ચાલવાની ઈચ્છામાં આજના માતા-પિતા ઘણીવાર પોતાના મોજ શોખમાં જ પડ્યા રહે છે પોતાનું બાળક શું ભણે છે તેનો ખ્યાલ પણ હોતો નથી.
- માતા-પિતા મોબાઇલમાં રિલ્સ જોવામાં બીઝી હોય છે જેના લીધે બાળક પણ રમતો રમવાનું છોડીને મોબાઇલમાં રમવા બેસી જાય છે. ૬. સમાજમાં હાઈ ફાઈ સ્ટેટસ બનાવવા માટે અને પોતાના બાળકોને અન્યની સામે વધારે હોશિયાર બતાવવા માટે પોતે જ બાળકોની રિલ્સ બનાવતા હોય છે.
પ્રયોગ દરમિયાન મળેલા તારણો
- માટીનો માણસ માટી પ્રત્યે આકર્ષાય છે તે આ પ્રયોગ દરમિયાન જોવા મળ્યું.બાળકોને કમાન્ડ આપતા તેઓ નૈસર્ગીક બાબતો તરફ વધુ આકર્ષાય છે.
- માતા પિતાની કેરિયર પાછળની દોટને કારણે ઘણા બાળકો દાદા દાદી પાસે ઉછરે છે પરંતુ શારીરિક શક્તિની નબળાઈને કારણે દાદા દાદી તેને કુદરતી રમતો રમાડી શકતા નથી માટે બાળકો ઇલેક્ટ્રોનિક ગેઝેટ તરફ આકર્ષાય છે.
- આ સર્વે દરમિયાન એ ખાસ જોવા મળ્યું હતું કે, જ્યારે બાળકો પાસે કોઈ બીજો વિકલ્પ રહેતો નથી ત્યારે જ તેઓ મોબાઇલ તરફ આકર્ષાય છે.
- માટીના રમકડા, ડ્રોઈંગ જેવી વિવિધ પ્રવૃત્તિઓમાં બાળકો વધારે આનંદ અનુભવતા હતા.
- રંગોથી બાળક વધુ આકર્ષણ અનુભવતા હતા
- જે પરિવારમાં સિંગલ ચાઈલ્ડ હોય છે. તેઓ વધુ જિદ્દી અને મનમાની કરવા વાળા જોવા મળ્યા.
- પરિવાર માં ભાઈ બહેનો સાથે રમતા બાળકોમાં સમાયોજન શક્તિ અને સમજણ વધું જોવા મળ્યા.
- બાળ માનસ ભાવ અને લાગણીને સારી રીતે અનુભવી અને સમજી શકે છે.
- માતા-પિતા મોબાઇલનો અતિરેક ઉપયોગ કરે તો તેના બાળકો અનુકરણ દ્વારા મોબાઇલ તરફ આકર્ષાતા હોય છે.
સૂચનો
- માતા-પિતાએ બાળકોની સામે જેમ બને તેમ મોબાઇલનો ઉપયોગ ઘટાડવો જોઈએ.
- બાળકોને વધારે સમય આપવો જોઈએ તેમની સાથે જુદી-જુદી રમતો રમવી જોઈએ.
- બાળકોને માટી સાથે રમવા દેવા જોઈએ તેનાથી તેમનો સર્વાંગી થશે.
- માતા-પિતાએ બાળકોની સાર સંભાળ લેવી. તેઓ શું કરે છે, શું બોલે છે, શું શીખે છે વગેરે બાબતોની પૂરી માહિતી રાખવી.
- બાળકોને અનુભવાતી સમસ્યાઓ વિશે જાણવું.
- નાની-નાની બાબતોમાં બાળકોને પ્રોત્સાહિત કરવા પરિણામે તેઓની જિજ્ઞાસવૃત્તિ જળવાઈ રહેશે.