ઝોન વાઇઝ ચલણ ભરવા સહિતના પ્રશ્ર્ને ભાજપ લીગલ સેલ દ્વારા કલેક્ટરને રજૂઆત
રાજકોટ શહેરની જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં બનેલી ફેમેલી કોર્ટ, લોધીકા અને કોટડા સાંગાણી ખાતે નવી બનેલી કોર્ટ બિલ્ડીંગનું તાકીદે લોકાર્પણ કરવા અંગે તેમજ બહુમાળી ભવન ખાતે આવેલી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયામાં ચલણ ભરવામાં શહેરીજનો તથા વકીલોને પડતી મુશ્કેલી અંગે કલેક્ટરને પત્ર પાઠવી ઉકેલ લાવવા રજૂઆત કરી છે.
રાજકોટ શહેરના જુની કલેક્ટર કચેરી કમ્પાઉન્ડમાં આશરે ત્રણ વર્ષથી નવી બનેલ ફેમેલી કોર્ટ તૈયાર થઇ છે. હાલ ફાસ્ટેટ કોર્ટમાં બેસતી ફેમેલી કોર્ટમાં ન્યાય મુર્તી, વકીલો તથા પક્ષકારોને ખૂબ જ ગીચતા અનુભવવી પડે છે. લોધીકા તથા કોટડા સાંગાણી ખાતે આશરે ત્રણ વર્ષ પહેલા બનેલી નવી કોર્ટ બિલ્ડીંગ પણ ઉદ્ઘાટન બાકી હોય, આ અગાઉ પણ ગુજરાત હાઇકોર્ટ અને કાયદા મંત્રીને પણ તાકીદે સદરહું કોર્ટના ઉદ્ઘાટન અંગે પણ રજૂઆત કરી છે.
શહેરમાં છેલ્લા ઘણા વર્ષોથી સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા, બહુમાળી શાખામાં સરકારી ચલણ ભરવા માટે માત્ર એક જ બેંકની વ્યવસ્થા થયેલી છે. શહેરની વસ્તી તેમજ સરકારી કચેરીઓનું ભરણુ તદ્ઉપરાંત અનેક પ્રકારની સરકારી કામકાજ અન્વયે ચલણ ભરવા માટે માત્રને માત્ર સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બહુમાળી શાખામાં જ ભરપાઇ કરવામાં આવે છે. તેમજ સદરહું બેંકમાં મોટાભાગના કેન્દ્ર તથા રાજ્ય સરકારના કર્મચારીઓના પેન્શન પણ આ જ બેંકમાં હોય છે. આ બેંકના સેવિંગ્ઝ, કરન્ટ ખાતા ધારકો માટે પણ ચલણને હિસાબે જે તેના બદલે લાંબી લાઇનો હોવાના કારણે સિનીયર સીટીઝન પણ આશરે 1 થી 2 કલાકે વારો આવે છે.
આ અંગે તાકીદે રાજકોટ શહેરમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયાની પૂર્વ ઝોન, મધ્ય ઝોન, પશ્ર્ચિમ ઝોન ઉપરાંત શહેરની મધ્યમાં 3 થી 4 અન્ય બેંકોમાં સરકારી ચલણ ભરી શકાય તે પ્રકારની તાકીદે વ્યવસ્થા કરવા અંગે બાર કાઉન્સીલ ઓફ ઇન્ડીયાના સદસ્ય દિલીપભાઇ પટેલ, ભાજપ લીગલ સેલના પ્રદેશ સદસ્ય હિતેશભાઇ દવે તથા રાજકોટ મહાનગર સંયોજક અંશ અભય કુમાર ભારદ્વાજ તથા સહ સંયોજક સી.એચ.પટેલ રજૂઆત કરી છે.