કોરોના મહામારીએ દેશમાં હાહાકાર મચાવ્યો હતો. કોરોના સંક્રમણથી દેશમાં ઘણા બધા લોકોએ જીવ ગુમાવ્યો હતો. કોરોનામાં જીવ ગુમાવનાર લોકોના પરિવારને વળતર આપવા બાબતે આજે કેન્દ્ર સરકારને સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, કોરોનામાં જીવ ગુમાવનારના પરિવારને ઝડપથી વળતર ચુકવામાં આવે. કેટલું વળતર આપવું તેના માટે કેન્દ્ર સરકાર ગાઈડ લાઈન બનાવી નક્કી કરે. આ સાથે સુપ્રીમ કોર્ટે એવું પણ કહ્યું કે, ‘કોવિડને કારણે થતાં મૃત્યુ પર 4 લાખ રૂપિયાનું વળતર આપી ના શકાય.’ સુપ્રીમ કોર્ટે NDMA (National Disaster Management Authority) ને એવી એક સિસ્ટમ બનાવવા કહ્યું છે કે જેથી ઓછામાં ઓછું વળતર આપી શકાય.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને કોવિડને કારણે થયેલા લોકોના ડેથ સર્ટિફિકેટ આપવાનો નિર્દેશ આપ્યો છે. જે સર્ટિફિકેટ પહેલાથી જ જારી કરવામાં આવ્યાં છે તેમાં સુધારો કરવામાં આવે. ચુકાદો જાહેર કરતી વખતે સુપ્રીમ કોર્ટે NDMAના અધિકારીઓને પણ ઠપકો આપ્યો હતો.
સુપ્રીમ કોર્ટમાં શું અરજી કરવામાં આવી હતી ?
ઘણા અરજદારો દ્વારા સુપ્રીમ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી કે, કોરોનાને કારણે મૃત્યુ પામેલા લોકોનાં પરિવારોને ડિઝાસ્ટર એક્ટ હેઠળ ચાર લાખ રૂપિયાનું વળતર મળવું જોઈએ. આ ઉપરાંત અરજદારે કોવિડ ડેથ સર્ટિફિકેટ અંગે પણ અરજીમાં સવાલો ઉભા કર્યા હતા. જેના પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને રાજ્ય સરકારો પાસેથી જવાબ માંગ્યો હતો.
કેન્દ્ર સરકારનો જવાબ શું હતો ?
સુપ્રીમ કોર્ટના સવાલ સામે કેન્દ્ર સરકારે કહ્યું હતું કે, કોરોનામાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને વળતર રૂપે 4 લાખ રૂપિયા આપવા મુશ્કેલ છે. સરકાર તેના બદલે આરોગ્ય માળખાને મજબૂત બનાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.